પત્નીના હાથ-પગ બાંધીને તાપી નદીના કિનારે લઈ ગયો પતિ, મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ

Surat Crime News : સુરતમાં પાસા હેઠળ પકડાયેલા કુખ્યાત બુટલેગરે પત્નીનું અપહરણ કરી મિત્રો સાથે મળીને ગેંગરેપ ગુજાર્યો, પત્નીને તાપીમાં ફેંકી દેવાનો પ્રયાસ 
 

પત્નીના હાથ-પગ બાંધીને તાપી નદીના કિનારે લઈ ગયો પતિ, મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં થોડા સમય પહેલાં સગીરની હત્યાના વિવાદમાં પાસા હેઠળ ઝડપાયેલા એક કુખ્યાત બુટલેગરે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. તેણે પોતાની પત્નીનું અપહરણ કરી, એક રૂમમાં ગોંધી રાખી, તેના મિત્ર સાથે મળી ગેંગરેપ ગુજાર્યો હતો. આટલેથી ન અટકતાં, તેને નળિયા વડે જીવલેણ ઈજા પહોંચાડી અને તાપી નદીમાં ફેંકી દઈ હત્યા કરવાના ઈરાદે તેના હાથ-પગ બાંધી નદી કિનારે લઈ ગયો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે

મારો પતિ મારી હત્યા કરવા માંગે છે, મિત્રો સાથે મળીને મારા પર બળાત્કાર કર્યો 
ગત મોડી રાત્રે આ મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યારે ૩૫ વર્ષીય પીડિત મહિલા દોડતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેની હત્યા કરવા માંગે છે અને તેણે એક સાગરિત સાથે મળીને તેના પર ગેંગરેપ પણ ગુજાર્યો છે. આ સાંભળીને ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા ચોંકી ઉઠ્યા હતા. પીડિત મહિલા સ્થાનિક માથાભારે બુટલેગરની પત્ની હોવાથી મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. 

પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો
ડી.સી.પી. આલોકકુમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ જઘન્ય કૃત્ય આચરનાર બુટલેગર પતિ તેમજ તેના ત્રણ સાગરીતો પ્રિન્સ મહેશ ઉર્ફે મુન્નો ઓમપ્રકાશ ક્ષત્રિય, વિજય ઉર્ફે કચ્યો ઇશ્વર રાઠોડ અને આપ્યા જગન્નાથ વાઘમારેની ધરપકડ કરી હતી. પોલીસે જે વિસ્તારમાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો, ત્યાં તેમનો વરઘોડો કાઢી તેમની આબરૂ કાઢી હતી.

આરોપી પતિએ સગીરની હત્યા કરી હતી 
કાપોદ્રામાં થોડા મહિના પહેલાં એક સગીર યુવકની હત્યા થઈ હતી. આ હત્યામાં ઝડપાયેલો શખ્સ તેના સંબંધી બુટલેગરને ત્યાં કામ કરતો હોવાનું અને નશો કર્યા બાદ આ કૃત્ય કર્યાનું બહાર આવતા પોલીસે બુટલેગરની પણ પાસા હેઠળ અટકાયત કરી હતી. આ બુટલેગર પાસા હેઠળ જેલમાં હતો તે વખતે તેની પત્ની બહાર બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોવાની શંકા તેને હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તેણે તેની પત્નીને માર મારવાનું શરૂ કર્યું હતું

૨૪મી તારીખની રાત્રે માર માર્યા બાદ, બીજા દિવસે સવારે આરોપી બુટલેગર તેના મિત્ર પ્રિન્સ ઉર્ફે મહેશ સાથે આવ્યો હતો. તેણે પત્નીનું અપહરણ કરી સોસાયટીમાં જ આવેલા એક રૂમમાં લઈ જઈ પહેલા પોતે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પોતે જ પત્નીના હાથ પકડી રાખ્યા હતા અને સાથે આવેલા મિત્ર પાસે પણ બળાત્કાર કરાવ્યો હતો. બળાત્કાર બાદ નળિયા વડે આખા શરીરે માર મારી તેને રૂમમાં પૂરી જતો રહ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પરત આવી, બીજા બે મિત્રોની મદદથી તેણે પત્નીના હાથ-પગ બાંધીને તાપી નદીના કિનારે લઈ ગયો હતો

આરોપી પતિ પત્નીના હાથમાં રહેલી ઘડિયાળને લઈને શંકા કરતો હતો. પત્નીએ ઘડિયાળ ખરીદી હોવાનું જણાવતા તે બિલ અને દુકાન બતાવવા માટે તેને રિક્ષામાં લઈ ફર્યો હતો. પત્ની દુકાન નહિ બતાવી શકતાં રિક્ષામાં જ તેણે તેના હાથ-પગ બાંધી દીધા હતા. નદીમાં ફેંકી હત્યા કરી દેવાના ઇરાદા સાથે કાપોદ્રા પાણીની ટાંકી પાસે આવેલા તાપી કિનારે લઈ ગયો હતો. પોતાને બક્ષી દેવા માટે પત્નીએ આજીજી કરતાં આ ચારેય તેને મહોલ્લામાં લઈ આવ્યા હતા. આ દરમિયાન, પતિ નજીકના બાથરૂમમાં ગયો તે તકનો લાભ લઈ મહિલા ત્યાંથી ભાગીને સીધી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news