અમને પાણી નહિ મળે તો નર્મદાનું પાણી આગળ પણ નહિ જવા દઈએ, હાંફેશ્વરના લોકોની ચીમકી
Water Crises In Gujarat : કવાંટ તાલુકાના રહીશોની ચીમકી, અહીંના લોકોને નર્મદાનું પાણી નહીં મળે તો આગામી સમયમાં આ પાણી આગળ પણ નહિ જવા
Trending Photos
Summer 2025 હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર : ઉનાળાની શરૂઆત થતા જ છોટાઉદેપુરના સરહદી વિસ્તાર કવાંટ તાલુકામા પાણીનો પોકાર શરૂ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન મા નર્મદા નદી કે જે છોટાઉદેપુરના હાફેશ્વર ગામેથી ગુજરાતમાં પ્રવેશે છે અને કચ્છ કાઠિયાવાડ સુધી તેનું પાણી સરકાર પહોંચાડે છે. પરંતુ હાફેશ્વર ગામના લોકોને જ પીવાનું અને સિંચાઈનું પાણી મળતું નથી. નર્મદાના કિનારે વસેલા લોકો માત્ર નદી જોઈ શકે છે. પરંતુ પાણી પી શક્તા નથી. હાફેશ્વરના લોકો નદી કિનારે જ તરસ્યા હોવાનુ સામે આવ્યું છે.
નર્મદાથી 200 મીટર દૂર પાણી માટે લોકો તરસ્યા
છોટાઉદેપુરનો કવાંટ તાલુકામા ઉનાળાની શરૂઆત થતાં જ પાણી માટે મહિલાઓ વલખા મારતી નજરે પડે છે. ત્યારે નર્મદાના કિનારે વસેલું હાફેશ્વર ગામ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડ પર વસેલું ગામ છે. નર્મદા નદી પણ હાફેશ્વર ગામમાંથી જ ગુજરાતમાં પ્રવેશે છે. પરંતું 200 મીટર દૂર આવેલ હાફેશ્વર ગામને જ નર્મદાનું પાણી મળતું નથી. હાફેશ્વર ગામની 7000 ની વસ્તી છે અને ધાર્મિક સ્થળ પણ આવેલું છે અને પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે. લોકો નર્મદા પરિક્રમા માટે પણ હાફેશ્વર ગામમાં આવેલ મંદિરમાં રોકાય છે. પરંતુ નર્મદાનું પાણી લોકોને મળતું નથી.
મહિલાઓ ખીણમાંથી પાણી લાવે છે
હાફેશ્વર ગામેથી નર્મદાનું પાણી દાહોદ, કચ્છ, કાઠીયાવાડ અને રાજસ્થાન સુધીને પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ નર્મદાના કિનારે વસેલું હાફેશ્વર ગામને જ નર્મદાનું પાણી મળતું નથી. ગામમાં કુલ 12 જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે જ ફળિયાને નર્મદાનું પાણી મળે છે. 10 જેટલા ફળિયાને નર્મદાનું પાણી મળતું નથી, જેને લઈને મહિલાઓને ખીણમાંથી પાણી લાવવાનો વારો આવે છે.
ગામમાં ન પહોંચી નલ સે જલ યોજના
ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ આ યોજના માત્ર કાગળ પર જ હોય તેવું હાફેશ્વર ગામમાં જણાય છે. હાફેશ્વર ગામમાં 10 જેટલા ફળિયાની અંદર નલ સે જલ યોજનાની કામગીરી કરવામાં ન આવી હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામમાં ઘરે ઘરે નળ પણ બેસાડવામાં નથી આવ્યા, પાઇપલાઇનો પણ નાખવામાં નથી આવી. જેને લઇને લોકોને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાફેશ્વર ગામ એ ડુંગરોથી ઘેરાયેલું ગામ છે. છુટા છવાયેલા ઘરો છે અને આદિવાસી વિસ્તાર ધરાવે છે. લોકોને પાણી ન મળતા ખીણમાંથી માથા પર બેડા મૂકીને ડુંગર ચઢી મહિલાઓ પાણી લાવવા માટે મજબૂર બની છે.
લગ્ન લેતા ગભરાય છે ગામના લોકો, પાણી ક્યાંથી લાવવું
હાફેશ્વર ગામની અંદર 20 તારીખે એક યુવતીનું લગ્ન હોય પરંતુ પાણીના કારણે યુવતીના પરિવારજનો ચિંતિત બન્યા છે યુવતીના ઘરમાં માટીનું લીપન કરી રંગ રોગણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ગામમાં પાણીની કોઈ સુવિધા ન હોય જેને લઇને યુવતીના પરિવારજનો ચિંતિત બન્યા છે. હાલ જે ફળિયાના લોકો છે તે યુવતીના લગ્ન માટે કોતરમાંથી પાણી લાવી પાણીના બેરલો ભરી પાણી ભેગુ કરવા માટે મજબૂર બન્યા છે.
ગામને પાણી નહિ, તો આગળ પાણી નહિ જવા દઈશું - ચીમકી
હાફેશ્વર ગામમાં પાણીની તંગીને લઈને કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા પણ પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નલ સે જલ યોજનાને સારી યોજના ગણાવી, પરંતુ તંત્ર અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળીને જે નામની યોજના બનાવી દીધી છે. આ માત્ર એમના ફાયદા માટે જ બનાવમાં આવે છે. કવાંટ તાલુકામાં આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે. આંખની સામે નર્મદાનું પાણી છે, પરંતુ અહીં જ મળતું નથી અને હજારો કિલોમીટર દૂર પહોંચાડી દેવામાં આવ્યું છે. જો કવાંટ તાલુકાના લોકોને નર્મદાનું પાણી નહીં મળે તો આગામી સમયમાં આ પાણી આગળ પણ નહિ જવા દેવા માટે ચીમકી આપી છે અને વહેલી તકે પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે