Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશના સ્વાસ્થ્ય અંગે આવ્યા મોટા અપડેટ
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવી હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 સહિત કુલ 270 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા. પરંતુ વિમાનમાં સવાર માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો હતો. પ્લેનમાં સવાર વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારીક બચાવ થયો હતો. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિશ્વાસ કુમાર રમેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હવે તેનું સ્વાસ્થ્ય સારૂ થતાં તેને ડિસ્ચાર્જ કરાયો છે.
બ્રિટિશ નાગરિક છે વિશ્વાસ કુમાર રમેશ
મૂળ દિવ અને હાલ બ્રિટિશ પાસપોર્ટ ધરાવતો વિશ્વાસ કુમાર 12 જૂને અમદાવાદથી લંડન ઉપડેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતો. આ વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યું અને મેઘાણીનગરમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ સમયે વિમાનમાં સવાર તમામ વ્યક્તિઓના મોત થયાં પરંતુ વિશ્વાસ કુમાર બચી ગયો હતો. પીએમ મોદીએ પણ સિવિલ હોસ્પિટલમાં વિશ્વાસ કુમારની મુલાકાત લીધી હતી.
સિવિલ હોસ્પિટલમાં 12 જૂને સારવાર માટે ખસેડવામાં આવેલા વિશ્વાસ કુમારનું સ્વાસ્થ્ય સારૂ થતાં હવે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. વિશ્વાસ કુમાર રમેશને ગત મોડી રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વાસ કુમાર રમેશ તેના પરિવારજનો સાથે રવાના થઈ ગયો હતો.
વિશ્વાસ કુમારના ભાઈનું થયું હતું નિધન
40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. તે ભારતમાં પોતાના પરિવારજનોને મળવા આવ્યો હતો. આ યાત્રામાં વિશ્વાસનો મોટો ભાઈ અજય કુમાર પણ સાથે હતો. બંને ભાઈ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સાથે સવાર થયા હતા. વિશ્વાસની સીટ 11A હતી પરંતુ તેનો ભાઈ બીજી લાઈનમાં બેઠો હતો. દુર્ઘટના બાદ વિશ્વાસનો જીવ બચી ગયો પરંતુ તેના ભાઈનું મોત થયું છે. દુર્ઘટના બાદ વિશ્વાસે પોતાના પિતાને વીડિયો કોલ કરી જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે, તે બચી ગયો છે, પરંતુ ભાઈ દેખાતો નથી. બાદમાં ગુજરાત પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી કે એક વ્યક્તિને છોડી બધા યાત્રીકોના મોત થઈ ગયા છે.
વિશ્વાસ કુમારે કહ્યુ- ટેક ઓફની 30 સેકેન્ડ બાદ મોટો અવાજ આવ્યો અને પ્લેન ક્રેશ ઈથ ગયું. બધુ એટલું જલ્દી બન્યું કે કંઈ સમજાયું નહીં. મને ખુદ વિશ્વાસ થઈ રહ્યો નથી કે હું કઈ રીતે બચી ગયો. થોડા સમય માટે લાગ્યું કે મરી ગયો. આંખ ખોલી જોયું તો હું જીવિત હતો. ત્યાં થોડી જગ્યા મળી અને હું બહાર આવી ગયો હતો. ચારે તરફ મૃતદેહો જોવા મળી રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે