મોટા ખતરાના સંકેત! ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે લોકોને કરાઈ અપીલ, હેલ્પલાઈન નંબર જાહેર

Gujarat storm rain alert: ગુજરાતના મોટાભાગના તાલુકા અને જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે સરકાર સતર્ક બની ગઈ છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો હેલ્પ લાઇન નંબર 1070 અને ડિસ્ટ્રીક ઇમરજન્સી સેન્ટરનો નંબર 1077 જાહેર કરાયો છે.

મોટા ખતરાના સંકેત! ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે લોકોને કરાઈ અપીલ, હેલ્પલાઈન નંબર જાહેર

Gujarat storm rain alert: ગુજરાતનું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદની જે આગાહી કરી હતી તે સાચી પડી રહી છે. સોમવારનું દ્રશ્ય જોયા બાદ હવે આગામી 8 મે સુધી ભારે દિવસો છે. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ, ભારે પવન અને કરા પડવાની શક્યતા છે. આ સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્ય સરકાર સતર્ક બની છે અને નાગરિકોની સુરક્ષા માટે આગમચેતીના પગલાં રૂપે એડવાઇઝરી અને હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા છે. 

લોકોને હવામાન વિભાગની સૂચનાઓ અને સરકારી માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે અને ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે.

ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા:
કોઈપણ અનિવાર્ય સંજોગોમાં જો જરૂર જણાય, તો નાગરિકો મદદ માટે સંપર્ક કરી શકે તે હેતુથી સરકારે ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. નાગરિકો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:

  • સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર ૧૦૭૦
  • ડિસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર: હેલ્પ લાઇન નંબર ૧૦૭૭
  • નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જરૂર જણાય ત્યારે આ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરીને મદદ મેળવે.

અમદાવાદમાં બુધવારે ભારે વરસાદની આગાહી
અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સોમવાર અને મંગળવારના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અને ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. બુધવારના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે પવનની ઝડપ વધીને ૮૦ કિ.મી. સુધી પહોંચવાના સંકેતો હવામાન ખાતાએ કર્યાં છે. 

આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની વ્યાપક આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને વાવાઝોડા/વરસાદની સ્થિતિમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે ખાસ અપીલ કરાઈ છે.

8 મે સુધી રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી છે. 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 7અને 8 મેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. તો દક્ષિણ પૂર્વ માં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થતા વરસાદી માહોલ છવાયો છે. 

આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ  મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાનો ખતરો છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news