દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સુખના દિવસો આવ્યા, પાક ક્યાં વેચવો જવો તેની ઝંઝટમાંથી મળશે મુક્તિ

Gujarat Farmers ; નવસારીના ખેતીવાડી વિભાગ દ્વારા " નૈસર્ગિક નવસારી" મોબાઈલ એપ્લિકેશન બનાવાઈ. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 3000 ખેડૂતોને જોડી તેમના ખેતરમાં પાકતા પ્રાકૃતિક પાકને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો નવતર પ્રયોગ કર્યો છે

દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સુખના દિવસો આવ્યા, પાક ક્યાં વેચવો જવો તેની ઝંઝટમાંથી મળશે મુક્તિ

Agriculture News ધવલ પારેખ/નવસારી : રાસાયણિક ખેતી છોડી નવસારીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી પાકોને બજાર અને ગ્રાહકોને સીધો કેમિકલ વિનાનો તેમજ ગુણવત્તા સભર પાક મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા ખેતીવાડી વિભાગે નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશન બનાવી ખેડૂતોને વૈશ્વિક પેલ્ટફોર્મ આપી આર્થિક મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો છે.

નવસારીમાં સીધા પ્રાકૃતિક ખેડૂતોના ખેતરમાંથી શાકભાજી, ફળ, કઠોળ, અનાજ તેમજ મૂલ્યવર્ધિત વસ્તુઓની ખરીદી શક્ય બનાવવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી સમગ્ર રાજ્યમાં નવી પહેલ કરી છે. ખેતીવાડી વિભાગે " નૈસર્ગિક નવસારી " મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 3000 ખેડૂતોને જોડી તેમના ખેતરમાં પાકતા પ્રાકૃતિક પાકને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો નવતર પ્રયોગ કર્યો છે. મોબાઈલ એપ્લિકેશનમાં ખેડૂતનું નામ, તેનું સરનામું સાથે કયો પાક છે, એનો ભાવ સાથે જ કેટલી માત્રામાં છે અને કેટલા સમય માટે ઉપલબ્ધ રહેશે એની સીધી માહિતી મળશે. 

ખેડૂતોની માહિતી સાથે તેનો મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો છે, જેથી મોબાઈલ નંબર ઉપર ક્લિક કરતા સીધો તેને ફોન કરી સંપર્ક કરી શકાશે. ખાસ વાત એ છે કે ગ્રાહક પોતાના ઘર નજીકના ખેડૂતોને શોધી તેમની પાસેથી તાજા અને શુધ્ધ શાકભાજી, ફળ, કઠોળ, અનાજ તેમજ મૂલ્યવર્ધિત વસ્તુઓની ખરીદી કરી શકશે. ક્યારેક ગ્રાહક ખેડૂતના ખેતરમાં જઈને પણ શાકભાજી કે ફળ જાતે તોડી અને તેની ખરીદી કરી શકશે. ખેડૂતો વેપારીઓને પોતાનો પાક વેચે, ત્યારે ઘણીવાર બજારમાં ભરાવો થતા પાણીના ભાવે અથવા ફેંકી દેવાના ભાવે પોતાની મહેનત વેચવી પડતી હોય છે, ત્યારે શાકભાજીમોબાઈલ એપ્લિકેશન થકી ખેડૂતો સીધા ગ્રાહકો સાથે જોડાઈ શકશે, જેથી તેમને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને પણ ઓછા ભાવે શુદ્ધ ખેતી પાકો મળશે, જેના થકી તેમનું આરોગ્ય પણ સુધરશે.

આ વિશે ઈટાળવાના ખેડૂત ચંદુભાઈ પટેલ કહે છે કે, પ્રાકૃતિક ખેત પેદાશો સીધી ઘર સુધી આંગળીના ટેરવે મળવાની વાતથી ગૃહિણીઓ પણ ખુશ છે. કારણ બજારમાં જઈને શાકભાજી, ફળ ફળાદી, કઠોળ, અનાજ અને મૂલ્યવર્ધિત વસ્તુઓ ખેતરમાંથી ઘરે ખેડૂતના હાથે મળશે. ક્યારેક સીધા ખેડૂતના ખેતરમાં પણ જઈને જાતે તોડીને ખરીદી કરી શકવાની વાત રોમાંચ અપાવે છે. નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશનથી આંગળીના ટેરવે પ્રાકૃતિક ખેત પેદાશો મળવાની વાતથી ગ્રાહકોમાં પણ ખુશી છે

નવસારી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે પ્રાકૃતિક ખેત પેદાશોને ઓનલાઇન પ્લેટફોર્મ આપી વૈશ્વિક બજાર આપ્યું છે. સાથે જ ખેતીવાડી વિભાગ દ્વારા ઉત્પાદિત થતા ઘન જીવામૃતને પણ ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશન થકી કરવામાં આવી છે. જેથી પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહિત કરી શકશે. એપ્લિકેશનમાં પ્રાકૃતિક ખેડૂતોના તાલુકા અને પાક આધારિત યાદી પણ મળી રહશે. જેથી ગ્રાહકોને નજીકના ખેડૂતો પાસે પહોંચવાની સરળતા રહેશે. 

નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમ વાર નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો અનેરો પ્રયાસ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news