'હવે રોકી દો...' રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું ઓપરેશન સિંદૂરને રોકવાનું સાચું કારણ
Rajnath Singh Speech Lok Sabha: રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું કે, પાકિસ્તાની ડીજીએમઓની વિનંતી પર ભારતીય સેનાએ ઓપરેશન બંધ કરી દીધું હતું. ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનને સજા આપી હતી. જો કે, ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી, તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.
Trending Photos
Rajnath Singh Speech Lok Sabha: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર બોલતી વખતે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સુંદરકાંડની તે પ્રખ્યાત પંક્તિનું પુનરાવર્તન કર્યું. એક-એક જાણકારી શેર કરતા રક્ષા મંત્રીએ વિપક્ષને પણ આડે હાથ લીધા. તેમણે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર કહ્યું કે, વિપક્ષ ખોટા પ્રશ્નો પૂછી રહ્યું છે, તેમાં હું આમાં વિપક્ષને મદદ કરી શકું છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતની કાર્યવાહી પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓની હરકતને યોગ્ય જવાબ હતો. સુંદરકાંડનો પૂરી ચૌપાઈ છે- 'જેન્હે મોહિ મારા તે મેં મારે। તેહિ પર બંધેઉં તનય તુમ્હારે. મોહિ ન કછુ બાંધે કઈ લાજા। કીન્હ ચહઉં નિજ પ્રભુ કર કાજા.'
એવા સમયમાં જ્યારે સેનાએ આજે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે, લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે દેશને બધું જ જણાવ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ ઓપરેશન કોઈના પ્રેશરમાં રોકવામાં આવ્યું ન હતું. હકીકતમાં વિપક્ષ ઓપરેશનને અચાનક બંધ કરવા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘણી વખત કહ્યું છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય સેનાને સંપૂર્ણ આઝાદી હતી. સેનાએ પોતે જ ટાર્ગેટ સેટ કર્યા. હુમલા પછી પાકિસ્તાને હાર સ્વીકારી. પાકિસ્તાને પોતે જ ઓપરેશન રોકવાની માંગ કરી હતી.
પાકિસ્તાને પહેલા સંપર્ક કર્યો
રાજનાથે કહ્યું કે, 10 મેના રોજ પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOનો સંપર્ક કર્યો અને ભારતને લશ્કરી કાર્યવાહીને રોકવાની અપીલ કરી. 12 મેના રોજ બન્ને દેશોના DGMO વચ્ચે ઔપચારિક વાતચીત થઈ અને બન્ને પક્ષોએ લશ્કરી કાર્યવાહી પર પૂર્ણવિરામ લગાવવાનો નિર્ણય લીધો. રક્ષા મંત્રીએ પોતાના ભાષણમાં ઘણી વખત પુનરાવર્તન કર્યું કે, પાકિસ્તાની DGMOએ વિનંતી કરી હતી કે, હવે બંધ કરી દો. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે, ઓપરેશન સ્થગિત થયું છે, સમાપ્ત થયું નથી.
ભારતની કાર્યવાહી શું હતી?
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'અમારી કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષામાં હતી, ન તો ઉશ્કેરણીજનક હતી કે ન તો વિસ્તરણવાદી. છતાં પણ 10 મે 2025ના રોજ લગભગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ પાકિસ્તાને ભારત પર મિસાઇલો, ડ્રોન, રોકેટ અને લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો. તેઓએ ઇલેક્ટ્રોનિક વોર સંબંધિત ટેકનોલોજીનો પણ આશરો લીધો. તેમના નિશાના પર આપણા ભારતીય સૈન્ય મથકો, આર્મી ડેપો, એરપોર્ટ અને લશ્કરી છાવણીઓ હતા. મને એમ કહેતા ગર્વ થાય છે કે, આપણી ડિફેન્સ સિસ્ટમ, કાઉન્ટર ડ્રોન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા.'
પાકિસ્તાન એક પણ ટાર્ગેટ હિટ કરી શક્યું નહી
તેમણે કહ્યું કે, પાકિસ્તાન અમારા કોઈપણ ટાર્ગેટને હિટ ન કરી શક્યું. અમારી સુરક્ષા વ્યવસ્થા કડક હતી અને દરેક હુમલાને અમારા દ્વારા રોકી દેવામાં આવ્યા. આ માટે હું ભારતીય સેનાના બહાદુર સૈનિકોની ખૂબ જ પ્રશંસા કરું છું, જેમણે દુશ્મનના કાવતરાઓને નિષ્ફળ બનાવ્યા. રક્ષા મંત્રીએ જણાવ્યું કે, અમારી સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ PoK અને પાકિસ્તાનમાં હાજર 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. 9માંથી 7 આતંકવાદી ઠેકાણાઓને સેનાએ સંપૂર્ણપણે બરબાદ કરી દીધા. 22 મિનિટની અંદર જ આ ઓપરેશન પૂર્ણ થઈ ગયું હતું.
રક્ષા મંત્રીએ કહ્યું કે, '6 અને 7 મે 2025ના રોજ ભારતીય દળોએ ઓપરેશન સિંદૂર નામથી એક ઐતિહાસિક લશ્કરી કાર્યવાહી અંજામ આપ્યો. તે માત્ર લશ્કરી કાર્યવાહી નહોતી, પરંતુ તે ભારતની સંપ્રભુતા, તેની અસ્મિતા, દેશના નાગરિકો પ્રત્યેની આપણી જવાબદારી અને આતંકવાદ સામેની આપણી નીતિનું એક અસરકારક અને નિર્ણાયક પ્રદર્શન હતું.'
ઈન્દિરા સરકારની કરી પ્રશંસા
હા, ઓપરેશન સિંદૂર પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, 'જ્યારે અમે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો, હું તે સમયની સરકારને અભિનંદન આપું છું. અમે ત્યારે અમારા રાજકીય અને લશ્કરી નેતૃત્વની પ્રશંસા કરી હતી. અમે એ નથી જોયું કે તે કયા પક્ષની સરકાર હતી અથવા કઈ વિચારધારા હતી. અમારા નેતા અટલ બિહારી વાજપેયીએ સંસદમાં તે સમયના નેતૃત્વની પ્રશંસા કરી હતી... અમે પૂછ્યું ન હતું કે, તેમને (પાકિસ્તાનને) પાઠ ભણાવતી વખતે કેટલા ભારતીય વિમાન ક્રેશ થયા, કેટલા સાધનોનો નાશ થયો, અમે તે સમયે પણ આ પ્રશ્ન પૂછ્યો ન હતો.' આ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર મજાક હતી જેઓ અનેક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે