IND vs ENG: સસ્પેન્સ ખતમ... જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ રમશે કે નહીં? મેનેજમેન્ટે લઈ લીધો આ મોટો નિર્ણય
IND vs ENG 4th Test: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાનારી ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં રમશે કે નહીં તે અંગે આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે મોટું અપડેટ આપ્યું છે. તેમનું કહેવું છે કે, ભારત સિરીઝમાં 2-1થી પાછળ હોવાથી બુમરાહ ચોથી ટેસ્ટમાં રમે તેવી શક્યતા વધુ છે.
Trending Photos
Jasprit Bumrah: ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 2-1 થી પાછળ છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાસે લોર્ડ્સમાં લીડ મેળવવાની શાનદાર તક હતી, પરંતુ તેમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાશે. આ મેચ ભારત માટે કરો યા મરોનો મુકાબલો છે. સિરીઝ જીતવા માટે ભારતે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. આ મેચ સાથે જોડાયેલો એક મોટો પ્રશ્ન ફેન્સના મનમાં છે કે, શું ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમશે કે નહીં? આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે આ અંગે એક મોટું અપડેટ આપ્યું છે.
બુમરાહને રમવાની છે ફક્ત ત્રણ મેચ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પહેલાથી જ કન્ફર્મ કરી દીધું છે કે વર્કલોડને કારણે જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ફક્ત ત્રણ મેચ રમશે. અત્યાર સુધી બુમરાહ બે ટેસ્ટ રમી ચૂક્યો છે. લીડ્સમાં પ્રથમ ટેસ્ટ બાદ બુમરાહને બીજી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આ પછી તે લોર્ડ્સ ટેસ્ટના પ્લેઇંગ-11માં પાછો ફર્યો. હવે બુમરાહ છેલ્લી બે મેચમાંથી ફક્ત એક જ મેચ રમશે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે ભારત તેને ચોથી ટેસ્ટમાં રમાડશે કે પાંચમી મેચમાં? આ અંગે એક અપડેટ આવ્યું છે.
ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં બુમરાહ?
ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ ચોથી ટેસ્ટમાં રમશે તે નિશ્ચિત લાગે છે. જસપ્રીત બુમરાહ અંગે ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે એક મોટું અપડેટ આપ્યું છે. આસિસ્ટન્ટ કોચે લગભગ પુષ્ટિ કરી દીધી છે કે, બુમરાહ કરો યા મરો ટેસ્ટમાં પણ રમશે. તેમણે કહ્યું કે, 'અમે માન્ચેસ્ટરમાં આ નિર્ણય લઈશું. અમે જાણીએ છીએ કે અમે તેને છેલ્લી બે ટેસ્ટ મેચમાંથી એક માટે પસંદ કર્યો છે. મને લાગે છે કે હવે માન્ચેસ્ટરમાં સિરીઝ દાવ પર છે, તેથી તેને રમવાની ઉચ્ચ સંભાવના છે.'
અત્યાર સુધીનું કેવું રહ્યું બુમરાહનું પ્રદર્શન?
બુમરાહએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ પછી બુમરાહ લોર્ડ્સ ટેસ્ટમાં પાછો ફર્યો અને પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને ફરીથી 5 વિકેટ લીધી. તેણે આ મેચમાં કુલ 7 વિકેટ લીધી. ભારત આ મેચ જીતી શક્યું હોત, પરંતુ બીજી ઇનિંગમાં બેટિંગ ઓર્ડર કોલેપ્સ થવાને કારણે 22 રનથી હારીનો સામનો કરવો પડ્યો હતો. બુમરાહ ટીમનો મુખ્ય બોલર છે. જ્યારે પણ ભારત વિકેટની શોધમાં હોય છે, ત્યારે કેપ્ટન તેને બોલ આપે છે અને તે વિકેટ લે છે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટમાં બુમરાહને રમવાથી ભારતીય બોલિંગ આક્રમણ મજબૂત બનશે. ખાસ કરીને જ્યારે સિરીઝ ભારત માટે કરો યા મરોની સ્થિતિમાં હોય.
જસપ્રીત બુમરાહે ટેસ્ટમાં કેટલી વિકેટ લીધી છે?
જસપ્રીત બુમરાહએ ટેસ્ટમાં 217 વિકેટ લીધી છે. તેણે 47 મેચોમાં આ વિકેટ લીધી છે.
માન્ચેસ્ટરમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ કેવો છે?
માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો નથી. તેણે અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમી છે અને એક પણ જીતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે