ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે રોહિત અને વિરાટ ? સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ
ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે કારકિર્દી વિશે ઘણી અટકળો ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને અનુભવી ખેલાડીઓ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેશે.
Trending Photos
કોહલી અને રોહિત પહેલાથી જ T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે, તેથી બંને ફક્ત એક જ ફોર્મેટમાં ભારત માટે રમવા માટે ઉપલબ્ધ છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી અંગે પ્રતિક્રિયા આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ પ્રમુખ ગાંગુલીએ કહ્યું કે તેમને આવા કોઈ નિર્ણય વિશે કોઈ માહિતી નથી. સૌરવ ગાંગુલી માને છે કે ફક્ત પ્રદર્શન જ નક્કી કરશે કે તેઓ કેટલો સમય રમશે.
સૌરવ ગાંગુલીએ AWL એગ્રી બિઝનેસ લિમિટેડ ઇવેન્ટ દરમિયાન કહ્યું, 'મને આની જાણ નથી, હું આના પર કમેન્ટ કરી શકીશ નહીં". જે સારું પ્રદર્શન કરશે તે રમશે. જો તેઓ સારું પ્રદર્શન કરશે, તો તેમણે રમવાનું ચાલુ રાખવું જોઈએ. વિરાટ કોહલીનો ODI રેકોર્ડ બેસ્ટ છે તો રોહિત શર્માનો રેકોર્ડ પણ શાનદાર છે. બંને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં બેસ્ટ રહ્યા છે."
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI મેચ ક્યારે રમાશે ?
ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે તેમની ધરતી પર ત્રણ મેચની ODI સિરીઝ રમવાની છે. પહેલી ODI મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. ત્યારબાદ 22 ઓક્ટોબરે એડિલેડ અને 25 ઓક્ટોબરે સિડનીમાં મેચ રમાશે. કેટલાક લોકો આ સિરીઝને વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સંભવિત વિદાય તરીકે જોઈ રહ્યા છે.
વિરાટ કોહલીનો ODI આંતરરાષ્ટ્રીયમાં શાનદાર રેકોર્ડ છે અને તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે છે. કોહલીએ 302 ODI મેચોમાં 57.88ની સરેરાશથી 14181 રન બનાવ્યા છે, જેમાં 51 સદી અને 74 અડધી સદીનો સમાવેશ થાય છે. બીજી તરફ રોહિત શર્મા ODIમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (269)નો રેકોર્ડ ધરાવે છે. રોહિતે 273 ODI મેચોમાં 48.76ની સરેરાશથી 11,168 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 32 સદી અને 58 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલીએ પ્રેક્ટિસ શરૂ કરી
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લે ફેબ્રુઆરી 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રોહિત શર્મા તાજેતરમાં ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેન્ડમાં જોવા મળ્યો હતો. બીજી તરફ, વિરાટ કોહલી હાલમાં લંડનમાં રહે છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને ઘરની અંદર પ્રેક્ટિસ કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે