Ahmedabad Plane Crash: અત્યાર સુધી 190 DNA મેચ થયા, 159 મૃતદેહ સોંપાયા, સિવિલમાં વધુ એક દર્દીનું મોત
Air india plane crash: અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 270 મૃતકોમાં અત્યાર સુધી 190 લોકોના ડીએનએ મેચ થયા છે.
Trending Photos
Ahmedabad News: અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના બની તેને આજે છ દિવસ પસાર થઈ ગયા છે. 12 જૂનની બપોર અમદાવાદ માટે ક્યારેય ભૂલી શકાશે નહીં. આ દિવસે બપોરે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270 લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ માટે ડીએનએ પ્રક્રિયા ચાલી રહી છે. 18 જૂને સવારે 10.45 કલાકના અપડેટ પ્રમાણે કુલ 190 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. જેમાં 159 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે અને 33 મૃતદેહ સોંપવાના બાકી છે.
સિવિલ હોસ્પિટલે આપી માહિતી
સિવિલ હોસ્પિટલના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યુ કે 190 ડીએનએ મેચ થયા છે, જેમાં 159 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે 10 મૃતદેહ એવા છે જેના સગાની કોઈ માહિતી નથી. અત્યાર સુધી 125 ભારતીય, 4 પોર્ટુગીઝ, 38 બ્રિટિશ અને 1 કેનેડાની નાગરિકતા ધરાવતા મુસાફરોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી 139 લોકોના ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે.
ફ્લાઇટ ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસને રજા આપવામાં આવી
અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં સવાર 242 લોકોમાં માત્ર વિશ્વાસ કુમાર રમેશનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. હવે વિશ્વાસ કુમારને રજા આપી દેવામાં આવી છે. આ સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિશ્વાસ કુમારના ભાઈનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. દીવમાં તેની અંતિમ વિધિ કરવામાં આવશે.
હોસ્પિટલમાં વધુ એકનું મોત
પ્લેન દુર્ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવ દર્દીઓ સારવારમાં હતા, જેમાં ગત સાંજે એક દર્દીનું મોત થયું છે. આ સિવાય વિશ્વાસને રજા અપાયા બાદ સાત દર્દીઓ સિવિલમાં સારવાર લઈ રહ્યાં છે. સિવિલમાં અત્યાર સુધી કુલ દાખલ કરવામાં આવેલા 71 દર્દીમાં ત્રણના મોત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે