Pahalgam Attack: 'આતંકવાદ...અમે 30 વર્ષથી આ ગંદુ કામ કરતા આવ્યા છીએ' પાકિસ્તાનના રક્ષામંત્રીનું શરમજનક નિવેદન
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન પર એક પછી એક જોરદાર કાર્યવાહી થઈ રહી છે અને પાકિસ્તાન થર થર કાંપવા લાગ્યું છે. આ રઘવાટમાં એક એવી કબૂલાત કરી નાખી છે કે જે પાકિસ્તાનને હવે ભારે પડી શકે છે.
Trending Photos
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બ્રિટેનના સ્કાઈ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનનો આતંકવાદને સપોર્ટ કરવાનો અને ટેરર ફંડિંગ કરવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. સ્કાય ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે અમે લોકો 30 વર્ષથી આ ગંદુ કામ અમેરિકા માટે કરતા આવ્યા છીએ.
ભારત સાથે ઓલઆઉટ વોરની વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કર ઐ તૈયબા ખતમ થઈ ચૂક્યું છે. ખ્વાજા આસિફે એ પણ સ્વીકાર્યું કે લશ્કર એ તૈયબાના ભૂતકાળમાં પાકિસ્તાન સાથે કેટલાક લિંક મળ્યા છે. જો કે હવે આ આતંકી સંગઠન ખતમ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે લશ્કર એ તૈયબાની લિંક મળવાનો અર્થ એ નથી કે અમે તેને મદદ કરીએ છીએ.
જ્યારે ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું કે લશ્કરમાંથી જ નીકળેલા એક આતંકી સંગઠને પહેલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી છે તો તેમણે કહ્યું કે જ્યારે મૂળ સંગઠન જ નથી રહ્યું તો ઓફ શૂટ સંગઠન ક્યાંથી આવે છે. અત્રે જણાવવાનું કે લશ્કરમાંથી નીકળેલા TRF નામના આતંકી સંગઠને પહેલગામ હુમલાની જવાબદારી લીધી છે. જ્યાં 22 એપ્રિલના રોજ 26થી વધુ લોકોના જીવ ગયા.
સ્કાય ન્યૂઝ સાથે વાતચીતમાં જ્યારે રક્ષામંત્રી ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું કે શું તમે માનો છો કે પાકિસ્તાનનો આ આતંકી સંગઠનોને સમર્થન, તાલિમ અને ફંડિંગનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે તો તેનો જવાબ આપતા તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન આતંકીઓને સમર્થન કરતું આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ત્રણ દાયકાથી સંયુક્ત રાજ્ય અમેરિકા માટે આ ગંદુ કામ કરતા રહ્યા છીએ, બ્રિટન માટે પણ. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું કે આ અમારી ભૂલ હતી અને અમને તેનાથી નુકસાન થયું.
પાકિસ્તાનના રક્ષામંત્રીએ એમ કહીને પોતાના દેશની ભૂલને સાચી ઠેરવવાની કોશિશ કરી કે જો પાકિસ્તાન સોવિયેક યુનિયન વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં સામેલ ન થાત કે પછી 9/11માં સાથે ન હોત તો પાકિસ્તાન પર કોઈ આંગળી ઉઠાવી ન શકત.
ખ્વાજા આસિફે પહેલાગામ હુમલાને ભારતનું ષડયંત્ર ગણાવી દીધુ અને કહ્યું કે અમારી એજન્સીઓનું માનવું છે કે આ કામ ભારત જ કરી રહ્યું છે. સ્કાઈ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનનો આતંકીઓનો સાથ આપવાનો જૂનો ઈતિહાસ રહ્યો છે તો તેના જવાબમાં તેમણે દુનિયાના મોટા મોટા દેશો પર જ દોષનો ટોપલો ઢોળવાનો શરૂ કરી દીધો.
તેમણે કહ્યું કે મોટા દેશો માટે આ વિસ્તારમાં જે કઈ થઈ રહ્યું છે તેના માટે પાકિસ્તાનને દોષ આપવો સરળ છે. જ્યારે 80ના દાયકામાં અમે તેમની તરફથી સોવિયત યુનિયન સામે લડી રહ્યા હતા ત્યારે આજના આ તમામ આતંકીઓ વોશિંગ્ટનમાં મહેમાનગતિ માણી રહ્યા હતા. તેમણે કહ્યું કે ત્યારબાદ 9/11 હુમલો થયો. એકવાર ફરીથી એ વસ્તુઓ રિપિટ કરાઈ. ત્યારે અમારી સરકારે ભૂલ કરી. ત્યારે આ આતંકીઓનો અમેરિકાએ પ્રોક્સી તરીકે ઉપયોગ કર્યો. ત્યારે અમેરિકા તેમને મોહરા તરીકે ઉપયોગ કરતું હતું. આ એક જ સંગઠનના લોકો હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે