કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખની કરી જાહેરાત, અમિત ચાવડાને મળી કમાન, તુષાર ચૌધરીને પણ સોંપી મોટી જવાબદારી
Amit Chavda Gujarat Congress President: શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં મોટું પરિવર્તન થઈ ગયું છે. શક્તિસિંહ ગોહિલ બાદ પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમિત ચાવડાને ફરી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આંકલાવથી ધારાસભ્ય અમિત ચાવડા આ પહેલા કોંગ્રેસની કમાન સંભાળી ચૂક્યા છે. આ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડો. તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવ્યા છે.
કોણ છે અમિત ચાવડા?
- અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1976માં થયો હતો.
- અમિત ચાવડા કેમિકલ એન્જિનિયર (1995)ની ડિગ્રી ધરાવે છે
- અમિત ચાવડાની ઉંમર 49 વર્ષ છે
- 2004માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા
- 2004મા બોરસદથી પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા
- 2007મા બોરસદથી બીજીવાર ધારાસભ્ય બન્યા
- 2012, 2017 અને 2022મા આંકલાવથી વિધાનસભા ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા હતા અમિત ચાવડા
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. પાર્ટીએ અમિત ચાવડાને વિધાનસભામાં પક્ષના નેતા બનાવ્યા હતા. અમિત ચાવડા આ પહેલા વિધાનસભામાં ઉપદંડક અને દંડકની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. આ સિવાય ગુજરાત વિધાનસભાની અલગ-અલગ સમિતિમાં પણ રહી ચૂક્યા છે. અમિત ચાવડાએ 2018થી 2021 સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.
તુષાર ચૌધરીને પણ પાર્ટીએ આપી મોટી જવાબદારી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખેડબ્રહ્માથી ધારાસભ્ય અને આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાની જવાબદારી સોંપી છે. તુષાર ચૌધરી એક અનુભવી નેતા છે. તુષાર ચૌધરી કેન્દ્ર સરકારમાં રાજય મંત્રી પણ રહી ચૂક્યા છે. તુષાર ચૌધરી પ્રથમવાર 2002મા વ્યારાથી ચૂંટણી જીતી ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારબાદ 2004મા માંડવી મતવિસ્તારમાંથી લોકસભાના સાંસદ બન્યા હતા.
2009મા તુષાર ચૌધરીએ બારડોલી લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી. 28 મે 2009થી 28 સપ્ટેમ્બર 2012 સુધી કેન્દ્રમાં આદિવાસી બાબતોના રાજ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના રાજ્યમંત્રી બન્યા હતા. 2022ની વિધાનસભામાંથી તેમણે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે