એલન મસ્કે ₹28,23,43,71,00,000 માં વેચી નાખ્યું 'એક્સ', જાણો હવે કોણ નવો માલિક

અગાઉ ટ્વિટર અને હવે એક્સ બનેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી એકવાર વેચાઈ ગયું છે. આ ડીલ 33 અબજ ડોલરમાં થઈ છે. જાણો કોણ બન્યા નવા માલિક....

એલન મસ્કે ₹28,23,43,71,00,000 માં વેચી નાખ્યું 'એક્સ', જાણો હવે કોણ નવો માલિક

અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કે થોડા વર્ષો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યું હતું અને પછી તેનું નામ બદલીને એક્સ કરી નાખ્યું. મસ્કના મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ અનેક ફેરફાર કરાયા અને લોકો પાસેથી બ્લ્યૂ ટિક માટે પૈસા વસૂલવાના શરૂ થયા. હવે મસ્કે એક્સને પણ વેચી દીધુ. જો કે આ વખતે એક્સને કોઈ અન્યને નહીં પરંતુ મસ્કની જ અન્ય એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI એ ખરીદી છે. આ ડીલ 33 અબજ ડોલરમાં થઈ છે. ભારતીય કરન્સીમાં આ રકમ બે લાખ 82 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ થાય. 

આ ટેક ઓવરનો હેતુ xAI ની AI સ્પેશિયલાઈઝેશનને X ની વ્યાપક પહોંચ સાથે ભેળવવાનું છે. મસ્કે xAIનું મૂલ્યાંકન 80 બિલિયન ડોલર અને એક્સનું 33 બિલિયન ડોલર  આંક્યું. મસ્કના પોર્ટફોલિયોમાં પહેલેથી જ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી જાણીતી કંપનીઓ છે. હાલમાં જ એક્સે પોતાનું નવો AI મોડલ ગ્રોકને શરૂ કર્યો છે. આ નવા ફેરફારથી ગ્રોકને ટ્રેનિંગ આપવામાં સરળતા થઈ શકે છે. મસ્કે એક્સ પર લખ્યું કે  “xAI અને X નું ભવિષ્ય પરસ્પર જોડાયેલું છે. આજે અમે અધિકૃત રીતે ડેટા, મોડલ, કમ્યુટિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને પ્રતિભાને એક કરવાની દિશામાં પગલું ભરી રહ્યા છીએ.”

AI ગ્રોકને પ્રમોટ કરવા લીધું પગલું?
આ ડીલની જાહેરાત બાદ એક્સ અને xAI ના પ્રવક્તાઓએ તરત કોઈ ટિપ્પણી કરી નથી. ડીલના અનેક પહેલુઓ હજુ પણ અસ્પષ્ટ છે જેમ કે રોકાણકારોને વળતર કેવી રીતે મળશે, એક્સના નેતૃત્વનું નવી કંપનીમાં એકીકરણ કેવી રીતે થશે, કે નિયામક તપાસની સંભાવના શું છે. દુનિયાના સૌથી ધની વ્યક્તિ મસ્કે વોશિંગ્ટન ડીસીમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. તેઓ ટ્રમ્પ પ્રશાસન હેઠળ ખર્ચમાં કાપના પ્રયત્નોની નિગરાણી કરી રહ્યા છે ને “ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી ” (DOGE) ના પ્રમુખ છે. તેનાથી તેમને એ એજન્સીઓને પ્રભાવિત કરવાની સ્થિતિ મળી શકે છે જે તેમના વ્યવસાયોની દેખરેખ કરે છે. 

xAI અને હવે સંયુક્ત કંપનીમાં એક રોકાણકારે રોયટર્સને જણાવ્યું કે તેઓ આ ડીલથી સ્તબ્ધ નથી. તેમનું માનવું છે કે આ મસ્કની પોતાની કંપનીઓમાં નેતૃત્વ અને મેનેજમેન્ટને મજબૂત કરવાની રણનીતિ છે. રોકાણકારે નામ ન જણાવવાની શરતે કહ્યું કે મસ્કે રોકાણકારો પાસે મંજૂરી માંગી નથી, ઉલ્ટું તેમણે જણાવ્યું છે કે બંને કંપનીઓ પહેલેથી જ નજીકથી સહયોગ કરી રહી હતી અને આ એકીકરણ ગ્રોકની સાથે ગાઢ તાલમેળને પ્રોત્સાહન આપશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news