કુદરતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ખેલ કરી નાંખ્યો, ડાંગરના ખેડૂતો પર આવી મોટી મુસીબત

Gujarat Farmers : છેલ્લા એક મહિનાથી જામેલા વરસાદે ચોમાસું જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની પાક લણવા સાથે ડાંગરના વેચાણ મુદ્દે ચિંતા વધારી છે.....એક તરફ કુદરતનો માર અને બીજી તરફ ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાનું કહી ડાંગર નજીવા ભાવે ખરીદવાની વેપારીઓની નીતિથી ખેડૂતોની કમર તોડી નાંખી 

કુદરતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ખેલ કરી નાંખ્યો, ડાંગરના ખેડૂતો પર આવી મોટી મુસીબત

Navsari News ધવલ પારેખ/નવસારી : છેલ્લા એક મહિનાથી જામેલા કમોસમી વરસાદે ચોમાસું જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની પાક લણવા સાથે ડાંગરના વેચાણ મુદ્દે ચિંતા વધારી છે. એક તરફ કુદરતનો માર અને બીજી તરફ ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાનું કહી ડાંગર નજીવા ભાવે ખરીદવાની વેપારીઓની નીતિથી ખેડૂતોની કમર તોડી નાંખી છે. ત્રણ દિવસોથી વેપારીઓ, મંડળીઓ, સંઘ કે પૌવા મીલો દ્વારા ડાંગરની ખરીદી જ નહીં થતા નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ડાંગર સાચવવાની સમસ્યા ઉભી થઈ છે.

કમોસમી વરસાદ ખેડૂતો માટે મુસીબત લાવ્યો 
નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. ખેડૂતો ચોમાસું અને ઉનાળુ એમ વર્ષમાં બે વાર ડાંગર પકવે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવક થવાની આશા હતી. કારણ છેલ્લા બે વર્ષોથી ખેડૂતો કૂદરતી માર સહન કરી રહ્યા હતા. જોકે આ વર્ષે પણ કુદરત આગળ ખેડૂત બાપડો લાચાર સાબિત થયો છે. ગત મે મહિનાના પ્રારંભથી જ શરૂ થયેલ કમોસમી વરસાદ, જાણે ચોમાસું વહેલું લાવ્યો હોય એવી સ્થિતિ બની છે. તોફાની પવનો સાથે પડેલા ધોધમાર વરસાદમાં ડાંગરનો ઉભો પાક ખેતરોમાં જ ઢળી પડ્યો હતો, તો જ્યાં પાકને થોડુ નુકશાન થયુ, ત્યાં કાપણી ક્યારે કરવી એની ચિંતા વધી હતી. 

ડાંગરમાં ભેજ હોઈ તેની ખરીદી રોકી દીધી
જોકે વરસાદી માહોલ વચ્ચે એક બે દિવસોમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ ચાઈના મશીનથી કાપણી કરાવી, સવારથી લઈ મોડી રાત સુધી કાપણી કરાવીને ખેડૂતોએ ડાંગર બચાવી લેવાનો સંતોષ તો માન્યો. પરંતુ હવે ડાંગરમાં ભેજના વધુ પ્રમાણને કારણે તેના વેચાણની સમસ્યાએ ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે. સામાન્ય રીતે નવસારી જિલ્લાના ખેડૂતો સહકારી મંડળી, સંઘ, જીન તેમજ પૌવા મીલ તથા અન્ય વેપારીઓને ડાંગર વેચતા હોય છે. ડાંગર ખરીદનારા વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરબેઠા ડાંગર ખરીદે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાનું કહીને ખરીદી રોકી દીધી હોય એવી સ્થિતિ ઉભી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

ખેડૂતો કામધંધો છોડી સૂકવણીની મથામણમાં પડ્યા 
ગત વર્ષોમાં ડાંગરમાં 18 ટકા ભેજ હોય, તો પણ ડાંગરના પોષણક્ષમ ભાવ મળ્યા હતા. પરંતુ આ વર્ષે 16 અથવા 14 ટકા ભેજ હોય તો જ ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં પણ 10 દિવસો અગાઉ પ્રતિ આરા એટલે કે 140 કિલો ડાંગર 3400 થી 3700 રૂપિયા સુધીના ભાવે ખરીદી હતી. એના ભાવ 1 હજાર અથવા તેનાથી પણ નીચે ઘટાડી વેપારીઓ 2400 થી 2500 રૂપિયામાં લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે. જેથી ડાંગરમાં ભેજનું પ્રમાણ ઓછું કરવા હાલમાં ખેડૂતો રોજના ડાંગર સૂકવવા માટેની મથામણમાં પડ્યા છે. જેને કારણે મજૂરોની અછત વચ્ચે પણ ડાંગર સૂકવવા માટે મજૂરીનો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. 

સંઘ કે મંડળીમાં પણ ડાંગર લઈને પહોંચેલા ખેડૂતના ડાંગરમાં ભેજ જણાય, તો એણે પાછા ફરવું પડે છે. જેથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે. ત્યારે આવી સ્થિતિમાં સરકાર કે સહકારી આગેવાનો ખેડૂતની પડખે આવે અને ડાંગરની ખરીદી યોગ્ય ભાવે થાય એવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news