સ્થગિત થયેલ IPL 2025ની બાકી મેચો ભારત નહીં આ દેશમાં રમાશે? BCCIને મળ્યું ઓપ્શન

IPL 2025 News: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્તમાન IPL 2025ની બાકીની મેચોને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થગિત થયેલ IPL 2025ની બાકી મેચો ભારત નહીં આ દેશમાં રમાશે? BCCIને મળ્યું ઓપ્શન

IPL 2025 News: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્તમાન IPL 2025ની બાકીની મેચોને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. બોર્ડે માહિતી આપી હતી કે, ટુર્નામેન્ટના આગામી સમયપત્રક વિશે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે. આ દરમિયાન એક પૂર્વ ક્રિકેટરે BCCIને ટુર્નામેન્ટની બાકીની મેચો યોજવાનો વિકલ્પ સૂચવ્યો છે. માઈકલ વોને કહ્યું છે કે, ભારત બાકીની ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડમાં યોજી શકે છે.

IPL 2025 કરાઈ સ્થગિત
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ દ્વારા તેમના ખેલાડીઓની ચિંતાઓ અને લાગણીઓ તેમજ બ્રોડકાસ્ટર્સ, પ્રાયોજકો અને ફેન્સના મંતવ્યો વ્યક્ત કર્યા પછી તમામ મુખ્ય હિસ્સેદારો સાથે યોગ્ય પરામર્શ કર્યા બાદ IPL ગવર્નિંગ કાઉન્સિલે IPL 2025 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.' BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, 'હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ટુર્નામેન્ટનું નવું શેડ્યૂલ તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી જાહેર કરવામાં આવશે.'

રદ કરવી પડી મેચ
8 મેની સાંજે પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ સહિત ભારતના ઘણા શહેરો પર હુમલો કર્યો, ત્યારે IPL 2025ની 58મી મેચ અધવચ્ચે જ રદ કરવી પડી હતી. ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચ પ્રથમ ઇનિંગની મધ્યમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષા કારણોસર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ફેન્સને તાત્કાલિક સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું.

BCCIને મળ્યું સૂચન 
આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને બાકીની IPL મેચોનું આયોજન કરવાનું સૂચન કર્યું છે. તેમનું કહેવું છે કે, તેનું આયોજન યુકેમાં થઈ શકે છે. વોને 'X' પર લખ્યું કે, 'મને આશ્ચર્ય છે કે શું યુકેમાં જ IPL પૂર્ણ કરવું શક્ય છે... અમારી પાસે બધા વેન્યૂ છે અને ભારતીય ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ માટે રોકાય શકે છે... બસ એક વિચાર?'

કેટલી મેચ બાકી છે?
IPL 2025માં અત્યાર સુધીમાં 58 મેચ રમાઈ છે જેમાં ધર્મશાળામાં રદ થયેલી મેચનો પણ સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજમાં હજુ 12 મેચ બાકી છે, જેમાં લખનૌ (2), હૈદરાબાદ, અમદાવાદ (3), દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ (2), મુંબઈ, જયપુર (1)નો સમાવેશ થાય છે. આ પછી પ્લેઓફ મેચ હૈદરાબાદ અને કોલકાતામાં રમાશે. નોંધનીય છે કે, સીઝનની અંતિમ મેચ 25 મેના રોજ રમવાની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news