Monsoon Travel: ગુજરાતમાં ચોમાસામાં ફરવા માટે સ્વર્ગ જેવા છે આ 5 સ્થળ, જો ન જોયા હોય તો પાક્કા ગુજરાતી નહીં!
ચોમાસામાં જો ફરવાનો શોખ હોય અને ગુજરાતના આ ફરવાના સ્થળો તમે ન ફર્યા હોવ તો બધુ નકામું છે. ગુજરાતમાં ફરવાલાયક, ઐતિહાસિક સ્થળો એકથી એક ચડિયાતા છે. જો તમે ચોમાસામાં ફરવા માટે સ્થળો શોધતા હોવ તો આ 5 સ્થળો પર એક નજર ફેરવી લેજો.
ગિરનાર હિલ્સ
ચોમાસામાં ગિરનાર પર્વત લીલોછમ બની જાય છે. એક સુંદર કુદરતી નજારો જોવા મળે છે. કહેવાય છે કે ઉંચો ગઢ ગિરનાર (girnar) વાદળથી વાતો કરે છે. ચોમાસાંમાં વરસાદ બાદ સમગ્ર પર્વતમાળા લીલીછમ બની જાય છે, નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ગિરનાર અને આસપાસના ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જૂનાગઢમાં ચોમાસા દરમિયાન પ્રકૃતિનું સૌદર્ય માણવાનો એક અનેરો લ્હાવો છે અને પ્રકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસનની દ્રષ્ટિએ પણ વિદેશોને ભૂલાવે તેવું જૂનાગઢનું પ્રાકૃતિક સૌદર્ય છે. ગિરનારની પ્રાકૃતિક સુંદરતાનો લ્હાવો માણવા જેવો છે.
સાપુતારા
આમ જોઈએ તો ગુજરાતનું એકમાત્ર હવા ખાવાના સ્થળ તરીકે સાપુતારાની ગણતરી થાય છે. ચોમાસામાં તો સાપુતારાના સૌંદર્યને ચાર ચાંદ લાગી જાય છે. અહીં ચોમાસામાં યોજાતો મોનસૂન ફેસ્ટિવલ પણ જોવા લાયક છે. ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલુ સાપુતારા પર્યટકોને બારેય માસ આકર્ષે છે પરંતુ ચોમાસામાં તો ગજબ સૌંદર્ય જોવા મળે છે.
બરડો ડુંગર
પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વચ્ચે 48 ચોરસ કિમીમાં આવેલી આ પર્વતમાળા અદભૂત છે. જ્યાં આભાપરા, ફોદારો ડેમ, જાંબુવન ગુફા નવલખા મંદિર સહિત અનેક કુદરતી અને ઐતિહાસિક સ્થળો છે. આભાપરા એ બરડા ડુંગરની સૌથી ઊંચી ટોચ છે જેની ઉંચાઈ અંદાજે 2000 ફૂટ છે. ચોમાસામાં તો અહીં જાણે પર્યટકો માટે સ્વર્ગ જેવું વાતાવરણ સર્જાય છે.
પાવાગઢ હિલ્સ
ચોમાસું આવતા જ ગુજરાતના અનેક વિસ્તારોનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આવામાં પંચમહાલમા આવેલ પાવાગઢ પર્વતનો આહલાદક નજારો જોવા મળે છે. વાદળોની વચ્ચે પાવાગઢ ડુંગર ઢંકાયો હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળતા હોય છે.. વરસાદી વાતાવરણમાં અદભૂત નજારો જોવા મળે છે. વાદળો પાવાગઢના ડુંગરને અડીને પસાર થઈ રહ્યાં છે તેવું લાગે છે.
ડોન હિલ સ્ટેશન
ફરવાના શોખીનો માટે અને હિલ સ્ટેશનો પર ફરવા માટે ગુજરાતમાં લોકોને સાપુતારા જ ખબર હોય છે પરંતુ આ ડોન હિલ સ્ટેશન પણ કઈ કમ નથી. ચોમાસામાં તો આ જગ્યા સોળે કળાએ ખીલે છે. કુદરતનો અદભૂત નજારો તમને જોવા મળી જાય.
Trending Photos