અમેરિકા જવાનું સપનું જોનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; વિદ્યાર્થીઓને મોટી રાહત

US Student Visa: અમેરિકાએ ભારત સહિતના તમામ દેશો માટે સ્ટુડન્ટ વિઝા પર મૂકેલા હંગામી પ્રતિબંધને હટાવી દીધો છે અને વિઝા પ્રોસેસને ફરી ચાલુ કરી છે, પરંતુ હવે તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટનું સ્ક્રિનિંગ ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એવો થાય છે કે તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટની સરકાર તપાસ કરશે અને અમેરિકા વિરુદ્ધ કોઈ પોસ્ટ હશે તો અરજી રિજેક્ટ કરશે.

અમેરિકા જવાનું સપનું જોનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; વિદ્યાર્થીઓને મોટી રાહત

US Student Visa: અમેરિકામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ વિદ્યાર્થી વિઝા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. એટલે કે હવે વિદ્યાર્થીઓ અમેરિકા જઈને અભ્યાસ કરી શકે છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે આ માટે એક શરત ફરજિયાત બનાવી છે જે વિદ્યાર્થીઓને પસંદ ન પણ આવે. વિદેશ વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા હેઠળ અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ સ્ક્રીન કરવી પડશે. આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીના સોશિયલ મીડિયા પર અમેરિકા વિરોધી સામગ્રી અથવા પોસ્ટ્સ તપાસી શકાય.

શા માટે તપાસવામાં આવશે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ?
આ વર્ષે મે મહિનાના અંતમાં અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો હતો. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે "સોશિયલ મીડિયા પર વધુ સારી તપાસ કરવાથી ખાતરી થશે કે આપણે આપણા દેશમાં આવવાનો પ્રયાસ કરી રહેલા દરેક વ્યક્તિની યોગ્ય રીતે તપાસ કરી શકીએ છીએ."

અધિકારીએ કહ્યું કે આ માટે, યુએસ એમ્બેસી અધિકારીઓ તમામ વિદ્યાર્થીઓ અને અરજદારોની સંપૂર્ણ તપાસ કરશે. સ્ક્રીનીંગને સરળ બનાવવા માટે વિદ્યાર્થી વિઝા અરજદારોને તેમની બધી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર ગોપનીયતા સેટિંગ સાર્વજનિક કરવાનું કહેવામાં આવશે. વિદેશ વિભાગે જણાવ્યું હતું કે મે મહિનામાં સ્ટુડન્ટ વિઝા પર મૂકવામાં આવેલા હંગામી પ્રતિબંધને સરકારે પાછો ખેંચી લીધો છે, પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ‘પબ્લિક મોડ ન રાખતા અને તપાસનો ઇનકાર કરતાં નવા અરજદારોની વિઝા અરજી રિજેક્ટ થઈ શકે છે.

કોન્સ્યુલર અધિકારીઓ એવી પોસ્ટ્સ અને મેસેજ પર નજર રાખશે, જે અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ, સંસ્થાઓ અથવા સ્થાપના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય. ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા મહિને યુએસમાં અભ્યાસ કરવાની આશા રાખતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુનું સમયપત્રક અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું હતું. અરજદારોની સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિના વ્યાપક સ્ક્રિનિંગના ભાગરૂપે વિઝા પ્રોસેસ અટકાવી દીધી હતી. સ્કૂલ વર્ષના પ્રારંભના થોડા સમય પહેલા જ સરકારે આવો નિર્ણય કરતાં અમેરિકામાં ભણવા માગતા વિશ્વભરના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. જોકે હવે વિદ્યાર્થીઓને રાહત થઈ છે.

વિઝા ઇશ્યૂ થયા પછી પણ સ્ક્રીનિંગ ચાલુ રહેશે: યુએસ દુતાવાસ
ભારત ખાતેના યુએસ દૂતાવાસે ગુરુવારે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ વિઝા એક વિશેષાધિકાર છે, તે અધિકાર નથી. વિઝા જારી થયા પછી તેની તપાસ બંધ થતી નથી અને જો કોઈ કાયદો તોડે છે તો અધિકારીઓ વિઝા રદ કરી શકે છે. વિધાર્થી કે વિઝિટર વિઝા પર રહેલા વિદેશીઓ ગેરકાયદેસર ડ્રગ્સનો ઉપયોગ કરે અથવા કોઈપણ યુએસ કાયદાનો ભંગ કરશે તો ભવિષ્યમાં પણ વિઝા માટે ગેરલાયક બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news