'એકના એક લાડકવાયાને એરપોર્ટ મૂકી પરિવાર ઘરનો દરવાજો જ ખોલતો હતો'ને...', ખેરવા ગામનો યુવાન મોતને ભેટ્યો
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 265થી વધુ મુસાફરો મોતને ભેટ્યા છે. જેમાં મહેસાણાના ખેરવા ગામનો યુવાન પણ મોતને ભેટ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર દરેક વ્યક્તિ વિશે અલગ અલગ કહાનીઓ બહાર આવી રહી છે. આ વિમાન દુર્ઘટનામાં મહેસાણા જિલ્લાના ખેરવા ગામનો એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના ખેરવા ગામનો યુવાન પણ મોતને ભેટ્યો છે. એક માતા પિતાનો લાડકવાયો એકના એક દીકરા સંકેત ગોસ્વામીનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરીવાર અને સ્નેહીઓ સંકેત ગોસ્વામીના મોતથી શોકમગ્ન બન્યા છે.
તમને જણાવી દઈએ કે મહેસાણાના ખેરવા ગામનો સંકેત લંડન અભ્યાસ અર્થે જવા નીકળ્યો હતો. સંકેત ગોસ્વામી પરિવારમાં એકનો એક દીકરો હતો, જે આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે. પરિવાર એરપોર્ટ મૂકીને પરત આવ્યો હતો અને ઘરનો દરવાજો ખોલ્યા પહેલા વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળ્યા હતા. એકનો એક દીકરો ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુવારે, એર ઇન્ડિયાનું B-787 ડ્રીમલાઇનર વિમાન, જે ફ્લાઇટ AI-171 માં અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, તે મેઘણી નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડેલા એર ઇન્ડિયાના વિમાનની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાનનો પાછળનો ભાગ હોસ્ટેલ બિલ્ડિંગથી લટકી રહ્યો છે. જ્યારે, આગળનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો છે, જેના કારણે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
NDRF ની ત્રણ ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી હતી. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. ઘાયલોને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે હતા. અકસ્માત બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. વિમાન અથડાયા બાદ તરત જ ક્રેશ થયું હતું, ત્યારબાદ તરત જ એક મોટો વિસ્ફોટ થયો અને વિમાન આગની લપેટમાં આવી ગયું. આખું વિમાન બળીને રાખ થઈ ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે