ખેડૂતની કરુણ કથા : મન થાય છે આ કેરીની વાડીમાં જ આત્મહત્યા કરી લઉં, પણ બાળકોનો ચહેરો જોઈ અટકી જઉં છું
Navsari Farmers : કમોસમી વરસાદ બાદ નવસારીના ખેડૂતોની કરુણ કથા... કુદરતનો ક્રૂર ખેલના મજાક બન્યા નવસારીના ખેડૂતો... ખેડૂતોના હૈયે હવે માત્ર દુઃખની આગ ધગધગે છે
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : ગત દિવસોમાં આવેલા વાવાઝોડા સાથેના કમોસમી વરસાદમાં નવસારી જિલ્લાની આંબાવાડીઓમાં તૈયાર કરીને જાણે કોઈએ ઝીંઝોડીને નીચે પાડી નાંખી હોય એવી સ્થિતિ બની હતી. આંબા ઉપરથી લગભગ 50 થી 80 ટકા કેરીઓ નીચે ખરી પડતા ખેડૂતોને અને આંબાવાડી રાખનારાઓને લાખોના નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં નુકસાનને કારણે બેના હૃદય બંધ પડી ગયા, જ્યારે ઘણાને આત્મહત્યા કરવાના વિચાર આવી જાય છે.
- કમોસમી વરસાદના કારણે પાકને થયું નુકસાન
- પાકમાં થયેલા નુકસાનના પ્રાથમિક આંકડા આવ્યા સામે
- કેરીમાં 50 ટકા તો તલના પાકમાં 40 ટકા નુકસાન--
- ડાંગર, જુવાર, બાજરીના પાકને થયું નુકસાન--
- પપૈયા અને કેળામાં 15 ટકા નુકસાન થયું--
- વરસાદ બંધ રહ્યા પછી રાજ્યમાં સર્વે થઈ શકે--
- કમોસમી વરસાદ અને પવનના કારણે પાકને થયું નુકસાન
કેરીના ખેડૂતોને લાખોનો ખર્ચ માથે પડ્યો
કુદરત સામે માણસ હંમેશા પાંગળો રહ્યો છે. ખાસ કરીને ખેતીમાં આખા વર્ષની કે થોડા મહિનાઓની આકરી મહેનત સાથે પાકને જાળવવા માટે યોગ્ય સમયે દવાનો છંટકાવ છતાં કુદરતના પ્રકોપ સામે પાક નિષ્ફળ થાય અથવા તૈયાર પાક ખરી પડે ત્યારે ખેડૂતને લાખોનો ખર્ચ માથે પડે છે. આવી જ સ્થિતિ નવસારી જિલ્લાના કેરી પકડાતા ખેડૂતો અથવા લાખોમાં આંબાવાડી રાખનારાઓની થઈ છે.
વાવાઝોડાને કારણે 50 ટકા કેરી ખરી ગઈ
નવસારીના મછાડ ગામે રહેતા મોહંમદ રહેમાન શેખ 25 વર્ષોથી આંબાવાડીઓ રાખે છે અને એક ખેડૂતની જેમ જ કેરીનો પાક તૈયાર કરે છે. આ વર્ષે પણ મોહંમદ રહેમાને નવસારી અને જલાલપોર તાલુકામાં અંદાજે 20 હજાર મણ કેરી આવશે એવા ટાર્ગેટ સાથે 1 કરોડથી વધુના ખર્ચે આંબાવાડીઓ રાખી હતી અને ખેડુતોને 95 ટકા રકમ આપી પણ દીધી હતી. પરંતુ વાતાવરણની મારને કારણે શરૂઆતમાં જ રહેમાનને 20 થી 25 ટકાનું નુકશાન થયુ હતું. જોકે રહેમાને હિંમત કરી વાડીઓમાં 30 લાખ રૂપિયાની દવાઓનો છંટકાવ કરી, કેરીઓ જાળવી, આર્થિક નુકશાન ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદને કારણે ઝાડ પર રહેલી કેરીઓમાંથી 50 ટકા કેરી ખરી ગઈ છે.
આ નુકસાનથી બહાર નીકળતા 3 થી 4 વર્ષ થશે
બેંક લોન, પત્નીના ઘરેણા અને ઘર ગીરવી મુકીને, વ્યાજે રૂપિયા લઈ ખેડૂતોને રૂપિયા ચૂકવી દીધા હતા, હવે 10 ટકા જેટલી જ કેરી રહી જતા, રહેમાનને વ્યાજ કેવી રીતે ભરશે એની ચિંતા કોરી રહી છે. વાતાવરણને કારણે ઝાડ ઉપર જ 2000 થી વધુ પ્રતિ મણ કેરીની ખરીદી પડી અને સામે બજારમાં 1500 થી 1800 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. પડેલી કેરી કેનિંગમાં આપે તો 300 રૂપિયે કેરેટ જાય છે. જેથી રહેમાન કહે છે કે, મોટું આર્થિક નુકશાન છે. એમાંથી બહાર નીકળતા 3 થી 4 વર્ષ લાગશે.
પરિવારના બે જણાને ચિંતામાં હાર્ટ એટેક આવ્યો
આ વાડીના જ ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યાના વિચાર આવે છે. પણ બાળકોના ચહેરા તેમને અટકાવી દે છે. અમારા સગાઓએ ખેરગામ અને ખરસાડ ગામે લાખો રૂપિયા ખેડૂતોને આપીને આંબાવાડીઓ રાખી હતી. પણ આખીને આખી વાડી જ ફેલ થતા બે જણને ચિંતામાં હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયા છે. જેમના મૃતદેહને 40 થી 50 હજાર રૂપિયા ખર્ચીને ગામ મોકલ્યા છે. કેરીને કારણે સ્થિતિ ખૂબ કફોડી બની છે
લગભગ 15 વર્ષ અગાઉ કેરીની જાળવણીમાં માથાકૂટ ઓછી રહેતી. કારણ વાતાવરણ અનુકૂળ રહેતું હતું. હવે બદલાતા વાતાવરણમાં દવાઓનો ખર્ચ પણ વધી જાય છે. તેમ છતાં કેરીમાં રોગ, જીવાત આવવાનો ડર સાથે જ ખરણ વધતા રોકાણ સામે આવક નહીવત થાય છે. ત્યારે બદલાતા વાતાવરણમાં કેરીને જાળવી રાખવા નવા સંશોધનની જરૂર વર્તાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે