ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 વર્ષના વિક્રમનો કોઈ અત્તોપત્તો નથી, પુલના ભાગને તોડવા મશીન મંગાવાયું
Gujarat Bridge Collapse : મુજપૂર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગાયબ 22 વર્ષના વિક્રમનો હજુ કોઈ અત્તોપત્તો નથી. તો બીજી તરફ, નદીમાં પડેલા બ્રિજના સ્લેબને તોડવા 20 હોર્સ પાવરનું ડાયમંડ વાયર કટિંગ મશીન લાવવામાં આવ્યું.
હજી એક મૃતદેહ દટાયેલો છે
મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ચોથો દિવસ. હજુ પણ એક મૃતદેહ કાટમાળમાં દટાયેલો છે. ઘટના બાદ તપાસ કમિટીની ટીમોનો સર્વે ચાલી રહ્યો છે. મુખ્યમંત્રીની તપાસ સમિતિની ટીમ, RTO, FSL સહિતની ટીમો તપાસમાં જોતરાઈ છે. બ્રિજની ડેન્સિટી અને સ્લેબનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ચોથા દિવસે પણ મૃતકોની શોધખોળ ચાલુ
વડોદરા બ્રિજ દુર્ઘટનાના ચોથા દિવસે પણ મૃતકોને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન વહેલી સવારથીજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૦ વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે. જ્યારે નરસિંહપૂરા ગામના ૨૨ વર્ષીય વિક્રમ નામના યુવાનની શોધખોળ ચાલુ છે.
નદીના પ્રવાહને કારણે બંને દિશામાં શોધખોળ ચાલુ
મુજપુર પાસેથી મહી નદીના પ્રવાહની સ્થિતિ એવી છે કે તે બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ પ્રવાહ વહે છે. તેના કારણે ઉપરવાસ અને હેઠવાસ, એમ બંને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
પુલના ભાગને તોડવા 20 હોર્સ પાવરનું મશીન મંવાયું
પૂલનો જે ભાગ તૂટીને નદીમાં પડ્યો છે, તેને તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ૨૦ હોર્સ પાવરનું ડાયમંડ વાયર કટિંગ મંગાવવામાં આવ્યું છે. જેને નાવડીમાં નાંખી પૂલ નીચે લઈ જવામાં આવ્યું હતું. આ મશીનને પાવર આપવા જનરેટર લાવવામાં આવ્યું છે.
બીજું પણ કોઈ દબાયેલું છે કે નહિ
પુલના કાટમાળમાં વિક્રમ સહિત અન્ય કોઈ હતભાગી આ સ્લેબ નીચે દબાયેલું છે કે કેમ? તેની ખાતરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે વિવિધ થિયરી ઉપર તપાસ શરૂ કરી
પાદરા પોલીસ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે. કોઈ અકસ્માત થયો, અને ટ્રક અંદર પડી અને પડતી વેળા સ્લેબ કે આર્ટીક્યુલેશનને નુકસાન કરતી ગઈ કે કેમ ? લોડેડ ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા સહિતની બાબતો પણ તપાસ હેઠળ છે.
પોલીસ તપાસને મદદરૂપ થવા માટે આજે સવારે એફએસએલની ટીમે ફોરેન્સિક વાન સાથે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આરટીઓની ટીમે પણ તપાસ કરી હતી.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરી મુલાકાત
કોંગ્રેસના નેતા અમિત ચાવડા આજે ર્દઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટના અંગે અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું. તો અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા.
Trending Photos