સતત ચોથા દિવસે સાબર ડેરીના પશુપાલકોનું ગામડે-ગામડે ઉગ્ર પ્રદર્શન, મહિલાઓ પણ મેદાનમાં ઉતરી
સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અને પશુપાલકોને ન્યાય સંગત ભાવ ન મળતા અનેક ગામોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ઠેર-ઠેર પશુપાલકો ડેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
Trending Photos
સાબરકાંઠાઃ સાબર ડેરીના પશુપાલકોનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો...સતત ચોથા દિવસે પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરાવ્યું...ગામડે ગામડે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું...ક્યાંક ઠાઠળીઓ બાળવામાં આવી...તો ક્યાંક ટેન્કરમાંથી દૂધ રોડ પર ઢોળી દેવામાં આવ્યું...વિરોધના આ વંટોળ વચ્ચે સાબર ડેરીના ચેરમેને પશુપાલકોને એક વિનંતી કરી...ત્યારે જુઓ પશુપાલકોના વિરોધનો આ ખાસ અહેવાલ....
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગુજરાતની કામધેનુ ગણાતી સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. દૂધના ભાવફેરમાં ઘટાડાને લઈને ચોથા દિવસે પણ પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોડાસાના જાલોદર ગામે નનામી કાઢી, પૂતળા દહન કરીને અને દૂધની નદીઓ વહાવીને પશુપાલકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
સાબર ડેરી, જે ગુજરાતની બીજી સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા છે, તેના પર પશુપાલકો આરોપ લગાવે છે કે ગયા વર્ષે 602 કરોડ રૂપિયાના નફા સામે આ વર્ષે માત્ર 350 કરોડ રૂપિયા જ નફો બતાવીને ભાવફેર ઘટાડવામાં આવ્યો. આ 252 કરોડનો તફાવત પશુપાલકોના ગળે ઉતરતો નથી.
શું છે પશુપાલકોનો આરોપ?
ગયા વર્ષે 602 કરોડના નફા સામે આ વર્ષે માત્ર 350 કરોડ નફો
ઓછો નફો બતાવીને ભાવફેર ઘટાડવામાં આવ્યો
252 કરોડનો તફાવત પશુપાલકોના ગળે ઉતરતો નથી
આ વિરોધની શરૂઆત 14 જુલાઈએ હિંમતનગર ખાતે થઈ, જ્યાં હજારો પશુપાલકોએ સાબર ડેરીના ગેટ તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો, જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા અને એક પશુપાલકનું મૃત્યુ થયું. 74 લોકો સામે FIR નોંધાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.
1,800 દૂધ મંડળીઓએ દૂધનો પુરવઠો બંધ કરી દીધો છે. સાબર ડેરીમાં રોજના 26 લાખ લિટરની સામે હવે માત્ર 11 લાખ લિટર દૂધની આવક થઈ રહી છે. કેટલીક જગ્યાએ ટેન્કરોમાંથી દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, તો અન્ન અને પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારની નનામી કાઢીને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે.
1800 દૂધ મંડળીઓએ દૂધનો પુરવઠો બંધ કરી દીધો
સાબર ડેરીમાં 26 લાખ લિટરની સામે હાલ 11 લાખ લિટર દૂધ
આ આંદોલનની અસર હવે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દૂધના પુરવઠામાં ઘટાડો થતાં બજારમાં દૂધની અછત સર્જાઈ રહી છે. જો આ સ્થિતિ યથાવત રહી, તો શહેરના લોકોની સવારની ચા અને બાળકોનું દૂધ પણ જોખમમાં મૂકાઈ શકે છે. આ સમગ્ર વિરોધ મામલે સાબર ડેરીના ચેરમેને પશુપાલકોને દૂધ ન ઢોળવા માટે વિનંતી કરી છે.
પશુપાલકોનો ગુસ્સો ઠંડો પડવાનું નામ લેતો નથી. પશુપાલકોની માંગ છે, 25 ટકા ભાવફેર અને પોલીસ કાર્યવાહી પાછી ખેંચવામાં આવે. પ્રશ્ન એ છે કે, આ વિવાદનો અંત ક્યારે આવશે?, અને શું પશુપાલકોને તેમનો હક મળશે?..આવો જવાબ હવે સાબર ડેરી અને સરકાર પાસે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે