ગુજરાતના આ જિલ્લામાં સિંહની વસ્તીમાં તોતિંગ વધારો, 5 વર્ષમાં 58% વધ્યા સિંહ, બની ગયું મિની ગીર

Lions In Bhavnagar : ભાવનગર જિલ્લામાં 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 58 ટકાનો વધારો... વર્ષ 2020માં જિલ્લામાં 73 સાવજની વસ્તી નોંધાઈ હતી... વર્ષ 2025માં સંખ્યા વધતા 116 સાવજો રેકર્ડ પર નોંધાયા... 30 પુખ્ત સિંહ, 44 પુખ્ત સિંહણ, 9 કિશોર સિંહ અને 10 કિશોર સિંહણ

ગુજરાતના આ જિલ્લામાં સિંહની વસ્તીમાં તોતિંગ વધારો, 5 વર્ષમાં 58% વધ્યા સિંહ, બની ગયું મિની ગીર

Bhavnagar News નવનીત ગુર્જર/ભાવનગર : ભાવનગર જિલ્લો ધીમે ધીમે હવે મીની ગિરની ઉપમા લેવા જઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 58% નો વધારો નોંધાયો છે. 2020 માં જિલ્લામાં 73 સાવજ નોંધાયા હતા, જે હવે 2025 માં વધીને 116 થઈ ગયા છે. રજવાડા ના સમયમાં ભાવનગર જિલ્લામાં સિંહ હતા જ, પરંતુ સમયાંતરે તેની વસ્તી ગીર પૂરતી સીમિત થઈ ગઈ હતી, પરંતુ 1998 માં ભાવનગરમાં ફરીથી સિંહ પ્રવેશથી શરૂઆત થઈ અને ક્રમશ વધતી ગઈ, ભાવનગર જિલ્લામાં સાનુકૂળ વાતાવરણ, ખોરાકની ઉપલબ્ધતા તેમજ અનુકૂળ રહેણાંક વિસ્તારોને લઈને સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

એશિયાઈ સિંહનું નામ આવે એટલે ગુજરાતના ગીરનું નામ અચૂક સામે આવે, ગીરના જંગલોમાં વિચારતા સિંહ જોવા દેશ વિદેશથી સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ હવે સમય બદલાયો છે. સિંહ એ માત્ર ગીર પૂરતા સીમિત રહ્યા નથી, એ હવે નવા નવા રહેઠાણો શોધવા ગીરના જંગલની બહાર નીકળી રહ્યા છે. હાલ અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહની વસ્તીમાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. એમાં પણ જેટલા સિંહ હાલ ગીરમાં વસવાટ કરે છે. એના કરતાં પણ વધુ સિંહ ગિરની બહારના વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. સિંહની વસ્તીમાં વધારો થતા નવા નવા રહેઠાણો ની શોધમાં સિંહ હવે દરિયા કાંઠા અને માનવ વસ્તી નજીક ગ્રામ્ય વિસ્તારો સુધી જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલમાં જ 16 મી સિંહ વસ્તીગણતરી 2025 મુજબ ગીર અને સોમનાથમાં 413 અને અમરેલી અને ભાવનગરમાં 455 સિંહ નોંધાયા છે. આમ રાજ્યના 11 જિલ્લાઓ મળી કુલ 891 સિંહ નોંધાયા છે.

 

ભાવનગર જિલ્લો બૃહદ ગીર તરીકે ઓળખાય છે. ત્યારે સિંહ વસ્તીગણતરી 2025 દરમ્યાન 2020 ની વસ્તીગણતરીની તુલનાએ 58 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લામાં 2020માં 73 સિંહ નોંધાયા હતા, જે પાંચ વર્ષમાં 58 ટકા ના વધારા સાથે 2025માં સાવજની વસ્તી 116 થઈ ગઈ છે. જેમાં 30 પુખ્ત સિંહ, 44 પુખ્ત સિંહણ, 9 કિશોર સિંહ, 10 કિશોર સિંહણ અને 23 સિંહબાળ મળી 116 સિંહ નોંધાયા છે. હાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં સિંહ વિચરણ કરી રહ્યા છે. જેમાં જેસર અને પાલિતાણાના વીડી વિસ્તારોમાં સિંહની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. જે બાદ મહુવા, સિહોર અને ઘોઘા તાલુકા પંથકમાં પણ સિંહ જોવા મળી રહ્યા છે. જેના કારણે હવે ગોહિલવાડ પંથકમાં ચારેકોર સિંહની ડણક સાંભળવા મળી રહી છે.

અગાઉ રજવાડાના સમયમાં ભાવનગર શહેર જિલ્લાના જંગલોમાં મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરતા હતા, પરંતુ સમયાંતરે સિંહ માત્ર ગીર ના જંગલ પૂરતા સીમિત થઈ ગયા હતા, પરંતુ સિંહો એ ફરી ઘર વાપસી કરી હોય તેમ 1998માં ભાવનગર જિલ્લામાં ફરી સિંહ પ્રવેશની શરૂઆત થઈ હતી, જે ક્રમશ વધતી રહી જેના પરિણામે સિંહ વસ્તી ગણતરી 2025 દરમ્યાન 27 વર્ષમાં ભાવનગર જિલ્લામાં સિંહની વસ્તી 116 થઈ ગઈ છે.

સિંહની વસ્તીમાં વધારા સાથે ભાવનગર જિલ્લામાં સૌથી મોટું સિંહ કુટુંબ વિચરણ કરતું હોવાનો રેકોર્ડ પણ અંકિત કરી લીધો છે. સિંહ વસ્તીગણતરી 2025 દરમ્યાન પાલિતાણા ના સાંજણાસર વીડી વિસ્તારમાં સૌથી મોટા સિંહ કુટુંબની નોંધ થઈ છે. રાજસ્થળી વીરડી વિસ્તારમાં 20 સભ્યોનો સિંહોનો સમૂહ જોવા મળ્યો હતો, આ સમૂહમાં 2 પુખ્ત સિંહ, 6 પુખ્ત સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના 13 સિંહબાળ સામેલ છે. જ્યારે આ જ વિસ્તારમાં 9 સિંહ સાથેનું એક અન્ય સમૂહ પણ સિંહ વસ્તીગણતરી 2025 દરમ્યાન નોંધાયો હતો, અગાઉ ગીરના જંગલમાં 18 સભ્યોના સિંહ પરિવારને એક ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, તે બાદ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં સિંહોનું સૌથી મોટું કુટુંબ જોવા મળ્યું છે. ખોરાકની વિપુલ ઉપલબ્ધતા, સાનુકૂળ વાતાવરણ, અનુકૂળ રહેઠાણ વગેરે માફક આવતા ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. સિંહના સંવર્ધન માટે લોકો પણ પૂરતો સહયોગ આપી રહ્યા હોવાનું વનવિભાગના ડીસીએફ સાદિક મુંજાવરે જણાવ્યું હતું, વોટર પોઇન્ટ, સિંહના આરોગ્ય ચકાસણી, સમયસર સારવાર મળી રહે એ માટે આધુનિક સુવિધાથી સજ્જ એનિમલ કેર સેન્ટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. એટલે ચોક્કસ કહી શકાય કે સિંહોની ડણક હવે ગીર સિવાય, કાઠીયાવાડ અને ગોહિલવાડ પંથકમાં પણ લોકોને સાંભળવા મળી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news