જુગારની લતે ચઢેલા મહિલા પ્રિન્સીપાલે કર્યો મોટો કાંડ, પોતાની જ કોલેજમાં બુરખો પહેરીને પહોંચ્યા
Ahmedabad Crime News : અમદાવાદમાં એક નર્સિગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સીપાલે દેવું ચૂકવવા પોતાની જ કોલેજમાં ચોરી કરી નાંખી
Trending Photos
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી નર્સિંગ કોલેજમાં ફરજ બજાવતા મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઇન જુગારની લતે ચઢ્યા અને જુગાર રમતા રમતા લાખ્ખો રૂપિયા ગુમાવી દીધા. એક-બે લાખ નહીં પરંતુ 40 લાખ જેટલી રકમ ગુમાવ્યા બાદ મહિલા વાઇસ પ્રિન્સિપાલ ચોરીના રવાડે ચડ્યા હતા. તેમની જ કોલેજમાં બુરખો પહેરીને ચોરીના બનાવને અંજામ આપ્યો. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલા આરોપીની ધરપકડ કરી છે.
આમ તો સામાન્ય રીતે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓનું સંસ્કારોનું સિંચન કરવાનું હોય છે. પણ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલ શુભમ હોસ્પિટલ એન્ડ નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલે ચોરીના ગુનાને અંજામ આપતા શિક્ષણને લાંછન લગાડ્યું છે. આખા બનાવની વાત કરીએ તો, કોલેજાં 22મી જુલાઈની વહેલી સવારે રૂપિયા 8 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. એકાઉન્ટ ઓફિસની તિજોરી ખોલીને ચોરીનો બનાવ બનતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી મેઘાણીનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. અને તપાસમાં કોલેજમાં જ ફરજ બજાવતા મહિલા વાઇસ પ્રિન્સિપાલ સુચીબેન રાઇએ આ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેમની ધરપકડ કરીને રૂપિયા 2.30 લાખ જેટલી રકમ પણ કબજે કરી છે.
ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. જેમાં મહિલા આરોપીએ પોતાની ઓળખ છતી ના થાય તે માટે બુરખો પહેરીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. અને બાદમાં કબાટમાંથી ચાવી લઈને તિજોરી ખોલી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આરોપીએ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન જુગારની લતે ચઢી ગયા હતા. અને ઓનલાઇન જુગારમાં રૂપિયા 40 લાખ જેટલી રકમ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેમણે આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આરોપી મહિલા વર્ષ 2017 થી તેમના પતિથી અલગ માતા અને પુત્રી સાથે રહે છે.
હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તે કેટલાક સમયથી ઓનલાઇન જુગાર રમતા હતાં. ચોરીના રૂપિયા કોને આપ્યા શા માટે આપ્યા છે. આ તમામ મુદ્દાઓની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મહિલા ચોરી કરવા માટે બુરખાનો ઉપયોગ કર્યો હતો, પણ ચહેરા પરનો મસો છુપાવી ન શક્યા અને પોલીસે આરોપીના ચહેરા પરના મસા પરથી ઓળખ કરીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે