ભારતનું આ સ્ટેડિયમ સુરક્ષિત નથી! તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો, વર્લ્ડ કપ અને IPLની મેચો પર સંકટ
Chinnaswamy Stadium : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને મોટી ઈવેન્ટ માટે અસુરક્ષિત અને અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે. ડી'કુન્હા કમિશનના અહેવાલ બાદ આ વર્ષના અંતમાં યોજાનારા મહિલા વર્લ્ડ કપ અને IPL મેચો પર સંકટના વાદળો ઘેરાયા છે.
Trending Photos
Chinnaswamy Stadium : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઇટલ જીત્યા બાદ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ યોજાઈ હતી. વિજય પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ચિન્નાસ્વામી ભાગદોડની તપાસ માટે ન્યાયાધીશ જોન માઈકલ ડી'કુન્હાની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી હતી. આ ન્યાયિક કમિશનના રિપોર્ટને તાજેતરમાં કર્ણાટક કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ESPN ક્રિકઇન્ફો અનુસાર, ન્યાયિક કમિશનના રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને મૂળભૂત રીતે અસુરક્ષિત ગણાવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમનું વર્તમાન માળખું મોટા કાર્યક્રમો માટે અયોગ્ય અને જોખમી છે. સ્ટેડિયમમાં ન તો પૂરતા પ્રવેશ/બહાર નીકળવાના દરવાજા છે, ન તો તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કટોકટી ખાલી કરાવવાની યોજના છે. સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ ખૂબ જ વ્યસ્ત છે. ઉપરાંત, પાર્કિંગ માટે મર્યાદિત જગ્યા છે.
વર્લ્ડ કપ અને IPL મેચો પર શંકા!
મહિલા વર્લ્ડ કપ 2025ની ઓછામાં ઓછી 4 મેચો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની છે. જો પાકિસ્તાની ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં નહીં પહોંચે, તો ટાઇટલ મેચ પણ અહીં રમાશે. ઉપરાંત, ચિન્નાસ્વામી સ્ટેડિયમ આવતા વર્ષે IPL અને WPL મેચોનું આયોજન કરવા જઈ રહ્યું છે. જોકે, આ રિપોર્ટ બહાર આવ્યા પછી, આ સ્થળે આંતરરાષ્ટ્રીય અને અન્ય મેચોના આયોજન પર એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.
કર્ણાટક સરકારે ન્યાયિક પંચના રિપોર્ટને મંજૂરી આપી હોવાથી RCB, KSCA (કર્ણાટક ક્રિકેટ એસોસિએશન), DNA એન્ટરટેઈનમેન્ટ અને બેંગલુરુ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીનો માર્ગ મોકળો થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, વિજય પરેડ દરમિયાન મેદાન પર ફક્ત 79 પોલીસકર્મીઓ તૈનાત હતા, બહાર કોઈ નહોતું. એમ્બ્યુલન્સ પણ નહોતી અને ઘટનાના 30 મિનિટ પછી સંયુક્ત પોલીસ કમિશનર પણ પહોંચ્યા. ન્યાયિક પંચે ભલામણ કરી છે કે મોટા કાર્યક્રમો ફક્ત એવા સ્ટેડિયમમાં જ યોજવા જોઈએ જે આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે