MS યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકોએ કરી કમાલ, બીયા વગરના ટામેટા ઉગાડ્યા

કૃષિ ક્ષેત્રે દરરોજ નવા-નવા પ્રયોગ થઈ રહ્યાં છે. હવે એમએસ યુનિવર્સિટીના બોટની વિભાગે એક પ્રોજેક્ટના ભાગરૂપે બીયા વગરના ટામેટા ઉગાડવાની સિદ્ધિ મેળવી છે.

 MS યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકોએ કરી કમાલ, બીયા વગરના ટામેટા ઉગાડ્યા

Vadodara News: વડોદરામાં આવેલી એમ.એસ. યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકોએ બીયા વગરના ટામેટા ઉગાડવાની અનોખી સિદ્ધિ મેળવી છે. સરકારના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બોર્ડના એક પ્રોજેક્ટના ભાગરૂપે બોટની વિભાગના અધ્યાપક પ્રોફેસર સુનિલ સિંઘના માર્ગદર્શન હેઠળ મૈત્રી ત્રિવેદી, ક્રિશ્ના ટંડેલ અને પાર્થવી જોષીએ આ સંશોધન હાથ ધર્યું હતું.

આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે અમે ટામેટાના છોડના કેટલાક એવા જીન્સ (જનીન) ની ઓળખ કરી છે જે ટામેટાના છોડના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જેમાં એક જનીનને નિયંત્રિત કરવામાં અમને સફળતા મળી છે. જેના કારણે બીયા વગરના ટામેટા ઉગાડી શકાયા છે. આ ટામેટાની ખાસિયત છે કે અત્યારે બજારમાં મળતા ટામેટા કરતા વધુ સમય બગડ્યા વગર રહી શકે છે. 

સંશોધનમાં સામેલ લોકોનું કહેવું છે કે જમીનને વધારે ગરમી અને દુકાળની સ્થિતિમાં ઓછું પાણી મળે તો પણ ટામેટાના છોડને ટકી રહેવા માટે મદદ કરી શકે છે. આ ટામેટાનો છોડ હવામાનમાં થતાં ફેરફારમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પ્રોફેસર સુનિલ સિંઘ કહે છે કે કૃષિ પેદાશોમાં આ પ્રકારના ફેરફાર કરી તેને બદલાતા હવામાન અનુકૂળ બનાવી શકાય કે નહીં તેની સંભાવનાઓ તપાસવાની જરૂર છે. 

એમએસ યુનિવર્સિટામાં બીયાં વગરના ટામેટાના સંશોધનમાં સામેલ સંશોધકોના જણાવ્યા પ્રમાણે બીયા વગર દ્રાક્ષ, નારંગી અને કેળા તો ઘણા સમયથી મળે છે. પરંતુ કેટલાક એવા પ્લાન્ટ્સ છે જેમાં બીયા વગરના ફળ કુદરતી રીતે ઉગી શકે છે. તેમણે કહ્યું કે અમારી ટેકનિક અન્ય કૃષિ પેદાશો કે ફળોમાં સફળ થાય તેની સંભાવના વધારે છે. હાલ જે ટામેટા ઉગાડવામાં આવ્યા તે માત્ર લેબોરેટરી પૂરતા સિમિત છે. ખેતરમાં તેનો પ્રયોગ કરવાનો બાકી છે. આ માટે કેટલીક સરકારી મંજૂરીઓની જરૂર પડી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news