જગદીપ ધનખડના રાજીનામાના કારણ અંગે મોટો ખુલાસો, પીએમ મોદી આ કામથી થયા હતા નારાજ? 2 મોટા મંત્રીઓના આવ્યા હતા ફોન
જ્યારથી જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપ્યું છે ત્યારથી દરેક જણ ચોંકી ગયા છે. બધાના મનમાં એક જ વસ્તુ ઘૂમરાઈ રહી છે કે આખરે અચાનક એવું તે શું થયું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું. હવે એક એવી વાત સામે આવી છે કે તમે પણ દંગ રહી જશો.
Trending Photos
જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક પડેલા રાજીનામાએ ભારતના રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. ધનખડે 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આગળ ધરીને રાજીનામું ધરી દીધુ. પરંતુ તેની પાછળનું કારણ હજુ પણ લોકોને સમજમાં આવ્યું નથી. વિપક્ષ પણ આ મામલે સરકારને આડે હાથ લઈ રહ્યો છે. હવે આ મામલે જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે. જાણો વિગતો.
જગદીપ ધનખડના રાજીનામા પાછળ કહાની
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જગદીપ ધનખડનું રાજીનામું કઈ એમ જ નથી પડ્યું. તેની પાછળ સરકાર સાથે એક નિર્ણય પર મતભેદ ખુલીને સામે આવ્યા છે. જેના કારણે પીએમ મોદી નારાજ થઈ ગયા હતા.
કઈ વાતે નારાજ થયા પીએમ મોદી
વાત કઈક એવી છે કે જ્યારે ધનખડે રાજ્યસભામાં હાઈકોર્ટના જજ યશવંત વર્મા વિરુદ્ધ વિપક્ષના 63 સાંસદો તરફથી લાવવામાં આવેલી મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ)ની નોટિસ સ્વીકારી લીધી ત્યારથી મૂળ બખેડો શરૂ થયો. આ નોટિસ જજ વિરુદ્ધ ગંભીર આરોપોની તપાસ માટેની હતી. પરંતુ સરકારને આ પગલું જરાય ગમ્યું નહીં. સરકાર ઈચ્છતી હતી કે આ પ્રકારનું કોઈ પણ મોટું પગલું પહેલા લોકસભામાં ભરવામાં આવે જ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ નોટિસ પર સહી કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ધનખડે પણ સરકારની સલાહ વગર જ નિર્ણય લઈ લીધો જેનાથી પીએમ મોદી અને તેમના નીકટના નેતાઓ પણ નારાજ થઈ ગયા.
2 મોટા મંત્રીઓએ કર્યો ફોન
આ વાત અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ ધનખડને તરત ફોન કર્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ ફોન પર ઉગ્ર દલીલો થઈ. એવું કહેવાય છે કે રિજિજૂએ ધનખડને કહ્યું કે આ પ્રકારે અચાનક નોટિસ સ્વીકારવી યોગ્ય નહતું અને પીએમ મોદી પણ તેનાથી ખુશ નથી. ધનખડે જવાબ આપ્યો કે તેઓ ફક્ત રાજ્યસભાના નિયમોનું પાલન કરી રહ્યા છે. પરંતુ આ વાતચીતે માહોલમાં ગરમાવો લાવી દીધો.
બેઠકમાં સરકારનું કોઈ નહતું, ધનખડ દુભાયા
તે દિવસે બપોરે 12.30 કલાકે બિઝનેસ એડવાઈઝરી કમિટી (બીએસસી)ની બેઠક યોજાઈજેમાં જેપી નડ્ડા અને રિજિજૂ હાજર હતા. પરંતુ બીજી બેઠક જે સાંજે 4.30 વાગે થઈ તેમાં બંને નહતા આવ્યા. તેનાથી ધનખડને લાગ્યું કે તેમની અવગણના થઈ રહી છે. કેટલાક સૂત્રોનું કહેવું છે કે ધનખડ એ વાતથી દુભાયા અને તેમણે તેને અપમાન તરીકે લઈ લીધુ. રાતે 9.25 કલાકે ધનખડે પોતાના રાજીનામાની જાહેરાત કરી. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને કહ્યું કે સ્વાસ્થ્ય કારણોસર તેઓ પદ છોડી રહ્યા છે.
જબરદસ્તીથી લેવાયું રાજીનામું?
બીજી બાજુ વિપક્ષનો એવો દાવો છે કે આ રાજીનામું જબરદસ્તીથી લેવાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ધનખડ સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાતા હતા અને આ રાજીનામું રાજકીય દબાણનું પરિણામ છે. આ સંપૂર્ણ રિપોર્ટને સમજીએ તો બધુ મળીને ધનખડનું રાજીનામું ફક્ત સ્વાસથ્ય કારણસર નહીં પરંતુ જસ્ટિસ યશવંત વર્માની મહાભિયોગ નોટિસને સ્વીકાર કરવાનો મુદ્દો અને સરકાર સાથે તણાવને કારણે થયું. હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રાજકીય વર્તુળોમાં ગરમાવો છે. કોણ નવા ઉપરાષ્ટ્રપતિ બનશે તે જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે