કોરોનાથી નહીં પણ આ કોરોનાની સારવાર આપતી હોસ્પિટલથી બીક લાગે છે સાહેબ!...

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે દરેક મહાનગરો અને શહેરોમાં કોવીડ હોસ્પિટલ તો ઊભી કરી દેવાઈ પણ આ હોસ્પિટલોમાં સુરક્ષાના માપદંડોને છાજલે ચડાવી દેવાયા જેનું પરિણામ છે છાશવારે હોસ્પિટલમાં બનતી આગ લાગવાની ઘટનાઓ.

કોરોનાથી નહીં પણ આ કોરોનાની સારવાર આપતી હોસ્પિટલથી બીક લાગે છે સાહેબ!...

ઝી બ્યૂરો, અમદાવાદ : એકતરફ અવળચંડા ચીને દુનિયાને આપેલા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં માનવસર્જિત બેદરકારી આગમાં ઘી હોમવાનું કામ કરે છે. વ્યક્તિ બીમાર પડે તો હોસ્પિટલ સ્વસ્થ થવા જાય પણ હોસ્પિટલો જ પરલોક જવાનો દ્વાર બની જાય તો આ કાળા માથાનો માનવી જાય ક્યાં? અહીં વાત છે વિકસિત ગુજરાતની જીવતી જાગતી એટમ બોમ્બ બનેલી હોસ્પિટલોની.....

હોસ્પિટલમાં નથી સુરક્ષાની ગેરંટી
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે દરેક મહાનગરો અને શહેરોમાં કોવીડ હોસ્પિટલ તો ઊભી કરી દેવાઈ પણ આ હોસ્પિટલોમાં સુરક્ષાના માપદંડોને છાજલે ચડાવી દેવાયા જેનું પરિણામ છે છાશવારે હોસ્પિટલમાં બનતી આગ લાગવાની ઘટનાઓ.

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં આગમાં હોમાઈ 5 જિંદગી
એકતરફ કાળમુખો કોરોનાનો સામનો કરવાનો છે તેવામાં કોરોનાની સારવાર આપતી હોસ્પિટલો જ દર્દીઓને મોતના મુખમાં ધકેલી રહી છે. વાત અહીં કોઈને ડરાવવાની નથી પણ નિષ્ઠુર બનેલા હોસ્પિટલના સતાધીશો અને માનવસર્જિત બેદરકારીને નાની મોટી કુદરતી ઘટનાઓ કહી આંખ આડા કાન કરતા સતાધીશોની ગંભીર લાપરવાહી દર્શાવવાનો છે.

આગની ઘટના બાદ જાણવા મળે છે કે રાજકોટમાં 58 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી. દર્દનાક મોતને ભેટનાર દર્દીઓના સ્વજનો પર શું વીતતી હશે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. જ્યારે આગ લાગી હશે ત્યારે તમામ દર્દીઓએ પોતાનો જીવ બચાવવા કેટલી મહેનત કરી હશે.  3 દર્દીને તો હોસ્પિટલના બેડ પર જ યમદૂત બનીને આવેલી આગ ભરખી ગઈ. એ ભયાનક આગની ચિચિયારીઓના સાક્ષી બનેલાના જાણે કેટલી રાત્રિઓ સુધી એ દુ: સ્વપ્નને જોઈ સફાળા જાગી જવું પડશે પરંતું સતાધીશો તો એ જ જૂનો રાગ આલાપતા રહેશે કે તપાસ ચાલુ છે. થોડા દિવસ બધી હોસ્પિટલોમાં ઉપરછલ્લી તપાસ કરવામાં આવશે અને પછી ફાઇલ બંધ થઈ જશે.

લાપરવાહીને ન આપો અકસ્માતનું નામ
અકસ્માત એકવાર થાય એ સ્વીકાર્ય છે પણ એ જ પ્રકારની ઘટનાઓ વારંવાર બને તો? શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ એક કે બે વાર ભૂલ કરે તો તેને માફ કરી શકાય પણ જ્યારે આ ભૂલ લાપરવાહી બની જાય તો તે તે વિદ્યાર્થીને શિક્ષા કરવી જરૂરી બની જાય છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી કાળમુખી ઘટના પછી પણ કોઈ મહાનગરપાલિકાના સત્તાધીશો એ કે હોસ્પિટલના સંચાલકોએ આ વાતને ગંભીરતાથી ન લીધી. બસ ઘટના બને એટલે થોડા દિવસ તપાસ તપાસની રમત રમાય.

મોત સામે વળતર ચૂકવ્યું તો જવાબદારી પુરી?
જ્યારે કોઈ મોટો અકસ્માત થાય કે આગકાંડની ઘટના બને એટલે રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરી દે છે. સહાયથી મૃતક વ્યક્તિ પાછો આવવાનો નથી પણ તેનો પરિવાર એટલી તો આશા રાખી શકે કે ઘટનાના જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવે. ફરી આવી ઘટનામાં કોઈ બીજાને તેના સ્વજન ગુમાવવાનો વારો ન આવે. દરેક જિલ્લામાં અને તાલુકામાં પહેલેથી જ હોસ્પિટલોમાં ફાયરના સાધનોની વ્યવસ્થિત તપાસ થાય,શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય તો તેના કારણો સુધી પહોંચવામાં આવે. 

આટલી ઘટનાઓ બાદ હોસ્પિટલના સંચાલકોએ  અભ્યાસ કરવો જોઈએ કે આપણી હોસ્પિટલમાં ન કરે નારાયણ આગ લાગે તો દર્દીઓને ઝડપથી બચાવવા કેવા પ્રકારના પ્રયાસો કરી શકાય. ગુજરાતમાં કોરોનાકાળમાં અમદાવાદ બાદ વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં આગની ઘટના બની. કહેવાય છે કે ભૂલમાંથી શીખવું જોઈએ અને એ ભૂલ ફરી ન થાય તેના પ્રયત્નો કરવા જોઈએ પણ અહીં તો વારંવાર બનતી ઘટનાઓના કારણે સ્થાનિક તંત્ર અને સરકાર સામે સવાલ તો ઊભા થવાના જ છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ થોડા તો સંવેદનશીલ બનો
અમદાવાદમાં થોડા દિવસ અગાઉ કારખાનામાં કેમિકલ બ્લાસ્ટની ઘટનામાં 9 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા હતા પણ શહેરના મેયર કલાકો બાદ દેખાય છે અને મીડિયા સમક્ષ ઘટનાને નાની ગણાવે છે. રાજકોટના મેયર માટે પણ આ ઘટનાને કુદરતી ઘટના કહી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેર્યા છે.  

આ પ્રકારના નિવેદન ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપતા ખચકાતા નથી. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી ઘટના પર સંવેદના વ્યક્ત કરે છે પણ આ સ્થાનિક નેતાઓને પેટનું પાણી હલતું નથી. આ આગની ઘટનાઓમાં ભોગ સામાન્ય માણસ જ બને છે જો કોઈ નેતા, અભિનેતા કે કોઈ પદ પર બિરાજમાન અધિકારી ના સંતાન કે સગા વ્હાલા હોય તો જ આવી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવશે?

નથી ભૂલાતા તક્ષશિલા આગકાંડના દ્રશ્યો
24 may 2019 નો ભયાનક દિવસ ન માત્ર સુરતવાસીઓ પણ સમગ્ર દેશના લોકો નહી ભૂલી શકે. પણ તંત્રની યાદશકિત જાણે મરી પરવારી છે. નિર્દોષ બાળકો જે આગનો કોળીયો બન્યા. જો આવી ઘટનાઓ પર બોધપાઠ લઈ સરકાર બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે અને સજા ફટકારે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news