બધુ છોડીને ગામડે ખેતી કરવાનો વારો આવ્યો, 2 વર્ષની હીરાની મંદીમાં રત્ન કલાકારોની હિંમત ખૂટી!
Ratna Kalakar Strike : મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારો હવે જીવ બચાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે હડતાળ પર ઉતરવા મજબૂર બન્યા છે
Trending Photos
Recession In Diamond Industry પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના રત્ન કલાકારોની સ્થિતિ દિવસેને દિવસે બગડી ગઈ છે. ત્યારે રત્ન કલાકારોની વ્હારે સરકાર ન આવતા હીરાની ચમક વધારનારા કારીગરો રસ્તા પર ઉતરી ગયા છે. હીરા ઉદ્યોગના ઈતિહાસમાં પહેલીવાર રત્નકલાકારોને હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે શું છે રત્નકલાકારોની સરકાર પાસે માગ, જોઈએ આ અહેવાલમાં.
- હીરાની મંદી મારી રહી છે
- લાચાર છે હીરાની ચમકના કારીગર
- રસ્તા પર ઉતર્યા રત્ન કલાકારો
- હીરાઘસૂઓની વ્હારે આવો સરકાર
દેશ-દુનિયામાં જાણીતા સુરતના હીરાઓને ચમક આપનારા કારીગરો પાસે હવે બધુ જ છોડીને ગામડે પરત જતાં રહેવાના દિવસો આવી ગયા છે. કેમ કે છેલ્લા 2 વર્ષથી હીરાની મંદીનો માર સહન કરતા રત્નકલાકારોની સહન શક્તિ હવે ખુટી પડી છે. અને એટલા માટે જ સુરતના હીરા ઉદ્યોગના ઈતિહાસમાં પહેલીવાર રત્નકલાકારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
સરકાર હવે રત્નકલારોની વ્હારે આવી તેવી માગ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્નકલાકારોએ હડતાળ પાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બે દિવસથી હડતાળ પર રહેલા રત્ન કલાકારોએ કતારગામ દરવાજાથી વરાછા હીરાબાગ સુધી વિશાળ રેલી યોજી હતી અને તેમની માંગણીએ પુરી થાય તેવી સરકાર પાસે ગુહાર લગાવી હતી.
સુરતના રત્નકલાકારોની શું માગ છે તેની વાત કરીએ તો...
- રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે
- રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરાય
- મોંઘવારી મુજબ પગાર અને ભાવમાં વધારો થાય
- હીરાઉદ્યોગમાં મજુર કાયદાનું ચુસ્તપણે પાલન થાય
- રત્નકલાકારો પાસે લેવાતો વ્યવસાય વેરો નાબુદ થાય
- આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને સહાય મળે
- સરકાર દ્વારા રત્નદીપ યોજના લાગુ કરાય
સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આર્થિક મંદીના કારણે હીરા ઉદ્યોગ ડામાડોળ છે. રત્ન કલાકારોને પૂરતા પ્રમાણમાં કામ ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઈ છે. ત્યારે રેલીમાં જોડાયેલા રત્નકલાકારોએ પ્લે કાર્ડ અને બેનરો સાથે દેખાવ કરીને પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. સાથે જ જો માગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ધરણા પ્રદર્શનની સાથે સાથે ભુખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ રત્ન કલાકારોએ ઉચ્ચારી છે.
હાલ હીરા ઉદ્યોગના રત્નકલાકારોની સ્થિતિ કેવી છે તેને વર્ણવતી એક ગુજરાતી ફિલ્મ આવી હતી. જેમાં હીરા ઉદ્યોગના રત્નકલાકારોની વેદના હુબહુ વર્ણવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે