Banana Tree: વરસાદી વાતાવરણ છે ત્યાં સુધીમાં વાવી દો કેળનો છોડ, શિયાળો શરુ થાશે ત્યાં તો કેળા આવવા પણ લાગશે
Banana Tree: વરસાદી વાતાવરણમાં કેળાનો છોડ વાવવામાં આવે તો ઝડપથી ઉગી જાય છે. આ ઋતુમાં ગ્રોથ પણ સારો થાય છે. કેળાનો છોડ ઘરના આંગણામાં કે અગાસી પર કેવી રીતે વાવવો અને માટીમાં શું નાખવાથી છોડનો ગ્રોથ ઝડપથી થાય ચાલો જાણીએ.
Trending Photos
Banana Tree: ઘણા લોકોને ગાર્ડનિંગનો શોખ હોય છે અને તેઓ પોતાના ઘરના આંગણામાં કે અગાસી પર નાના-મોટા કુંડામાં ઘરની જરૂરિયાતની વસ્તુઓ વાવતા હોય છે. ઘરના રસોડામાં ઉપયોગી થાય તેવા શાકભાજી પણ ઘણા લોકો ઘરમાં જ વાવતા હોય છે. જો તમને પણ આવો શોખ હોય તો આ ઋતુમાં કેળાનો છોડ પણ ઘરે સરળતાથી ઉગી શકે છે. હજુ પણ વરસાદી વાતાવરણ છે ત્યાં કેળાનો છોડ કુંડામાં વાવી દેવામાં આવે અને તેનું ખાસ રીતે ધ્યાન રાખવામાં આવે તો શિયાળો આવે ત્યાં સુધીમાં તો ઝાડમાં કેળાના ફળ પણ દેખાવા લાગશે.
કેળાનો છોડ દેખાવમાં પણ સુંદર હોય છે તેથી તેને ગાર્ડનમાં ઉગાડી શકો છો. કેળાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. કેળા કાચા હોય કે પાકા ઉપયોગમાં લઈ શકાય છે. કેળાથી ફાઇબર અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો મળે છે જો તમે ઘરે જ કેળાનું ઝાડ વાવો છો તો નેચરલી પાકતા કેળાની મજા માણી શકો છો.
કેળાનું ઝાડ ક્યાં વાવી શકાય ?
કેળાનું ઝાડ મોટી બાલ્કનીમાં, અગાસી પર કે આંગણામાં વાવી શકાય છે. જ્યારે કેળાનું ઝાડ વાવો તો એ વાતને ધ્યાનમાં રાખો કે તેના માટે તડકો અને પાણી બંને જરૂરી હોય છે. આ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં તડકો આવતો હોય તેવી જગ્યાએ કેળાનું ઝાડ વાવી શકાય છે. કેળાના ઝાડનો ગ્રોથ ઝડપથી થાય તે માટે નિયમિત રીતે તેમાં પાણીની સાથે ખાતર આપવું અને જે પાન સુકાતા જાય તેને હટાવતા રહેવું જરૂરી છે.
કેવી રીતે વાવવો કેળાનો છોડ ?
કેળાનો છોડ વાવવા માટે સારી માટી પસંદ કરો. જો તમે કુંડામાં કેળાનો છોડ વાવવાના હોય તો થોડું મોટું કુંડું લેવું અને તેમાં છોડ વાવતા પહેલા માટી અને ખાતરનું મિશ્રણ તૈયાર કરી લેવું. કુંડામાં માટી સાથે જૈવિક ખાતર મિક્સ કરો. ત્યાર પછી તેમાં કેળાનો છોડ વાવી દો. કેળાનો છોડ વાવ્યા પછી અઠવાડિયામાં એક વખત છાણનું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ કુંડામાં ઉમેરી દો. જેથી છોડમાં પોષક તત્વોની ઉણપ ન સર્જાય. આ રીતે કેળાના છોડનું ધ્યાન રાખશો તો કેળાના ઝાડનો ગ્રોથ ઝડપથી થશે અને તેમાં ફળ પણ સારા અને મોટા આવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે