બાંગ્લાદેશી અમ્પાયરનો 'શરમજનક' નિર્ણય, આકાશદીપને બે વાર ખોટો આઉટ આપ્યો, DRSએ ખોલી પોલ
IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ચાલી રહી છે. શનિવારે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશી અમ્પાયર શરફુદ્દૌલાની ખરાબ અમ્પાયરિંગની પોલ ખુલી ગઈ છે.
Trending Photos
IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને ખરાબ અમ્પાયરિંગનો અનુભવ થયો. શનિવારે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશી અમ્પાયર શરફુદ્દૌલાએ ભારતીય ક્રિકેટર આકાશદીપને બે વાર LBW આઉટ જાહેર કર્યો હતો, પરંતુ બંને વખત તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ એવી કેટલીક ઘટનાઓ બની છે જ્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ શરફુદ્દૌલાના ખરાબ અમ્પાયરિંગ નિર્ણયોથી પરેશાન થયા છે.
આકાશદીપને બે વાર ખોટી રીતે આઉટ આપ્યો
આ ઘટના ભારતના પ્રથમ દાવની 114મી ઓવરની છે જ્યારે આકાશદીપને બાંગ્લાદેશી અમ્પાયર શરફુદ્દૌલાએ બે વાર LBW આઉટ આપ્યો હતો, પરંતુ જ્યારે ભારતીય ક્રિકેટરે DRS લીધો ત્યારે સત્ય બહાર આવ્યું. પહેલી ઘટના 114મી ઓવરના બીજા બોલ પર બની હતી જ્યારે ક્રિસ વોક્સનો ઇનસ્વિંગ બોલ આકાશદીપના આગળના પેડ પર વાગ્યો હતો. શરફુદ્દૌલાએ આકાશદીપને LBW આઉટ આપ્યો હતો, પરંતુ આ ભારતીય ક્રિકેટરે તરત જ DRS લીધો હતો. રિપ્લેમાં દેખાતું હતું કે બોલ સ્ટમ્પ ચૂકી રહ્યો હતો, તેથી શરફુદ્દૌલાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો.
ફરી એક વાર તે જ ઓવરમાં ક્રિસ વોક્સનો પાંચમો બોલ આકાશદીપના પેડ પર વાગ્યો. શરફુદ્દૌલાએ ફરી એકવાર આંગળી ઉંચી કરીને આકાશદીપને LBW આઉટ આપ્યો. આકાશદીપે ફરી એકવાર DRS લીધો. DRS એ ફરીથી શરફુદ્દૌલાની પોલ ખોલી. રિપ્લેમાં દેખાઈ આવ્યું કે બોલ સ્ટમ્પ ચૂકી રહ્યો હતો, તેથી શરફુદ્દૌલાને બીજી વાર પોતાનો નિર્ણય બદલવો પડ્યો. શરફુદ્દૌલાને દુનિયા સામે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું. ભારત પાસે DRS હતો, તેથી આકાશદીપ બે વાર બચી ગયો અને અમ્પાયરની વાસ્તવિકતા દુનિયા સામે ખુલ્લી પડી ગઈ. શરફુદ્દૌલાને સોશિયલ મીડિયા પર પણ ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ભારત 387 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની પહેલી ઇનિંગમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો આ સ્કોર ઇંગ્લેન્ડના પ્રથમ દાવના સ્કોર જેટલો જ હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ ફક્ત નવમી વાર આવું બન્યું. લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 387 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો પ્રથમ દાવ પણ 387 રન પર સમાપ્ત થયો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારતને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેણે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 2 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે