અમેરિકાના ટેરિફ બોમ્બથી હચમચી જશે ભારતીય શેરબજાર? જાણો શું કહે છે એક્સપર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેની ગુરુવારે ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે છે. કોટક એએમસીના એમડી નિલેશ શાહ સહિત ઘણા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ નિર્ણય બજાર માટે આંચકો હોઈ શકે છે અને ભારતે તેની આર્થિક નીતિઓને ઝડપી બનાવવી પડશે.

 અમેરિકાના ટેરિફ બોમ્બથી હચમચી જશે ભારતીય શેરબજાર? જાણો શું કહે છે એક્સપર્ટ

Stock Market: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટ 2025થી ભારત પર 25 ટકા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ લખ્યું કે ભારત મિત્ર તો છે પરંતુ વેપારના મામલામાં તે નિષ્પક્ષ નથી. તેમણે કહ્યું કે ભારતનો ટેરિફ દુનિયામાં સૌથી વધુ છે અને તેના બિન-ટેરિફ પ્રતિબંધ પણ વધુ કડક છે.

ટ્રમ્પની જાહેરાત બાદ રોકાણકારોમાં ચિંતાનું વાતાવરણ છે. નિષ્ણાતો માને છે કે તેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી શકે છે. નિષ્ણાતો માને છે કે ગુરુવારે બજારમાં ઘટાડો જોવા મળી શકે છે કારણ કે આ નિર્ણય રોકાણકારોને નકારાત્મક સંકેતો આપી રહ્યો છે.

બજાર પર શું અસર પડશે?
કોટક મહિન્દ્રા એએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે કહ્યું છે કે ભારત પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયની શેરબજાર પર નકારાત્મક અસર પડશે. તેમણે કહ્યું કે ભલે અમેરિકાની નીતિઓ વારંવાર બદલાતી રહે છે, બજાર હજુ પણ આશા રાખી રહ્યું છે કે બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને ચોક્કસ કોઈ કરાર થશે.

નિલેશ શાહે કહ્યુ કે જો સ્થિતિમાં સુધાર થાય છે અને સમજદારી દેખાડવામાં આવે છે તો બજારને "TACO" એટલે કે Trade At Concessional Obligation જેવી કોઈ વ્યાપારિક સમજુતિની આશા છે.

ચીનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ઈરાન પાસેથી તેલ ખરીદવા, મ્યાનમાર અને રશિયા સાથે વેપાર કરવા અને ઉત્તર કોરિયાને ટેકો આપવા જેવા મુદ્દાઓ પર અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોથી પરેશાન નથી. તેનું કારણ એ છે કે ચીનનું અર્થતંત્ર ખૂબ મોટું અને સ્પર્ધાત્મક છે, જે તેને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવાની શક્તિ આપે છે.

નિલેશ શાહે કહ્યુ- હું આશા કરુ છું અને પ્રાર્થના કરુ છું કે અમેરિકાના એકતરફી નિર્ણય બાદ ભારત પોતાની નીતિ નિર્માણની પ્રક્રિયાને ઝડપી કરે અને તેને વિકાસ કેન્દ્રીત બનાવે. આપણી સૌથી મોટી નબળાઈ હજુ પણ આપણા જીડીપીના આકાર અને વૈશ્વિક સ્પર્ધામાં પાછળ રહી જવાની છે.

રશિયા સાથેના સંબંધો પર ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની લશ્કરી ખરીદી પર પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આજે પણ ભારત તેના લશ્કરી સાધનોનો મોટો ભાગ રશિયા પાસેથી ખરીદે છે અને ચીનની સાથે ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર છે. ટ્રમ્પે કહ્યું કે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં યુદ્ધ બંધ કરે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે કહ્યું, "હવે ભારતે અન્ય પ્રવૃત્તિઓ માટે 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news