IPL 2025 : પંડ્યાની ધાર, શુભમનનો વાર...કોનું પલડું ભારે - મુંબઈ કે ગુજરાત ? આ રેકોર્ડ છે પુરાવો
IPL 2025, GT vs MI : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર જામશે. બંને ટીમોને તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આજે બંને ટીમો જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મુંબઈ કે ગુજરાત કોનું પલડું ભારે છે.
Trending Photos
IPL 2025, GT vs MI : IPL 2025માં પ્રથમ જીતના ઈરાદા સાથે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી કરશે. બંને ટીમો વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં હાર્દિક પંડ્યા નહોતો. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો IPL 2025ની તેમની પ્રથમ મેચ હારી ગઈ છે. ગુજરાત ટાઈટન્સને તેની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.
બંને ટીમો ઘણી મજબૂત
આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમોને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીત્યું છે જ્યારે ગુજરાત ટાઈટન્સ એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. એકવાર ગુજરાતને ફાઇનલમાં ચેન્નાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. સારી બેટિંગની સાથે ગુજરાત પાસે બોલિંગ લાઇન અપ પણ સારી છે. રાશિદ ખાન ગુજરાત માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ છે, જેમાં ત્રણ વખત ગુજરાતનો વિજય થયો છે, જ્યારે મુંબઈની ટીમને બે મેચમાં સફળતા મળી છે. મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે. જો કે ચેન્નાઈ સામેની પોતાની પ્રથમ મેચમાં તે ખાસ કંઈ કરી શક્યો નહોતો. તો મિડલ ઓર્ડર પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. અમદાવાદમાં હંમેશા હાઈ સ્કોરિંગ મેચો થાય છે અને એવું જ કંઈક મુંબઈ અને ગુજરાત વચ્ચે જોવા મળશે તેવી આશા છે.
મુંબઈમાં બુમરાહની ખોટ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિના સંઘર્ષ કરતી જોવા મળી હતી. દરમિયાન પ્રથમ મેચમાં નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીએ ટીમ માટે વસ્તુઓ વધુ મુશ્કેલ બનાવી દીધી હતી. હાર્દિક પંડ્યા બોલ કે બેટથી મેચ પર મોટી અસર કરવાની ક્ષમતા ધરાવે છે. તેની વાપસીનો અર્થ એ છે કે રોબિન મિન્ઝેને કદાચ બહાર બેસવું પડશે. ચેન્નાઈ સામેની તેની પ્રથમ મેચમાં, મિન્ઝ ચેપોક મેદાનની મુશ્કેલ પીચ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
પંડ્યાના વાપસીથી મુંબઈને સંતુલન
કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બેટિંગ અને બોલિંગમાં ઘણું સંતુલન મળશે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે વાપસી કરશે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ અને બીજી મેચ વચ્ચે લગભગ એક અઠવાડિયાના અંતરાલ દરમિયાન જામનગરમાં થોડા દિવસો વિતાવ્યા હતા.
અમદાવાદની સ્થિતિ બેટિંગ માટે સંપૂર્ણપણે અનુકૂળ જણાય છે. આ મેદાન પર પંજાબ કિંગ્સ (243) અને ગુજરાત ટાઇટન્સ (232) વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં 475 રન થયા હતા. બેટિંગ માટે સરળ પીચ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું પ્રદર્શન ગુજરાત માટે મહત્વનું રહેશે. તે છેલ્લા કેટલાક સમયથી લયમાં નથી અને તેણે પંજાબ સામે 54 રન આપ્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ના પણ આ મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના રિસ્ટ સ્પિનર વિગ્નેશ પુથુરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બધાને ચોંકાવ્યા હતા.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઇ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે