કોઈને દસ્તાવેજ આપવાની ભૂલ ન કરતા! યુવતીની ખોટી સહીથી લોન લીધી, ને ગાડી પણ પોતાના નામે ટ્રાન્સફર કરી

Crime News : કોઈના પર ભરોસો કરીને તમારા મહત્વના દસ્તાવેજ આપ્યા બાદ કેવા કેવા ખેલ થઈ શકે છે તેવો પુરાવો આ કિસ્સો છે... અમદાવાદમાં એક યુવતીને ભાઈના મિત્રએ જ છેતરી 
 

કોઈને દસ્તાવેજ આપવાની ભૂલ ન કરતા! યુવતીની ખોટી સહીથી લોન લીધી, ને ગાડી પણ પોતાના નામે ટ્રાન્સફર કરી

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીએ ટ્રાફિકના પેન્ડીંગ મેમો ભરવા ભાઈના મિત્રને ગાડીના ઓરીજનલ કાગળીયા આપ્યા હતા. ઠગબાજ બે શખ્સોએ યુવતીની ખોટી સહીઓ કરીને ગાડી પર રૂપિયા 6 લાખની લોન લઇ લીધી અને ગાડી પણ પોતાના નામે ટ્રાન્સફર પણ કરાવી લીધી. ત્યારે યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગબાજ ભાઈઓમાંથી એકની ધરપકડ કરી અને અન્ય ફરાર એકની તપાસ શરુ કરી છે.

આરોપીએ પોતાના મિત્રની બહેનને પણ છોડ્યો નહીં અને તેની સાથે છેતરપિંડી કરી નાખી. મણિનગર ભૈરવનાથ રોડ પાસે ઋષિ એપાર્ટમેન્ટમાં રહેતી ૩૩ વર્ષીય યુવતી વસ્ત્રાલમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. યુવતીએ તેના ઉપયોગ માટે ફોર વ્હીલ ગાડી વર્ષ 2019 માં લોનથી લીધી હતી. વર્ષ વર્ષ 2024માં યુવતીએ ગાડીના લોનના તમામ હપ્તા ભરપાઈ કરી દઈને બેંકમાં NOC સર્ટીફીકેટ પણ મેળવી લીધું હતું. 

ત્યારબાદ RTOમાં થી RC બૂકમાંથી બેંકનો બોજો હટાવવા માટેની પ્રોસેસ માટે એજન્ટને કામ સોંપ્યું હતું. પરંતુ ટ્રાફિકના ઘણાં જુના દંડ પેન્ડીંગ બોલતા હોવાથી યુવતીની ગાડી પરથી બેંકો બોજો હટતો નહોતો. તેથી યુવતીએ તેના ભાઈને વાત કરતા યુવકના મિત્રે ગાડીના તમામ ઓરિજનલ કાગળીયા આરસી બૂક સહીતના ડોક્યુમેન્ટ લઈને મેમો ભરી આપ્યા હતા.

જોકે બાદમાં ઘણા દિવસો સુધી યુવતીને તેની ગાડીના કાગળીયા આપવામાં પ્રતિક ઝીણીયા ગલ્લા તલ્લા કરતો હતો. તેથી યુવતીએ આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરતા હકીકત જાણવા મળી કે આરોપી પ્રતીકે તેના ફોઈના દીકરા ઈશ્વર ગોહિલ બંનેએ મળીને યુવતીની ફોર વ્હીલ ગાડીના કાગળીયાનો દુર ઉપયોગ કરીને પોતાના નામે ગાડી કરાવી હતી. તદુપરાંત ઠગ બાજા બંને ભાઈઓએ ભેગા મળીને યુવતીની ગાડી ઉપર ખાનગી બેંકમાંથી રૂપિયા 6 લાખની લોન લઈને તમામ રૂપિયા અંગત કામમાં વાપરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યું.

નોંધનીય છે કે હાલ મણિનગર પોલીસે પ્રતિકની ધરપકડ કરીને ફરાર ઈશ્વર ગોહિલની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓની તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવી શકે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news