ડ્રીમગર્લ પ્રિન્સુનો સ્વાંગ રચી યુવકોને છેતરતો, બે યુવકોને એક ગર્લફ્રેન્ડ નીકળતા ફૂટ્યો ભાંડો
Navsari Dream Girl Crime : નવસારીના બેરોજગાર 21 વર્ષના યુવકે ડ્રીમ ગર્લ બની કાંડ કર્યા... યુવકોને રિકવેસ્ટ મોકલીને પ્રેમભરી વાતો કરતો
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીમાં ડ્રીમ ગર્લ બનીને એક યુવાને સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવાનોને છેતરીને રૂપિયા પડાવનાર યુવાનને નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે.
બેરોજગાર યુવકે ફેક પ્રોફાઈલ બનાવી
વીડિયોમાં દેખાતો યુવાન નવસારીના ચીખલી તાલુકાના આલીપોર ગામનો 21 વર્ષીય વિનય નાયકા બેરોજગાર હતો. પરંતુ પોતાની કડકી દૂર કરવા માટે વિનય ડ્રીમ ગર્લ બની ગયો હતો. વિનયે સોશ્યલ મીડિયામાં પ્રિન્સુ નામથી યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી, ચીખલી વિસ્તારના જ યુવાનોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં જે યુવાન એનો ફ્રેન્ડ બન્યો, એની સાથે પ્રથમ ચેટ અને બાદમાં મોબાઈલ ફોન ઉપર યુવતીના અવાજમાં તેની સાથે પ્રેમભરી વાતો શરૂ કરી હતી. આજ રીતે વિનયે ચીખલીના થાલા ગામના રોનક હળપતિને પોતાની જાળમાં ફસાવ્યો હતો. વિનય યુવતીના અવાજમાં રોનક સાથે દોસ્તી કરી, તેને પ્રેમભરી વાતો કરતો હતો.
બે યુવકો પ્રિન્સુના પ્રેમમાં પડ્યા અને ભાંડો ફૂટ્યો
પ્રિન્સુ ઉર્ફે વિનયની પ્રેમજાળમાં ફસાયેલા રોનકે તેને ડ્રેસ તેમજ તેની બીમારીના ઉપચાર માટે ટૂકડે ટુકડે 12 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. દરમિયાન રોનકે તેના મિત્રને પ્રિન્સુ તેની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવતા, મિત્રએ તેની ગર્લફ્રેન્ડ પણ પ્રિન્સુ હોવાનું અને તેણે પણ રૂપિયા કઢાવ્યા હોવાનું કહેતા બંને મૂંઝાયા હતા. બંનેએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી હોવાનું સામે આવતા પ્રિન્સુનું એકાઉન્ટ પણ એક જ જણાયું હતું. જેથી કોઈ તેમની સાથે છેતરપિંડી આચરીને રૂપિયા પડાવી રહ્યો હોવાનું જાણતા, રોનક હળપતિને નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીનો સ્વાંગ રચી યુવકો સાથે વાત કરતો
આ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પ્રિન્સુના સોશ્યલ મીડિયા એકાઉન્ટને તપાસતા એને આલીપોરનો વિનય નાયકા ઉપયોગ કરતો હતો. જેથી પોલીસે વિનયને અટકમાં લઈ કડકાઇથી પૂછપરછ કરતા વિનય ભાંગી પડ્યો હતો અને પોતે જ પ્રિન્સુના ફેક એકાઉન્ટથી યુવાનો સાથે મિત્રતા કેળવી, તેમની સાથે યુવતીના અવાજમાં પ્રેમભરી વાતો કરીને રૂપિયા મેળવતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વિનય નાયકાની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.
આ વિશે નવસારીના નાયબ પોલીસ અધિક્ષક એસકે રાયે જણાવ્યું કે, ઝડપીથી વધતા સોશ્યલ મીડિયાના વ્યાપને કારણે અનેક લોકો સોશ્યલ મીડિયા થકી લોકોને છેતરી હજારોથી કરોડો રૂપિયાની ઠગાઈ કરતા થયા છે. જેમાં ડ્રીમ ગર્લ ફિલ્મની જેમ વિનયે પણ યુવાનોને યુવતીના અવાજમાં પ્રેમભરી વાતો કરીને રૂપિયા પડાવવાનો કીમિયો શોધી કાઢ્યો હતો. જોકે બે મિત્રોની મિત્રતા સામે ઓનલાઇન યુવતીનો પ્રેમ વામણો સાબિત થયો અને ઠગ વિનય કાયદાના સકંજામાં આવી ગયો છે, જે યુવાનો માટે પણ ચેતવણી રૂપ કિસ્સો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે