Bengaluru Stampede: પોલીસ કમિશનર સહિત અનેક અધિકારીઓ સસ્પેન્ડ, CMએ કહ્યું-RCB સામે પણ કરાશે કાર્યવાહી
RCB Victory Parade Stampede: બેંગલુરુમાં થયેલી ભાગદોડને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર સહિત ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે.
Trending Photos
CM Siddaramaiah: બેંગલુરુમાં RCB વિક્ટ્રી પરેડમાં થયેલ ભાગદોડને લઈ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની સરકારે ટોપના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સિદ્ધારમૈયાએ આજે સાંજે મીડિયાને જણાવ્યું કે, પોલીસ કમિશનર અને તેમના ડેપ્યુટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આરસીબી અને સંબંધિત ક્રિકેટ સંસ્થા સામે પગલું લેવામાં આવશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસર, એસીપી, સેન્ટ્રલ ડિવિઝન ડીસીપી, ક્રિકેટ સ્ટેડિયમ ઇન્ચાર્જ, એડિશનલ પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.'
પૂર્વ ન્યાયાધીશના અધ્યક્ષતામાં બની તપાસ કમિટી
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે અમે ગઈકાલે થયેલી દુ:ખદ ભાગદોડની ઘટના અંગે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને 47 લોકો ઘાયલ થયા. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે બધા અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં આ પરિવારોને હિંમત અને શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી. બેઠકમાં અમે આ દુ:ખદ ઘટનાની વિગતવાર ચર્ચા કરી. આ પછી સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ અકસ્માતની સંપૂર્ણ તપાસ માટે અમે એક સભ્યની તપાસ કમિટીની રચના કરી છે. જેનું નેતૃત્વ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ માઇકલ કુન્હા કરશે.
તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ
જેની ભૂલને કારણે આ અકસ્માત થયો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. RCB, DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના જવાબદાર પ્રતિનિધિઓની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા અને ગુનેગારોને સજા અપાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
કેવી રીતે થયા 11 લોકોના મોત?
RCBની IPL જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. બુધવારે બનેલી ઘટનાના થોડા કલાકો પછી મુખ્યમંત્રીએ નાસભાગ માટે ભીડને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે, ભારતના મુખ્ય રમતગમત કાર્યક્રમમાં RCBની જીતની ઉજવણી કરવા માટે 3-4 લાખ લોકો અણધારી રીતે સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા.
RCB સામે પણ FIR દાખલ
કર્ણાટક હાઈકોર્ટે આજે આ ઘટનાનું સ્વતઃ સંજ્ઞાન લીધું. રાજ્ય તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ કોર્ટને જણાવ્યું કે, સ્ટેડિયમમાં પ્રવેશ મફત છે તેવું કહેવામાં આવ્યું હોવાથી 2.5 લાખ લોકો એકઠા થયા હતા. ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત કબ્બન પાર્ક પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં ઇવેન્ટ-મેનેજિંગ કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિનું પણ નામ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે