25% ટેરિફને કારણે શેરબજારમાં મોટો ઘટાડો...સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, રિલાયન્સ સહિતના શેર તૂટ્યા !
Stock Market Crash : ગઈકાલે ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ આજે ભારતીય બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો.
Trending Photos
Stock Market Crash : શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200થી વધુ પોઈન્ટના ઘટાડા પછી ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 750થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. નિફ્ટી બેંક લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને એફએમસીજી 300થી વધુ પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો.
બીએસઈની ટોચની 30 કંપનીઓમાંથી, 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં ટાટા મોટર્સ, આરઆઈએલ, એમ એન્ડ એમ અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તો 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો, જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં હતો.
સ્મોલ અને મિડકેપ્સમાં પણ મોટો ઘટાડો
શરૂઆતના વેપાર દરમિયાન BSE સ્મોલકેપ 400 પોઈન્ટથી વધુ ઘટ્યો. નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ મિડકેપમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. ફેઝ થ્રી લિમિટેડના શેર સ્મોલકેપમાં 10% ઘટ્યા, જ્યારે મિડકેપમાં સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જીઝ લિમિટેડ (3.5%)ને રહ્યો.
61 શેરમાં લોઅર સર્કિટ
બીએસઈના 3085 ટ્રેડેડ શેરમાંથી 887 શેર આજે વધી રહ્યા હતા, જ્યારે 2033 શેર ઘટાડા પર ટ્રેડ કરી રહ્યા હતા. 165 શેર ફ્લેટ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. 61 શેરમાં અપર સર્કિટ અને 61 શેરમાં લોઅર સર્કિટ હતી. આ ઉપરાંત, 51 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ગયા. જ્યારે 36 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે હતા.
રોકાણકારોને મોટું નુકસાન
બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેનો અર્થ એ થયો કે રોકાણકારોનું મૂલ્યાંકન ઘટ્યું છે. એક દિવસ પહેલા, બીએસઈ માર્કેટ કેપ 452.29 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે શરૂઆતના વેપારમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા ઘટીને 449.56 લાખ કરોડ રૂપિયા થયું.
આ સેક્ટરને મોટો ફટકો!
ટ્રમ્પ ટેરિફથી આઇટી, ફાર્મા, પીએસયુ બેંક, નિફ્ટી રિયલ્ટી અને કન્ઝ્યુમર સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. સૌથી મોટો ઘટાડો ઓઇલ અને ગેસ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઓઇલ અને ગેસ સેક્ટરમાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. આ પછી, આઇટી અને ફાર્મા સેક્ટરમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
Disclaimer: ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે