રશિયામાં પ્રલયના ભણકારા! 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 450 વર્ષથી સૂતેલો જ્વાળામુખી ફાટ્યો, આસપાસમાં મચ્યો કહેર
Russia Volcano Eruption 2025: રશિયામાં હાલમાં જ 8.8ની તીવ્રતાનો મહાભૂકંપ આવ્યો હતો, જેનાથી ખળભળાટ મચી ગયો હતો. હવે રશિયાના કમચાટકા પ્રદેશમાં 450 વર્ષ પછી ક્રેશેનીનિકોવ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આટલા વર્ષો પછી જ્વાળામુખી ફાટવાથી વૈજ્ઞાનિકો અને સ્થાનિક વહીવટીતંત્ર બન્નેને હેરાન કરી દીધા છે.
Trending Photos
Krasheninnikov Volcano Eruption: રશિયાના કામચટકા ક્ષેત્રમાં આવેલ ક્રેશેનીનિકોવ (Krasheninnikov) 450 વર્ષથી શાંત જ્વાળામુખી અચાનક ફાટી નીકળ્યો છે. રશિયાની ઈમરજન્સી સર્વિસએ રવિવારે (3 ઓગસ્ટ) આ માહિતી આપી. આ વિસ્ફોટ એવા સમયે થયો છે, જ્યારે થોડા દિવસો પહેલા જ આ જ પ્રદેશમાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. જ્વાળામુખી ફાટ્યા પછી આકાશમાં મોટી માત્રામાં રાખ જોવા મળી હતી, જેની તસવીરો રશિયન સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનના ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ અનુસાર આ જ્વાળામુખીનો છેલ્લો વિસ્ફોટ 1550માં થયો હતો. વૈજ્ઞાનિકોના મતે આ પ્રકારનો અચાનક વિસ્ફોટ આ વિસ્તારના પર્યાવરણ અને લોકો માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.
કામચટકા પ્રદેશ પહેલાથી જ તેના સક્રિય જ્વાળામુખી માટે જાણીતો છે, પરંતુ આટલા વર્ષો પછી ક્રેશેનિનીકોવનો વિસ્ફોટ વૈજ્ઞાનિકો અને સ્થાનિક વહીવટ તંત્ર બન્ને માટે આશ્ચર્યજનક છે. ઈમરજન્સી સર્વિસ હવે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આસપાસના લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
🌋 A sleeping giant has awakened in Kamchatka — the first-ever recorded eruption of the Krasheninnikov volcano has begun
The volcano is erupting for the first time since scientists began monitoring it.
The Institute of Volcanology (FEB RAS) confirmed volcanic activity,… pic.twitter.com/8jD0fvFlrb
— NEXTA (@nexta_tv) August 3, 2025
ઓરેન્જ એલર્ટ જાહેર
કામચાટકા ઇમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરાયેલ એક ટેલિગ્રામ પોસ્ટ અનુસાર જ્વાળામુખીમાંથી નીકળતી રાખના ગોટા 6,000 મીટર (19,700 ફૂટ)ની ઊંચાઈ સુધી પહોંચવાની ધારણા છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, "આ ગોટા જ્વાળામુખીથી પૂર્વ તરફ પ્રશાંત મહાસાગર તરફ ફેલાઈ રહ્યા છે. તેના માર્ગમાં કોઈ વસ્તીવાળા વિસ્તારો નથી, અને વસ્તીવાળા વિસ્તારોમાં રાખ પડવાના કોઈ અહેવાલ નથી." ઇમરજન્સી સર્વિસે કહ્યું કે, હાલ માટે જ્વાળામુખીને 'ઓરેન્જ' ઉડ્ડયન જોખમ કોડ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, ક્રેશેનિનીકોવ જ્વાળામુખીને કારણે આ પ્રદેશમાં ફ્લાઇટ્સ ખોરવાઈ શકે છે.
છેલ્લા 25 વર્ષમાં 18 વિસ્ફોટો
ક્રેશેનિનિકોવ જ્વાળામુખીમાં વિસ્ફોટ બુધવારે થયેલા વધુ એક જ્વાળામુખી વિસ્ફોટ પછી થયો છે. ક્લ્યુચેવસ્કોય જ્વાળામુખી યુરોપ અને એશિયામાં સૌથી એક્ટિવ જ્વાળામુખી છે. AFP અનુસાર, ક્લ્યુચેવસ્કોયમાં વિસ્ફોટો ખૂબ જ સામાન્ય છે. ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ અનુસાર, છેલ્લા 25 વર્ષોમાં 2000થી ઓછામાં ઓછા 18 વિસ્ફોટો નોંધાયા છે.
રશિયામાં મોટો ભૂકંપ અને ચેતવણી
આ બન્ને વિસ્ફોટ બુધવાર (30 જુલાઈ)ના રોજ રશિયામાં રિક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતાના એક મોટા ભૂકંપ પછી થયા છે. આ ભૂકંપે લોકોને હચમચાવી દીધા હતા અને દેશની સાથે-સાથે જાપાન અને અમેરિકામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર રશિયામાં પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી 133 કિમી દક્ષિણ-પૂર્વમાં 74 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. પ્રાદેશિક ભૂકંપ દેખરેખ સેવા અનુસાર, આ મોટો ભૂકંપ 1952 પછીનો આ પ્રદેશનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. આ ચેતવણી આપે છે કે, 7.5ની તીવ્રતા સુધીના આંચકા આવી શકે છે. કામચટકાની જીઓફિઝિકલ સર્વિસે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, '1952 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ કામચટકા ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં આવ્યો છે. ઘટનાના સ્કેલને જોતાં 7.5ની તીવ્રતા સુધીના શક્તિશાળી આંચકાની અપેક્ષા રાખવી જોઈએ.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે