જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો, વાહન પાર્કિંગ માટે લેવાયો ખાસ નિર્ણય

આ સપ્તાહે સાતમ-આઠમના તહેવારની ઉજવણી કરવામાં આવશે. રજાઓને કારણે લોકો મોટી સંખ્યામાં ફરવા તથા મંદિરોમાં દર્શન કરવા માટે જતાં હોય છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. ત્યારે દ્વારકા જતાં ભક્તોને ટ્રાફિકમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વાહન પાર્કિંગ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 
 

 જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો, વાહન પાર્કિંગ માટે લેવાયો ખાસ નિર્ણય

દેવભૂમિ દ્વારકાઃ આગામી 16 ઓગસ્ટે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવના દિવસે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જતાં હોય ત્યારે ત્યાં ભીડ જોવા મળે છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને પાર્કિંગ વ્યવસ્થા માટે ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ 33(1)(ગ)  હેઠળ મળેલ સત્તાની રૂએ તા.12-08-2025થી તા.17-08-2025 સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્તા‍રો 'નો પાર્કિંગ' તેમજ 'પાર્કિંગ' ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 

દ્વારકા શહેરના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી પ૦ મી. ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મી. ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર ૫૦ મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મી. ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી ૧૦૦ મી. ત્રિજ્યા અને કીર્તિસ્તંભ,સુદામા ચોક, ભથાણચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના ૨૦૦ મી. ત્રિજ્યામાં  ‘‘નો પાર્કિંગ ઝોન’’ તરીકે નિયત કરેલ છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં જર્જરીત ઈમારતોમાં ચાલતી 100થી વધુ કચેરીઓ 20 દિવસમાં ખાલી કરવાનો આદેશ
    
આ ઉપરાંત વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથીગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે. 
    
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આવા વાહનોને ફરજ પરના પોલીસ અધિકારીએ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરાવવાના રહેશે. 
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news