વિસાવદરની જનતાનો અવાજ બોલ્યો : ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે, તો લોકોનો વિશ્વાસ ઉડી જશે

Gopal Italia Vs Kanti Amrutiya : ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારનાર ગોપાલ ઈટાલિયાને વિસાવદરની જનતાએ આપી મોટી સલાહ, જાણો શું કહ્યું સ્થાનિક જનતાએ 
 

વિસાવદરની જનતાનો અવાજ બોલ્યો : ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે, તો લોકોનો વિશ્વાસ ઉડી જશે

Visavdar News અશોક બારોટ/જુનાગઢ : ગોપાલ ઈટાલિયા દ્વારા કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારવાના મામલે વિસાવદરની પ્રજા દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. વિસાવદરની પ્રજાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે ગોપાલ ઈટાલિયાએ આવું કોઈ પણ જાતનું પગલું ભરવાની આવશ્યકતા નથી.

વિસાવદરની જનતા નારાજ
આ ઉપરાંત વિસાવદરના સ્થાનિકોએ એ પણ જણાવ્યું હતું કે, વિસાવદરનો વિકાસ છેલ્લા ઘણા સમયથી નોંધાયેલો છે. ત્યારે હવે જો કોઈપણ આ પ્રકારનો પગલું ભરાશે તો લોકોનો વિશ્વાસ પણ ઉડી જશે અને આગામી દિવસોમાં વિસાવદરના વિકાસની જે આશા સેવીને લોકો બેસ્યા છે. તેમની આશા પર પણ પાણી ફરી જશે. જો કે કેટલાક લોકોએ તેવું પણ કહ્યું કે, તેઓને ગોપાલ ઇટાલીયા પર ભરોસો છે અને તેઓ રાજીનામું નહીં આપશે. 

એક નાગરિક રજનીભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, ગોપાલ ઈટાલિયાએ આ પ્રકારની બાબતમાં પડવાની જ આવશ્યકતા નથી. હાલ તેઓએ ફક્ત અને ફક્ત વિસાવદરના વિકાસની વાતને વળગી રહેવાની જરૂર છે. 

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે જે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. જેને લઈને વિસાવદરના ધારાસભ્ય દ્વારા ચેલેન્જ સ્વીકારવામાં આવતા વિસાવદરના એક સ્થાનિક નાગરિક નારણભાઈ વાછાણીએ જણાવ્યું કે, જનતા દ્વારા મત મુજબ માત્ર વિસાવદર માટે ગોપાલભાઈને જીતાડ્યા છે ત્યારે વિકાસના કામની વાતો થવી જોઈએ. ના કે અલગ જગ્યાથી ચૂંટણી લડવાનો વિચાર કરવો જોઈએ. તમે વિસાવદરમાં માત્ર ચૂંટણી જીતવા માટે ધારાસભ્યો બન્યા નથી

મોરબીની જનતા પણ આ ચેલેન્જથી નારાજ 
મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા સામસામે ચેલેન્જ આપવામાં આવી છે જેને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો મોરબીની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો અહીંના લોકો પણ એવું રહ્યા છે કે જે રકમની ચેલેન્જો લગાવવામાં આવે છે તેટલી રકમ જો મોરબીના વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવે તો મોરબીની સિકલ બદલાઈ જાય તેમ છે. 
 
વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું 
તો બીજી તરફ, મોરબીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની હાજરીમાં મોરબીમાં પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં લલીતભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. મોરબીમાં લાઈટ પાણી રોડ રસ્તા ગટર વિગેરેના પ્રશ્નો ઉકેલતા ન હોય મહાપાલિકાને ઘેરવાનું આયોજન કરાશે. આગામી સોમવારે મહાપાલીકાના ઘેરાવને લઈને થયેલા આયોજનની રૂપરેખા પ્રેસ કોન્ફરન્સમાં અપાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news