પાણીપુરી બની મિત્રો વચ્ચે ઝઘડાનું મૂળ! પથ્થરના ઉપરાછાપરી ઘા મારી યુવકનું માથું છૂંદી નાંખ્યું, પછી....
ચીખલીના થાલા ગામે મિત્રના ભાઈએ કરેલ મારપીટને ધ્યાને રાખી બે સગીર વયના મિત્રોએ મિત્રની સાથે પાણીપુરીના રૂપિયા બાકી રાખવા મુદ્દે ઝઘડો કરી, તેને થાલા નહેર પાસેની અવાવરૂ જગ્યાએ પથ્થરથી તેનું માથું છૂંદી નાખી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા.
Trending Photos
Navsari News : મિત્રો વચ્ચે થયેલી સામાન્ય માથાકૂટ એક મિત્રની હત્યા સુધી પહોંચી જતા નવસારીના ચીખલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચીખલીના થાલા ગામે મિત્રના ભાઈએ કરેલ મારપીટને ધ્યાને રાખી બે સગીર વયના મિત્રોએ મિત્રની સાથે પાણીપુરીના રૂપિયા બાકી રાખવા મુદ્દે ઝઘડો કરી, તેને થાલા નહેર પાસેની અવાવરૂ જગ્યાએ પથ્થરથી તેનું માથું છૂંદી નાખી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટનામાં કામે લાગેલી જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાની ગુથ્થી ઉકેલી સગીર વયના બે મિત્રોને અટકમાં લઇ તપાસને વેગ આપ્યો છે.
મિત્રતામાં મિત્રો એકબીજા માટે જીવ આપતા પણ અચકાતા નથી. એકબીજાના સુખ દુઃખના સાથી બની ભાઈબંધો જીવનભર સાથ નિભાવતા હોય છે. પરંતુ નવસારીમાં સગીર વયના મિત્રો વચ્ચે પરિવારની દખલગીરી બાદ વાત મિત્રની હત્યા સુધી પહોંચી ગઈ છે. વાત વાત છે જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામની. જ્યાં થોડા દિવસો અગાઉ ચીખલીના થાલા ગામે આવેલ ફરસાણની ફેક્ટરીમાં કામ કરતા મૂળ બિહારી 23 વર્ષીય રાહુલ રાજભરને તેની નજીકમાં જ લાકડાના ડેન્સામાં કામ કરતા 16 વર્ષીય અક્ષય (નામ બદલ્યું છે) અને 14 વર્ષીય સતીશ (નામ બદલ્યું છે) સાથે મિત્રતા હતી. મિત્રતામાં તેઓ ક્યારેક દારૂ પાર્ટી કરતા હતા.
થોડા દિવસ અગાઉ રાહુલે વધુ દારૂ પી લેતા ભાન ભૂલ્યો હતો. જેથી અક્ષય અને સતીશ બંને મિત્રો તેને તેના ઘરે મુકવા ગયા હતા. એ સમયે રાહુલના મોટાભાઈ અને કાકાએ આ બંને મિત્રોને રાહુલને નશો કરાવતા હોવાની શંકા રાખી માર માર્યો હતો. જેથી બંને મિત્રોને રાહુલ પ્રત્યે ગુસ્સો હતો. દરમિયાન ગત 23 ફેબ્રુઆરીની રાત્રે રાહુલ ટિફિન લેવા માટે નીકળ્યો હતો, જ્યાં રસ્તામાં અક્ષય અને સતીશ બંને મિત્રો તેને મળતા, ત્રણેય જણા નજીકમાં પાણીપુરી ખાવા ગયા હતા. રાહુલે પાણીપુરી ખવડાવવાનું કીધું હતું અને લગભગ 100 રૂપિયાની પાણીપુરી ત્રણેય મિત્રો ઝાપટી ગયા હતા. પરંતુ જ્યારે રૂપિયા આપવાની વાત આવી, ત્યારે રાહુલ પાસે રૂપિયા ન હતા. જેથી અક્ષયે પાણીપુરીવાળા પાસે રૂપિયા બાકી રાખાવ્યા હતા. ત્યારબાદ અક્ષય અને સતીશે રાહુલ સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કરતા કરતા ત્રણેય મિત્રો રાહુલના ઘર તરફ આગળ વધ્યા હતા.
દરમિયાન રસ્તામાં રાહુલના ભાઈએ મારેલ મારની અદાવત રાખી સતીશ અને અક્ષય રાહુલને મારવાનું શરૂ કર્યું અને જમીન પરથી મોટો પથ્થર ઉંચકી રાહુલના માથામાં મારી દીધો હતો. બાદમાં એ જ પથ્થરથી ચારથી પાંચ વાર ઘા કરી તેનું માથું છૂંદી નાખ્યું હતું. માથામાં ગંભીર ઈજા થવાને કારણે રાહુલનું ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. હત્યા બાદ બંને મિત્રો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ રાહુલ ઘરે ન પહોંચતા પરિવારજનો તેને શોધવા નીકળ્યા અને બીજા દિવસે સવારે ઘર તરફના કબ્રસ્તાન નજીક નહેરની પાસે અવાવરૂ જગ્યામાંથી રાહુલનો મૃતદેહ મળતા તેમના હોશ ઉડી ગયા હતા.
સમગ્ર પ્રકરણમાં ચીખલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો હતો. જેમાં નવસારી LCB પોલીસ અને ચીખલી પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ હતી. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ તેમજ બાટમીદારોના નેટવર્કને એક્ટિવ કરી હત્યારા અક્ષય અને સતીશ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે બંને સગીર કિશોરોને અટકમાં લઈ કડકાઈથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને હત્યાની ગુથ્થી ઉકેલાઈ ગઈ હતી. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બંને સગીર કિશોરોને અટકમાં લઇ બાળ સુધારણા ગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે