‘કૃષિ મંત્રી ખોટા નિવેદનો કરે છે, અહીં આવીને જુએ તો ખબર પડે કે ખાતર માટે ખેડૂતો કેટલા હેરાન થઈ રહ્યા છે...!’
Fertilizer Shortage In Gujarat : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા લાખણી, કાંકરેજ, વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ક્યાંક ખાતરની અછત ન હોવાનું નિવેદન આપતા ખેડૂતો રોષે ભરાયા છે અને કૃષિ મંત્રીને ખાતર માટે લાગતી લાઈનો આવીને જોવાનું કહીને ખેડુતોને ખાતર આપવાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે. એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે. પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે. પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે.
લાખણી, કાંકરેજ, દિયોદર, વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે. અન્ય તાલુકાઓની જેમ હવે ધાનેરામાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જોકે ખેડૂતોને જરૂર ન હોવા છતાં પણ યુરિયા ખાતરની જગ્યાએ નેનો યુરિયા ખાતર અપાઈ રહ્યું છે. ખેડૂતોને હાલ ખાતરની ખૂબ જ જરૂર હોવાથી તેવો પોતાના તમામ કામો છોડીને વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ખેડૂત દેવાભાઈ પટેલે કહ્યું કે, છેલ્લા 10 દિવસથી ખાતરની બહુ તકલીફ છે સવારના વહેલા આવીને લાઈનોમાં લાગીએ પણ ખાતર નથી મળતું.
ખેડૂત પ્રકાશભાઈએ કહ્યું કે, હું 7 વાગ્યાનો લાઈનમાં ઉભો છું ખાતર લેવા માટે પણ હવે કહે છે કે ખાતર નથી ઘરે જાઓ..બહુ તકલીફ છે
તો ખેડૂત સુરેશભાઈનું કહેવું છે કે, હું 20 કિલોમીટર દૂરથી ખાતર લેવા 7 વાગ્યાથી લાઈનમાં ઉભો રહ્યો પણ ખાતર ન મળ્યું..અમારે ધક્કા પડે છે અને ખર્ચ થાય છે.
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા હોવાથી ખેડૂતોને ખાતર તો નથી મળતું, પરંતુ ઉલ્ટાનો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. તો બીજી બાજુ કૃષિ મંત્રીએ રાજ્યમાં ક્યાંક ખાતરની અછત ન હોવાનું નિવેદન આપતા ખેડૂતોમાં કૃષિ મંત્રી સામે ભારે રોષ ફેલાયો છે.
ખેડૂતોનું કહેવું છે કે કૃષિમંત્રીના નિવેદન ઉપર અમને હસવું આવે છે. જો ગુજરાતમાં ખાતરનો પૂરતો સ્ટોક હોય તો ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો કેમ લાગી રહી છે. ખેડૂતોને લાઈનોમાં ઉભા રહેવાની મજબૂરી છે કોઈ શોખ નથી, રાઘવજી ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જોશે તો એમને ખેડૂતોની તકલીફ નહિ દેખાય એમને અહીં બનાસકાંઠામાં આવીને જોવું પડશે ત્યારે ખબર પડશે કે ખેડૂતોની કેટલી લાંબી લાઈનો લાગી રહી છે. ખેડૂતો ખાતર માટે દુકાને દુકાને ભટકી રહ્યા છે. જો 5 -6 દિવસમાં ખાતર નહિ મળે તો ખેડૂતોને આ સિઝન ફેલ થશે અને ખેડૂતો બરબાદ થઈ જશે
ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ કહ્યું કે, કૃષિ મંત્રી ખોટા બયાનો કરી રહ્યા છે તેવો અહીં આવીને જુએ તો ખબર પડે કે ખાતર માટે ખેડૂતો કેટલા હેરાન થઈ રહ્યા છે.
કૃષિ મંત્રીએ શું કહ્યું...
ખાતરની અછતને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં ખાતરની એટલી અછત નથી. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન થયું છે. રાજ્યમાં ખાતરની એટલી અછત નથી. ખાતરનો સ્ટોક આવતો રહે છે અને વિતરણ પણ થતું રહે છે.
જો ખેડૂતોને ખાતર નહિ મળે તો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરીશું
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ સહિત વાવ થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડુતોની વહારે આવ્યા છે અને તેમને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટ્વીટ કરતા કહ્યું કે, જો તાત્કાલિક ખાતર ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરીશ.એકબાજુ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો બીજી બાજુ પૂરતું ખાતર નથી આપતું.ખેડૂતોને ન જોઈતું હોવા છતાં પણ તમામ જગ્યાએ નેનો યુરિયા ખાતર ફરજિયાત અપાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે