એક ક્લિકથી ગુજરાત પોલીસ તમારી મદદે આવીને ઉભી રહેશે, નાગરિકોની સુવિધા માટે નવી સુવિધા

Gujarat Police GP SMASH Launch : સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની નવી પહેલ... સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ ૨૪*૭ રિયલ ટાઈમમાં ટ્રેસ કરે છે: તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત

એક ક્લિકથી ગુજરાત પોલીસ તમારી મદદે આવીને ઉભી રહેશે, નાગરિકોની સુવિધા માટે નવી સુવિધા

Police Just A Click Away : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો તા.૧લી માર્ચ-૨૦૨૫થી આરંભ કર્યો છે. 

આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ત્રણ મહિનામાં મળેલી ૩૩૫ રજૂઆતો-પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. 

આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.

GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?
GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ ૨૪*૭ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. 

ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે.

આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે.

રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.

ત્રણ મહિનામાં ૩૧૦થી વધુ સમસ્યાઓનો સકારાત્મક નિકાલ
GP-SMASH પહેલનો અમલ માર્ચ-૨૦૨૫થી કરવામાં આવ્યો છે. ૩૧મી મે સુધી એટલે કે છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી શ્રી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે ૩૩૫ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી છે. નોંધનીય છે કે તેમાંના મોટા ભાગના પ્રશ્નો એટલે કે ૩૧૦થી વધુ પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે.

પોલીસ માત્ર સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ સતત પોતાની સાથે હોવાનો નાગરિકોને થઈ રહ્યો છે અહેસાસ
GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ સતત પોતાની સાથે હોવાનો સુરક્ષિત અહેસાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરના પ્રશ્નો હવે માત્ર 'ટ્રેન્ડ' નહીં રહી, તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવાય છે. પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની અનુભૂતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.
જાગૃત નાગરીકની એક પોસ્ટને પરિણામે સુરત ટ્રેન પહોંચે તે પહેલા ભરૂચથી ચાલુ ટ્રેનમાં નશાખોરને પકડી લેવાયો

તાજેતરમાં જ એક જાગૃત નાગરિક સુશીલકુમાર તિવારીએ x (ટ્વીટ) મારફતે પોસ્ટ મૂકીને ગુજરાત પોલીસ ટેગ કરી એક ફરિયાદ કરી. જેમાં ચાલુ ટ્રેનમાં એક નશાખોર વ્યક્તિ દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત પોલીસની આ GP SMASH ટીમે ત્વરિત રિસ્પોન્સ કરી વેસ્ટર્ન રેલવે વડોદરા (જીપી) અને સુરત સીપીને ટેગ કરી તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો. પરિણામે, ટ્રેન સુરત પહોંચે તે પહેલાં ભરૂચથી જ નશાખોરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરિયાદીએ ગુજરાત પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રશંસા કરી અને સકારાત્મક ફિડબેક પણ આપ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news