એવું તો શું થયું કે રાહુલ ગાંધીની વિદાય બાદ ગુજરાત કોંગ્રેસમાંથી બે રાજીનામા પડ્યા
Gujarat Congress Resignation : રાહુલ ગાંધીની મુલાકાત બાદ આણંદ જિલ્લા કોંગ્રેસમાં ભડકો.... જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને વિધાનસભાના સોશિયલ મીડિયા પ્રમુખે આપ્યા રાજીનામા...
Trending Photos
Gujarat Politics : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ આણંદ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો છે. રાહુલ ગાંધીની વિદાય બાદ કોંગ્રેસમાંથી બે રાજીનામા પડ્યા છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તો વિધાનસભા સોશ્યલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ રાજીનામું આપ્યું.
વિજય બારૈયા અને વિજય જોશીએ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને પોતાના રાજીનામા સોંપ્યા છે. રાહુલ ગાંધીની વિદાય બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પક્ષમાં ગ્રાઉન્ડ સ્તર પર કામ કરનાર કાર્યકરોની અવગણનાનો આરોપ લાગ્યો છે. સાથે જ પક્ષમાં દલાલો અને વેચાયેલાઓને વધુ મહત્વ આપવામાં આવે છે તેવું કહેવાઈ રહ્યું છે. ત્યારે આવા આરોપો વચ્ચે કોંગ્રેસમાંથી હજુ વધુ રાજીનામા પડવાની શક્યતાઓ છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ના અપાતા રાજીનામા પડ્યા છે. ત્યારે બંનેએ રાજીનામુ આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે.
વિજય જોશીએ રાજીનામું આપતા જણાવ્યું કે, દસ વર્ષના મારા કાર્યા કાળમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને જે જવાબદારી અપાઈ છે. અને હાલ મારી જવાબદારી આણંદ વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ તથા વિદ્યાનગર શહેર ઉપપ્રમુખ તરીકેની છે. તે મે મારી ફરજના ભાગ રૂપે નિષ્ઠાથી નિભાવી છે. અને મારી ફરજના સમયમાં મારી સામે એક પણ કાર્યકર કે આગેવાન કે નેતા દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. અને મેં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર મારી ફરજ નિભાવી છે. મેં છેક છેલ્લે સુધી રાહુલ ગાંધીના પ્રવાસ સુધી ખડેપગે મારી ફરજ નિભાવી છે. મેં રાહુલજી આવવાના હતા ત્યારે સુધી મોડી રાત સુધી પાર્ટીના કાર્યકરો સાથે મળીને સ્વાગતની તૈયારીઓ કરવાનું આણંદ જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું. પરંતું મને પાસ આપવામાં ન આવ્યો. આણંદ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ સાથેના મળતિયાઓને પાસ ફાળવી દેવાયા. મને નાતજાતના લીધે આ મિટિંગથી દૂર રખાયો, જેનું મને દુ:ખ છે, મારા જેવા કેટલાય વફાદાર કોંગ્રેસી કાર્યકરોને રાહુલ ગાંધીના મિટિંગમાં પ્રવેશ આપવામાં ના આવ્યો. જેઓ કોંગ્રેસના વફાદાર મતદારો છે, પરંતુ ક્ષત્રિય નથી. આણંદ જિલ્લા કોંગ્રેસના તમામ લોકોને આ બાબતની જાણ છે. આણંદ જિલ્લા કોંગ્રેસને મારી આ દરખાસ્ત છે કે આ જીવનમાં હું મારી નાત બદલી શકું એ મારા હાથમાં નથી અને આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા માટે દરબાર (ક્ષત્રિય) હોવું જરૂરી છે. જે મારા હાથમાં નથી.
રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસના કાર્યકર્તાએ બળાપો કાઢ્યો
કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમાર વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીને મળ્યા હતા. મિતેશ પરમારે રાહુલ ગાંધીને પોતાનું કાર્ડ આપ્યું હતુ. ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરને જવાબ આપતા કહ્યું કે, હું તમને મળવા બોલાવીશ. આ મુદ્દે મિતેશ પરમારે કહ્યું કે, ગુજરાતમાં મહેનત કરતા ગરીબ કાર્યકરોને ટિકિટ નથી આપવામાં આવતી. બિલ્ડરો, અમીરોને જ ટિકિટ આપવામાં આવે છે. ગુજરાતમાં 15 વર્ષ પહેલા જ કોંગ્રેસના મુખ્યમંત્રી બની ગયા હોત. પરંતું રાહુલ ગાંધી હવે અમારા જેવા ગરીબ કાર્યકરોને ન્યાય અપાવશે. કોંગ્રેસની ઘોર મોટા નેતાઓએ ખોદી નાંખી છે. આમ, મિતેશ પરમારની વાત સાંભળીને રાહુલ ગાઁધીએ તેમને મળવા બોલાવાનું કહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે