છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનાની કરોડોની કેનાલમાં ગાબડાં: ખેડૂતો ચિંતિત, સરકાર સુધી મામલો પહોંચ્યો

ગુજરાતમાં હજારો કિલોમીટર લાંબી નર્મદા કેનાલ આવેલી છે. આ કેનાલ દ્વારા ખેડૂતોને પાણી પૂરુ પાડવામાં આવે છે. પરંતુ કેનાલમાં પડતા ગાબડાંને કારણે ખેડૂતો પરેશાન થઈ જતાં હોય છે. હવે છોડાઉદેપુરમાં કેનાલમાં ગાબડાં પડવાની ઘટના સામે આવી છે.

 છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનાની કરોડોની કેનાલમાં ગાબડાં:  ખેડૂતો ચિંતિત, સરકાર સુધી મામલો પહોંચ્યો

હકીમ ઘડિયાલી, છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજનાના નવીનીકરણ અને કેનાલોના આધુનિકીકરણ માટે રૂ. 225 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાના પ્રથમ તબક્કાનું કામ રૂ. 70 કરોડના ખર્ચે પૂરું થવા આવ્યું છે, જેમાં સુખી ડેમથી 21 કિલોમીટર સુધીની જમણા કાંઠાની કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જોકે, આ નવીનીકરણ પામેલી કેનાલમાં પ્રથમ વરસાદમાં જ બે જગ્યાએ ગાબડાં પડ્યા છે. ખાસ કરીને, મુઢિયારી ગામ પાસે જ્યાં કોતર પર કેનાલ બનાવવામાં આવી છે, ત્યાં નીચે પાઇપ (ભૂંગળા) ન નાખવાના કારણે આ ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સતત બીજા વર્ષે આ જ સ્થળે ગાબડું પડ્યું છે. 

કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં ગાબડાં: કારણ શું?
સુખી જળાશય યોજના છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે. આ યોજના હેઠળ રૂ. 225 કરોડના બજેટમાંથી પ્રથમ તબક્કામાં રૂ. 70 કરોડના ખર્ચે 21 કિલોમીટર લાંબી જમણા કાંઠાની કેનાલનું નવીનીકરણ કાર્ય પૂર્ણતાને આરે છે. પરંતુ, ચોમાસાના પ્રથમ વરસાદમાં જ કેનાલમાં બે સ્થળોએ ગાબડાં પડતા સવાલ ઉઠ્યા છે. જિલ્લા સિંચાઈ વિભાગના ડી.ઇ. બારિયા સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "આખી કેનાલમાં ગાબડાં પડ્યા નથી, માત્ર બે જગ્યાએ જ પડ્યા છે." તેમણે સ્વીકાર્યું કે, આ ગાબડાં એવા સ્થળોએ પડ્યા છે જ્યાં કોતર પર કેનાલ બનાવવામાં આવી છે અને તેના નીચેના ભાગમાં પાણીના નિકાલ માટે પાઇપ (ભૂંગળા) નાખવામાં આવ્યા નથી. બારિયાએ ઉમેર્યું કે, "વહેલી તકે કેનાલના નીચેના ભાગમાં કોતરનું પાણી સરળતાથી નીકળી શકે તે માટે કામગીરી હાથ ધરીને કેનાલનું સમારકામ કરવામાં આવશે." આ મામલો હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ખેડૂતો અને સ્થાનિક નેતાઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે, જેના પગલે અધિકારીઓએ ગાબડાં પડવાના કારણોની તપાસ શરૂ કરી છે. આ કેનાલ છોટાઉદેપુર આસપાસના ગામના હજારો ખેડૂતો માટે સિંચાઈનું જીવનરેખા સમાન છે. જો આ કેનાલ કાર્યરત નહીં થાય તો ખરીફ પાકને મોટું નુકસાન થઈ શકે છે.

કોન્ટ્રાક્ટરની ગેરંટી અને આગામી કાર્યવાહી
સારી વાત એ છે કે, આ કાર્ય કરનાર કોન્ટ્રાક્ટરની ત્રણ વર્ષ સુધીની કામની ગેરંટી છે. એટલે કે, જો આગામી ત્રણ વર્ષમાં કેનાલમાં કોઈ પણ નુકસાન થશે તો તેનું સમારકામ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કરશે.જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news