Pakistan Train Hijack: ટ્રેન હાઈજેક પર PAK સેના અને બલૂચ આર્મીના અલગ અલગ દાવા, આખરે કોણ સાચું?

પાકિસ્તાનમાં ઝફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેકની ઘટનાએ વિશ્વસ્તરે હડકંપ મચાવી દીધો છે. આટલા કલાકો વિત્યા છતાં આ અપહરણની ઘટના વિશે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બંધકોને છોડાવવાનું ઓપરેશન પૂરું થયું કે નહીં કારણ કે પાકિસ્તાની આર્મી અને બીએલએના અલગ અલગ દાવા છે. 

Pakistan Train Hijack: ટ્રેન હાઈજેક પર PAK સેના અને બલૂચ આર્મીના અલગ અલગ દાવા, આખરે કોણ સાચું?

Pakistan Army vs BLA: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઝફર એક્સપ્રેસ ટ્રેનની હાઈજેકની ઘટના પર આખી દુનિયાની નજર છે. હાલત હજુ પણ તણાવપૂર્ણ છે. આ બધા વચ્ચે પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી (BLA)ના અલગ અલગ દાવા સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેમણે સફળતાપૂર્વક ઓપરેશનને અંજામ આપતા બધા બંધકોને છોડાવી લીધા છે અને 33 બીએલએ વિદ્રોહીઓને ઠાર કર્યા છે. બીજી બાજુ BLA નો દાવો છે કે હજુ પણ તેમના કબજામાં 154થી વધુ પાકિસ્તાની નાગરિકો છે. આખરે આ મામલે સચ્ચાઈ છે શું?

PAK સેનાનો દાવો- ઓપરેશન સફળ, બધા બંધકોને છોડાવી દીધા
વાત જાણે એમ છે કે પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ ISPR ના મહાનિદેશક અહમદ શરીફ ચૌધરીએ બુધવારે રાતે નિવેદન બહાર પાડીને કહ્યું કે સેનાએ એરફોર્સ, ફ્રન્ટિયર કોર FC અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ સાથે મળીને હાઈજેક ઓપેરશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો. તેમણે જણાવ્યું કે આ કાર્યવાહીમાં 33 બીએલએ આતંકીઓને ઠાર કર્યા અને તમામ બંધકોને સુરક્ષિત બચાવી લેવાયા. જો કે આ હુમલામાં 21 મુસાફરોના જીવ ગયા. સેનાએ કહ્યું કે, ઓપરેશન દરમિયાન આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા વિસ્તરાને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરી લેવાયો છે. 

BLA નો પલટવાર- 154થી વધુ બંધકો હજુ અમારા કબજામાં
ચોંકાવનારી વાત એ છે કે ISPR નું આ જે નિવેદન આવ્યું તેની ગણતરીની પળોમાં BLA તરફથી નિવેદન આવ્યું. નિવેદનમાં તેમણે પાકિસ્તાની સેનાના દાવાને સંપૂર્ણ રીતે ખોટો ગણાવ્યો. BLA એ કહ્યું કે ટ્રેનમાં કુલ 426 મુસાફરો સવાર હતા જેમાંથી 214 પાકિસ્તાની સૈન્ય કર્મીઓ હતા. હાઈજેકના પહેલા કલાકમાં 212 મુસાફરોને છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ 154થી વધુ બંધકો તેમના કબજામાં છે. BLA એ એવો પણ દાવો કર્યો કે પાકિસ્તાને અત્યાર સુધીમાં 16 વખત બંધકોને છોડાવવાની કોશિશ કરી જેમા 63 પાકિસ્તાની જવાનો ઘાયલ થયા છે. 

પાકિસ્તાની રેડિયો અને રેલવેના નિવેદન
આ બધા વચ્ચે પાકિસ્તાની રેડિયોના રિપોર્ટ મુજબ સેનાએ અત્યાર સુધીમાં 190 લોકોને બચાવ્યા છે. જ્યારે 37 મુસાફરો ઘાયલ થયા છે અને 57ને ક્વેટા લઈ જવાયા છે. પાકિસ્તાની રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે ટ્રેનમાં 440થી વધુ મુસાફરો હતા. સેનાની કાર્યવાહી દરમિયાન અનેક મુસાફરોને બચાવવામાં આવ્યા પરંતુ કેટલાકના જીવ પણ ગયા. રેલવે અધિકારીોએ એ પણ જણાવ્યું કે આતંકીઓએ બંધકોનો ઢાલની જેમ ઉપયોગ કર્યો જેનાથી ઓપેરશન વધુ મુશ્કેલ બન્યું હતું. 

પાકિસ્તાની સરકારની પ્રતિક્રિયા
બીજી બાજુ સમગ્ર ઘટનાક્રમ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાઈજેકિંગને કાયરતાપૂર્ણ આતંકી હુમલો ગણાવ્યો. તેમણે બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગટી પાસેથી આ મામલે જાણકારી લીધી અને કહ્યું કે આખો દેશ આ ઘટનાથી આઘાતમાં છે. પીએમ શરીફે કહ્યું કે સરકાર આ પ્રકારના કૃત્યો સહન નહીં કરે અને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરી. 

હાલ તો એ નક્કી છે કે આ હાઈજેકની ઘટનામાં પાકિસ્તાની સેના અને BLA ના અલગ અલગ દાવા સામે આવ્યા છે. આ દાવાઓમાં કોણ સાચુ છે અને સચ્ચાઈ શું છે તે હજુ ક્લિયર નથી થઈ શક્યું. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં પણ અંતિમ સચ્ચાઈ પર મહોર લાગતી જોવા મળતી નથી. હવે જોવાનું એ રહેશે કે આગળ કોનું શું નિવેદન આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news