આ યોજના હેઠળ ગુજરાતના દરિયાને આગળ વધતો અટકાવશે! અનોખી સિદ્ધિ સાથે દેશમાં પ્રથમ સ્થાન
ગુજરાતનું મેન્ગ્રુવ મિશન: પ્રકૃતિ સંરક્ષણનું વિઝન. ‘મિષ્ટી’ યોજના હેઠળ ગુજરાત ૧૯,૫૨૦ હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ. રાજ્યમાં ૧,૧૭૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે. કચ્છ જિલ્લો હાલમાં ૭૯૯ ચો. કિ.મી. મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર.
Trending Photos
ગુજરાત સૌથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે સમુદ્રની લહેરોની સાથે લીલોતરી ખીલી રહી છે. દરિયાકાંઠાના રક્ષક કહેવાતા મેન્ગ્રુવ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. આ વૃક્ષો ખારા પાણીમાં પણ પોતાનું અસ્તિત્વ સ્થાપીને પ્રકૃતિની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની રહ્યાં છે. દર વર્ષે વિશ્વભરમાં ૨૬ જુલાઈએ આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રોટેકેટીંગ વેટલેન્ડ ફોર અવર ફ્યુચરની થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘MISHTI- Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes’ યોજના હેઠળ, ગુજરાતે ૧૯,૫૨૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ ૬,૦૦૦ હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગુજરાતનું મેન્ગ્રુવ કવર વર્ષ ૧૯૯૧માં ૩૯૭ ચોરસ કિલોમીટરથી વધીને ૨૦૨૧માં ૧,૧૭૫ ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે, જે રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત સરકારના નક્કર પ્રયાસો દર્શાવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં મેન્ગ્રુવના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. મેન્ગ્રુવ વૃક્ષોના સંરક્ષણમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) ૨૦૨૩ના અહેવાલ મુજબ, ગુજરાતના મેન્ગ્રુવ વિસ્તારમાં ૨૪૧.૨૯ ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ માત્ર આંકડાઓની વાત નથી, તે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મેન્ગ્રુવ વૃક્ષો દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં અને કુદરતી આફતો સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસો પરિણામસ્વરૂપે આજે ચેરનું આવરણ ૧,૧૭૫ ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં પર્યાવરણના સંરક્ષણ થકી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા 'વિકસિત ગુજરાત થી વિકસિત ભારત' ની નેમને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.
સમગ્ર ગુજરાતમાં મેન્ગ્રુવ વૃક્ષોનું વ્યૂહાત્મક વિતરણ
ગુજરાતનું મેન્ગ્રુવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો ૭૯૯ ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રુવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને ૨૩૬ ચોરસ કિલોમીટરનો મેન્ગ્રુવ કવર ધરાવે છે.
ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર ૧૩૪ ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર ધરાવે છે. ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ૬ ચો. કિ.મી.નું મેન્ગ્રુવ કવર ધરાવે છે.
મેન્ગ્રુવ વૃક્ષોની મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ દરમિયાન મેન્ગ્રુવ વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યમાં ૬,૯૩૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરાયું હતું અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૧૨ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરવાનું આયોજન કરાયું છે.
મેન્ગ્રુવ ઇકોસિસ્ટમનું મહત્વ
મેન્ગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એવો અંદાજ છે કે માછલીઓ અને પક્ષીઓ સહિત અંદાજે ૧,૫૦૦ પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રોવ્સ પર નિર્ભર છે.
મેન્ગ્રુવ સંરક્ષણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાએ ભારત તેમજ અન્ય દેશો માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અરબી સમુદ્ર સાથેનો રાજ્યનો દરિયાકિનારો ભારતના કુલ દરિયાકિનારાના ૨૧ ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે, તે મેન્ગ્રોવ્સ, પરવાળા અને લીલ-શેવાળ જેવા દરિયાઇ ઘાસ સહિત વિવિધ ઇકોસિસ્ટમ્સ માટે એક આદર્શ વાતાવરનું નિર્માણ કરે છે. રાજ્યના સંરક્ષણ માટેના સમર્પિત પ્રયાસોની સાથે આ કુદરતી અનુકૂળતા ગુજરાતને પર્યાવરણીય સ્થિરતામાં વૈશ્વિક કક્ષાએ અગ્રેસર બનાવે છે.
મેન્ગ્રુવ કવરમાં ગુજરાતની નોંધપાત્ર વૃદ્ધિ એ પર્યાવરણ સંરક્ષણ માટે રાજ્યની દૃઢ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. મેન્ગ્રુવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે