મહાઆંદોલન કરશે પાલનપુરના ખેડૂતો, ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે રસ્તા પર ઉતરશે જગતના તાત
Farmers Protest ; બનાસકાંઠાના ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણયનો વિરોધ. સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો લડી લેવાના મૂડમાં ખેડૂતો. પશુઓ સાથે નેશનલ હાઈવે પર ઉતરવાની ખેડૂતોની ચીમકી. 18 ઓગસ્ટે ખેડૂતો કરશે મોટું વિરોધ પ્રદર્શન
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ પ્રબળ બની છે. ખેડૂતોએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો આક્રમક મૂડમાં છે. જો કે બે દિવસ અગાઉ ખેડૂતોએ એક બેઠક યોજી આંદોલનની રણનીતિ ઘડી છે. 18 ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ટોલટેક્સ ખાતે વિરુદ્ધ પ્રદર્શનનો હુંકાર કર્યો છે.
આ વચ્ચે ટોલ ટેક્સ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે, સ્થાનિક ખેડૂતોને પણ ટોલટેક્સ પરથી પસાર થવા માસિક પાસ બનાવવો ફરજીયાત છે. જોકે ટોલટેક્સ સંચાલકના આ નિવેદન બાદ ખેડૂતોમાં રોસ ભભૂક્યો છે. ત્યારે આજે ખેડૂત આગેવાનો ટોલટેક્સ ખાતે એકત્ર થયા અને 18 ઓગસ્ટે ખેડૂતોનું આંદોલન મહાઆંદોલન બનાવવા હુંકાર કર્યો છે. જો સ્થાનિક ખેડૂતોને ટોલટેક્સમાંથી મુક્તિ નહીં મળે તો 15 ગામોના ખેડૂતોએ પોતાના પશુધન સાથે નેશનલ હાઈવે પર ઉતરી નેશનલ હાઇવે બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દિલ્હીથી કંડલાને જોડતા નેશનલ હાઈવે પર પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે. જોકે આ ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા નજીક આવેલા સ્થાનિક ગ્રામજનોને પણ ટોલમાંથી મુક્તિ ન અપાતા ગ્રામજનોમાં ભારે રોસ ભભુક્યો છે. અનેક વખત ટોલ પ્લાઝા સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા બે દિવસ અગાઉ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ટોલ પ્લાઝા આસપાસના 15 થી વધુ ગામોના આગેવાનોની એક બેઠક મળી હતી.
હેબતપુર પાટીયા નજીક આવેલા દેવી માતાના મંદિરે મળેલી આ બેઠકમાં સ્થાનિક ગ્રામજનોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા આંદોલનની રણનીતિ ઘડાઈ છે. આગામી 18 ઓગસ્ટે ટોલટેક્સ નજીક આવેલા 15 થી વધુ ગામના હજારો ખેડૂતો ટોલટેક્સ પર એકત્રિત થશે અને ધારણા કરી ટોલટેક્સ સંચાલકોને સ્થાનિક ગ્રામજનોને ટોલમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરવાના છે. જો કે ટોલટેક્સ સંચાલકો દ્વારા માંગ નહીં સ્વીકારાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન સાથે રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.
મહત્વની વાત છે કે ખેડૂતોએ ટોલટેક્સ મુક્તિની માંગ સાથે આંદોલનની રણનીતિ ઘડ્યા બાદ ગઈકાલે ટોલટેક્સ સંચાલકનું એક નિવેદન સામે આવ્યું છે ટોલટેક્સના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે કે ટોલટેક્સ આસપાસના ગામોના સ્થાનિક ખેડૂતોને પણ ટોલટેક્સ પરથી પસાર થવું હશે તો તેમને માસિક પાસ કઢાવવો ફરજિયાત છે. જોકે ટોલટેક્સ સંચાલકના આ નિવેદન બાદ સ્થાનિક ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે.
ટોલટેક્સ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે આ મુદ્દે કહ્યું કે, ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવી અશક્ય છે અમે પાસની વ્યવસ્થા કરી આપીશું.
ટોલ ટેક્સના મેનેજરના નિવેદન બાદ રોષે ભરાયેલા ખેડૂત આગેવાનો આજે ખેમાણા ટોલટેક્સ ખાતે એકત્ર થયા અને 18 ઓગસ્ટનું સ્થાનિક ખેડૂતોનું આ આંદોલન મહા આંદોલન બનાવવા હુંકાર કર્યો છે. જોકે ખેડૂત આગેવાનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો 18 ઓગસ્ટના આંદોલન બાદ સ્થાનિક ખેડૂતોને ટોલટેક્સ માંથી મુક્તિ નહી અપાય તો ખેડૂતો પોતાના પશુધન સાથે નેશનલ હાઇવે પર ઉતરશે અને નેશનલ હાઇવે બ્લોક કરશે. તો સાથે જ પાલનપુર શહેરના સ્થાનિકોએ પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. પાલનપુર શહેરના નાગરિકોનું કહેવું છે કે પાલનપુર નજીક પ્રખ્યાત બાલારામ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ શિવાલય આવેલું છે. આ શિવાલય ખાતે દર્શનાર્થે જવું હોય તો પાલનપુરના સ્થાનિકોને પણ શિવના દર્શન માટે ટોલટેક્સ પર ટેક્સ આપવો પડે છે. જોકે ટોલટેક્સ સંચાલકના નિવેદન બાદ હવે ખેડૂતોનું આ આંદોલન વધુ પ્રબળ બને તેવી શક્યતાઓ એ જોર પકડ્યું છે..
ખેડૂત આગેવાન માવજીભાઈ લોહે કહ્યું કે, અમે 18 ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈશું તે બાદ માંગ નહીં સ્વીકારાય તો પશુધન સાથે નેશનલ હાઈવે પર ઉતરીશું.
તો જાગૃત નાગરિક રવિ સોનીએ કહ્યું કે, અમારે પાલનપુર થી બાલારામ મહાદેવ કે વિશ્વેશ્વર મહાદેવના દર્શનને જવું હોય તો ટેક્સ આપવો પડે છે આ ખૂબ જ નીંદનીય બાબત છે.
અન્ય ખેડૂત રાકેશ પટેલે કહ્યું કે, ગઈકાલે ટોલટેક્સ મેનેજરે નિવેદન આપ્યું તે ખૂબ જ નીંદનીય છે અમે વર્ષોથી આ ટોલટેક્સ પરથી નીકળીએ છીએ પરંતુ આ ટોલટેક્સ મેનેજર આવ્યા બાદ અમારી હેરાનગતિ વધી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે