ગાંધીનગરના કાવાદાવા : કૈલાસનાથન અચાનક ગાંધીનગરમાં યાદ આવવા લાગ્યા, વિસાવદરવાળી મોટો ભડકો કરશે
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Trending Photos
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
ગુજરાતમાં કોંગ્રેસ શાસનના છેલ્લા શાસકોના વંશજો કોંગ્રેસને પુનઃ બેઠી કરી શકશે?
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિધાનસભા પક્ષના કોંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂંક કરી દેવામાં આવી છે. જોગાનું જોગ ગુજરાતમાં કોંગ્રેસના શાસનના છેલ્લા શાસકોના વંશજો પાસે હવે ભાગદોડ આવી છે. માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી કોંગ્રેસ શાસનના છેલ્લા પ્રભાવશાળી શાસકો હતા. હવે માધવસિંહના વંશજ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ છે. તેમની સાથેની ટીમમાં વિધાનસભામાં અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીએ કમાન સંભાળી છે. અમિત ચાવડા એકવાર ફરી પ્રદેશ પ્રમુખ બન્યા છે. જ્યારે તુષાર ચૌધરી પોતાની વ્યારા વિધાનસભા બેઠક છોડીને ખેડબ્રહ્માથી ચૂંટાયા છે. આ બંને નેતાઓ પોતાના પૂર્વજો જેટલો પ્રભાવ ગુજરાત કે કોંગ્રેસમાં પાથરી શક્યા નથી. હવે આ બંનેને કોંગ્રેસની ભાગદોડ સોંપવામાં આવી છે. કોંગ્રેસે જાતિગત રાજકારણમાં ઓબીસી અને આદિવાસીનો દાવ ખેલ્યો છે. બંને નેતાઓના પૂર્વજો જાતિગત રાજકારણમાં માહીર હતા. કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય છે. પણ કોંગ્રેસની હાલની સ્થિતિ અને ગુજરાતના રાજકારણની સ્થિતિને જોતા આ કામ આ બંને નેતાઓ માટે ખૂબ મુશ્કેલ દેખાય છે. 2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસની અગ્નિ પરીક્ષા થશે. 2027માં પણ ઇવીએમ પર ઠીકરું ફૂટે છે કે નહીં તે જોવાનું બની રહેશે.
ભાજપમાં પાટીલના પાંચ વર્ષ, હવે લોઢાના ચણા ચાવવા સમાન
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા. આ પાંચ વર્ષ ભાજપે ન ધારેલી સફળતા અને સિદ્ધિઓ અપાવવામાં પાટીલ સફળ રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકીના સૌથી વધુ બેઠકો મેળવવાના રેકોર્ડને તોડીને પાટીલની આગેવાનીમાં નવો રેકોર્ડ બન્યો. પેજ સમિતિથી સંગઠનમાં ગજબની પકડ સી. આર. પાટીલે હાંસિલ કરી. સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા લાવી પ્રદેશ પ્રમુખના હોદ્દાને સર્વોપરી બનાવ્યો. ચૂંટણી જીતવા માટે પાટીલની રણનીતિ રાજકીય ઈતિહાસમાં નોંધનીય રહેશે. કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોમાં પ્રદેશ મહામંત્રીઓને દૂર કરવા, સહકાર ક્ષેત્રે મેન્ડેટનો વિરોધ કરનાર સામે પગલાં ન લેવા અને જીતના માહિર ખેલાડીને પણ સુરત મહાનગરપાલિકામાં આપનો પ્રવેશ અને વિસાવદર બેઠક ઉપર હારના મુદ્દા સી.આર પાટીલને પણ ખટકતા હશે. જોકે હવે સવાલ આટલા કદાવર નેતા પછી પ્રદેશ ભાજપની કમાન્ડ કોના શીરે જશે એ એક મોટો સવાલ ઊભો થયો છે. જે પણ નવા પ્રદેશ પ્રમુખ આવશે તેના માટે અત્યારની સ્થિતિ લોઢાના ચણા ચાવવા જેવી બની રહેશે. નવા પ્રદેશ પ્રમુખની કામગીરીની તુલના સીઆર પાટીલ સાથે થવાની છે. આંકડાઓની સરખામણીમાં પાટીલનો રેકોર્ડ તોડવો ખાવાના ખેલ નથી. કદાચ એટલે જ કેન્દ્રીય નેતૃત્વને પણ ગુજરાતમાં પાટીલના ઉત્તરાધિકારી શોધવામાં વિલંબ થઈ રહ્યો છે.
"વિસાવદરવાળી" શબ્દ ગુજરાતના રાજકારણમાં લોકપ્રિય
વિસાવદર પેટાચૂંટણીના પરિણામોએ ધારાસભ્યોના પેટમાં ફાળ પડી છે. જે ધારાસભ્યો પ્રજાના કામો પ્રત્યે દુર્લક્ષ સેવતા હતા તેમને હવે વિસાવદરવાળી થશે તેવો ભય સતાવી રહ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું રાજકીય નાટક આનું જ પરિણામ હતું. હવે સોશિયલ મીડિયામાં અનેક ધારાસભ્યોને વિસાવદરની સ્થિતિ થશે તેવી ધમકીઓ મળી રહી છે. પ્રજાના કામો કરો નહીં તો પ્રજા વિસાવદરવાળી કરશે તેવી ચર્ચા હવે ભાજપના ધારાસભ્યોમાં પણ શરૂ થઈ છે. મંગળવારે ગાંધીનગર આવતા ધારાસભ્યો અધિકારીઓને અને મંત્રીઓને પોતાના વિસ્તારના કામો કરાવવા માટે દબાણ કરે છે. આમ છતાં ન થાય તો વિસાવદરવાળી થાય તો તેના માટે મંત્રીઓ અને અધિકારીઓ જવાબદાર રહેશે તેવી ગર્ભિત ચીમકી પણ આપી રહ્યાં છે.
કૈલાશનાથન હવે IAS અને IPS ને સારા લાગ્યા
ગુજરાતમાંથી કૈલાશનાથન ઉર્ફે કે.કે. એ વિદાય લીધે સમય થયો. પણ હવે ગુજરાતના IAS અને IPS અધિકારીઓ તેઓને ખૂબ યાદ કરે છે. આ અધિકારીઓ વાતે વાતે ‘કે.કે હોત તો આ સ્થિતિ ન થાત, કે.કે. હોત તો આપણે હૈયા વરાળ ઠાલવી શક્યા હોત...’ તેવી વાતો કરે છે. IAS અને IPS અધિકારીઓની બદલીઓ, તેમની સમસ્યાઓથી માંડીને બીજી અનેક બાબતોમાં કે. કે.ની પકડ હતી. આજ અધિકારીઓમાં તેમનો એક અલગ પ્રકારનો ખૌફ પણ હતો. જોકે તેમના વિદાય પછી કે.કે ની જગ્યા લેવા માટે એક પણ અધિકારી સફળ થયા નથી. મુખ્યમંત્રીના સલાહકાર અને નિવૃત્ત આઈએએસ હસમુખ અઢિયા કે.કે.નુ સ્થાન લેશે તેવી ચર્ચા હતી. જોકે હસમુખ અઢિયા વહીવટી અને પોતાનો ખૌફ સાબિત કરી શક્યા નથી. મુખ્યમંત્રી કાર્યાલયમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ કે.કે.ની સરખામણીમાં ઘણા ટુંકા પડે છે. જેના કારણે સિનિયર કે જુનિયર અધિકારીઓ ઉપર વહીવટી પકડ ધરાવતો અધિકારી નથી. ભય બીન પ્રીત નહીં...
પોલીસવડાની સત્તામાં કાપ... IPS ને વધુ સત્તા..
ગુજરાતમાં પોલીસ તંત્રમાં ડીજીપીને અમાપ સત્તાઓ આપવામાં આવી છે. જોકે તેનાથી ઊલટું જિલ્લા પોલીસ વડાને પીએસઆઇ કે પીઆઇ કક્ષાના અધિકારી સામે પગલાં ભરવાની પણ સત્તા નથી. જેના કારણે જિલ્લા સ્તરે ફરજ બજાવતા આઇપીએસ અધિકારીઓને પીએસઆઇ કે પીઆઇ કક્ષાના અધિકારીઓ ગાંઠતા નથી. પીએસઆઇ કે પીઆઇને ખબર છે કે તેમની સામે કોઈ પણ પગલા લેવા હશે તો ડીજીપી જ પગલાં લઈ શકશે. જોકે હવે આ માળખામાં આમૂલ પરિવર્તન કરવામાં આવનાર છે. રાજ્ય પોલીસવડા વિકાસ સહાય પોતાના જ હોદ્દાની સત્તાઓ ઉપર કાપ મુકવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડાઓને વધુ સત્તાઓ આપવામાં આવશે. પીએસઆઇ કે પીઆઇ સામે પગલાં ભરવાની સત્તા પણ જિલ્લા કક્ષાએ સોંપવામાં આવશે. જેના કારણે એસપી કક્ષાના અધિકારી પાસે જિલ્લા પોલીસ તંત્ર ઉપર સીધો જ કંટ્રોલ આવશે. સાથે જે અધિકારીઓ સામે પગલા ભરવામાં ફાઈલોને કારણે વિલંબ થઈ રહ્યો છે તે વિલંબને અટકાવી પોલીસ તંત્રમાં સુધારો કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે