DC vs MI : 12 બોલમાં 23 રનની જરૂર હતી, અચાનક થયા 3 રન આઉટ, આ રહ્યો મેચનો મોટો ટર્નિંગ પોઈન્ટ
DC vs MI : રવિવારે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને આ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું. દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સના હાથમાંથી જીત છીનવી લીધી હતી.
Trending Photos
DC vs MI : દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સને અંતિમ 12 બોલમાં જીતવા માટે 23 રનની જરૂર હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી આશુતોષ શર્મા અને મિશેલ સ્ટાર્ક ક્રિઝ પર હતા.
મુંબઈએ દિલ્હીના જડબામાંથી જીત છીનવી
આશુતોષ શર્માને ફરી એકવાર હીરો બનવાની તક મળી, પરંતુ તે નિષ્ફળ ગયો. દિલ્હી કેપિટલ્સે તેની ઈનિંગની 19મી ઓવરમાં નબળી બેટિંગની કિંમત ચૂકવવી પડી, કારણ કે તે મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 રનથી હારી ગયા. દિલ્હી કેપિટલ્સના ચાહકો આશુતોષ શર્મા અને મિશેલ સ્ટાર્ક પર જીતની આશા રાખીને બેઠા હતા, પરંતુ 19મી ઓવરમાં ત્રણ રન આઉટ થયા જેણે આખી રમત બદલી નાખી.
12 બોલમાં 23 રનની જરૂર હતી
દિલ્હી કેપિટલ્સ 18મી ઓવર સુધી 7 વિકેટે 183 રન પર હતું. અંતિમ 12 બોલમાં જીતવા માટે 23 રનની જરૂર હતી. દિલ્હી કેપિટલ્સ ઈનિંગ્સની 19મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ બોલિંગ કરવા આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી આશુતોષ શર્મા અને મિશેલ સ્ટાર્ક ક્રિઝ પર હતા. દિલ્હી કેપિટલ્સ આ મેચ સરળતાથી જીતી શકી હોત, પરંતુ તેઓ 19મી ઓવરમાં ગભરાઈ ગયા હતા.
અચાનક 3 રન આઉટ થયા
19મી ઓવરમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે માત્ર 10 રન આપ્યા હતા. આ ઓવરમાં ત્રણ રન આઉટ હતા જેના કારણે દિલ્હી કેપિટલ્સ 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 12 રનથી મેચ હારી ગઈ હતી. આશુતોષ શર્મા (17), કુલદીપ યાદવ (1) અને મોહિત શર્મા (0) દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સની 19મી ઓવરમાં રન આઉટ થયા હતા.
DC vs MI મેચની 19મી ઓવર (મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ)
- પહેલો બોલ - જસપ્રીત બુમરાહે આશુતોષ શર્માને ડોટ બોલ ફેંક્યો અને આ બોલ પર કોઈ રન થયો નહીં (183/7 - 18.1 ઓવર)
- બીજો બોલ - આશુતોષ શર્માએ જસપ્રિત બુમરાહના બોલ પર ચોગ્ગો ફટકાર્યો (187/7 - 18.2 ઓવર)
- ત્રીજો બોલ - આશુતોષ શર્માએ જસપ્રિત બુમરાહના બોલ પર ચોગ્ગો ફટકાર્યો (191/7 - 18.3 ઓવર)
- ચોથો બોલ - આશુતોષ શર્માએ જસપ્રિત બુમરાહના બોલ પર 1 રન પૂરો કર્યો પરંતુ બીજો રન લેવાની લાલચમાં તે રનઆઉટ થયો (192/8 - 18.4 ઓવર)
- 5મો બોલ - કુલદીપ યાદવે જસપ્રિત બુમરાહના બોલ પર 1 રન પૂરો કર્યો પરંતુ બીજો રન લેવાના પ્રયાસમાં રન આઉટ થયો (193/9 - 18.5 ઓવર)
- છઠ્ઠો બોલ - મોહિત શર્મા પણ જસપ્રીત બુમરાહના બોલ પર 1 રન લેવાના પ્રયાસમાં રનઆઉટનો શિકાર બન્યો. (193/10 - 19 ઓવર)
MIએ DCને હરાવ્યું
પોતાની પ્રથમ મેચ રમી રહેલા કરુણ નાયરના 40 બોલમાં 89 રન કર્યા બાદ, મિડલ ઓર્ડર તૂટી ગયો અને અંતે રન આઉટની હેટ્રિકના કારણે IPLની વર્તમાન સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો વિજયી સિલસિલો તેમના જ ગઢમાં તૂટ્યો. પ્રથમ ચાર મેચ જીત્યા બાદ આ સિઝનમાં તેમના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમ પર પ્રથમ વખત રમતી દિલ્હી કેપિટલ્સે 206 રનના લક્ષ્યાંકના જવાબમાં 11મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા, પરંતુ 53 બોલ અને 74 રનની અંદર છેલ્લી નવ વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હીની ટીમ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે