સફાઈ કામદારની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવી લાખોની ઠગાઈ; CID ક્રાઈમમાં ક્રેડિટ સોસાયટીના 8 દલાલો સામે ફરિયાદ
Ahmdabad News: સફાઈ કામદારની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને 7થી વધુ લોકો સાથે ઠગાઈ આચરી, મ્યુ.કોર્પોરેશનમાં સફાઈ કામદાર ક્રેડીટ સોસાયટીમાં લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે સેક્રેટરી, દલાલ અને કેશિયર ભેગા મળી કૌભાંડ આચર્યું હોવાની સંભાવના સેવાય રહી છે. ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં 8 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકામાં કામ કરતા સફાઈ કામદારોની આર્થિક સંકડામણમાં મદદરૂપ બની શકાય તે માટે થઈને ધી ધી અમદાવાદ મ્યુ.સ્ટાફ કામદાર કો.ઓપરેટીવ ક્રેડીટ એન્ડ સપ્લાયર સોસાયટી લીમીટેડની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્રેડીટ સોસાયટીમાં કામ કરતા સેક્રેટરી અને કેશિયર સહીતના કર્મીઓએ સફાઈ કામદારની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને સફાઈ કામદારો દ્વારા લેવામાં આવતી લોનની રકમના પેટે કમિશન મેળવીને લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાના બનાવ મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
ધી અમદાવાદ મ્યુ.સ્ટાફ કામદાર કો.ઓપરેટીવ ક્રેડીટ એન્ડ સપ્લાયર સોસાયટી લીમીટેડના કર્મચારી અને દલાલોએ ભેગા મળીને ક્રેડીટ સોસાયટીના સફાઈ કામદાર કર્મચારીને લોન અપાવવાના નામે ઠગાઈનો કારસો ઘડયો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કામદારોની નિરક્ષરતાનો લાભ ઉઠાવીને ગઠીયાએ એક ફોર્મની જગ્યાએ બે ફોર્મ ભરાવડાવી સફાઈ કર્મચારીની લોન મંજુર કરાવી લીધી હતી. લોન મંજુર થઇ ગયા બાદ ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી અને દલાલોએ પોતાનો હિસ્સો મેળવી લીધો હતો.
બાદમાં ગઠીયાઓએ એકાઉન્ટ પે ચેક આપવાના બદલે બેરર ચેક આપ્યા હતા. અને તે ચેક આરોપીઓએ પોતાના એકાઉન્ટ જમા કરાવી લીધા અને તેમાંથી પણ રૂપિયા પડાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આખું ઠગાઈનું સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશનમાં કામ કરતા સફાઈ કામદારો મોટેભાગે નિરક્ષર હોવાનો ફાયદો ઉઠાવીને ઠગાઈ આચરતી ટોળકી સૌ પ્રથમ તો લોન લેનાર સફાઈ કર્મી પાસે એકની જગ્યાએ બે લોનના ફોર્મ ભરાવતા હતા.
ત્યારબાદ જામીન લીધા વિના જ ક્રેડીટ સોસાયટીમાં લોન ધારકનું ફોર્મ જમા કરાવતા હતા. જયારે લોન મંજુર થઇ જાય એટલે લોનની રકમનો એકાઉન્ટ-પેનો ચેક આપવાના બદલે બેરર ચેક આપતા હતા. અને ક્રેડીટ સોસાયટીના કર્મીઓ તથા દલાલો સફાઈ કામદારની સાથે બેંકમાં જતા અને ચેક વટાવ્યા બાદ લોનની જે રકમ આવે તેમાંથી પોતાનું કમિશન મેળવી લેતા હતા.
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં ફરજ નોકરી કરતા 7 સફાઈ કામદારો સાથે ઠગાઈ થઈ છે જેમાં આ મુજબના નામોનો સમાવેશ થવા પામ્યો છે.
1) અશોક રજવાડી
વર્ષ-૨૦૧૯થી 2025 સુધીમાં કુલ 7 વખત લોન લીધી હતી. લોન મંજુર થઇ ગયા બાદ ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી અને કેશિયરે રૂપિયા 49 હજાર કમીશન પેટે માંગ્યા હતા.
૨) દિલીપભાઈ પુવાર
વર્ષ-૨૦૨૪મા 1 વખત લોન લીધી હતી, જેના કમિશન પેટે દલાલ અકબરભાઈને રૂપિયા 90 હજારની કમીશન ચુકવ્યું હતું. જેમાંથી દલાલ અકબર ભાઈએ રૂપિયા 70 હજાર ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી તથા અન્ય કર્મીઓને આપ્યા હતા
૩) જનક ભાઈ વાઘેલા
વર્ષ -૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં 6 વખત લોન લીધી હતી, જેના કમિશન પેટે દલાલ સંજય રાજપૂતને 34 હજાર ચૂકવ્યા હતા. અને દલાલ સંજય રાજપૂતે ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ અને કેશિયર પ્રફુલ પટેલને આપ્યા હતા.
૪) દેવ પ્રસાદ ધારુ
વર્ષ-૨૦૨૪થી ૨૦૨૫ સુધીમાં ૩ વખત લોન લીધી હતી, જેના કમિશન પેટે ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ અને કેશિયર પ્રફુલ ભાઈ પટેલને રૂપિયા 25 હજાર આપ્યા હતા
૫) અંબાલાલ વઢવાણ
વર્ષ-૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં 6 વખત લોન લીધી હતી, જેના કમીશન પેટે દલાલ રાજુ તડબૂચને 29 હજાર ચૂકવ્યા હતા. અને આ દલાલે બીજા રૂપિયા ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ અને કેશિયર પ્રફુલભાઈ પટેલને આપ્યા હતા.
૬) અરવિંદ ધલીયલ
વર્ષ-જુન ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં એક વખત લોન લીધી હતી, જેના કમિશન પેટે રૂપિયા 27 હજાર દલાલ સંજય રાજપૂતને ચૂકવ્યા હતા. અને દલાલે તેનું કમીશન લઈને બાકીના રૂપિયા ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ અને કેશિયર પ્રફુલભાઈ પટેલને આપ્યા હતા.
૭) ઈશ્વરભાઈ વાઘેલા
વર્ષ ૨૦૨૪માં કુલ 5 વખત લોન લીધી હતી, જેના કમિશન પેટે દલાલ નજીર શેખને રૂપિયા 57 હજાર ચૂકવ્યા હતા. દલાલે તેનું કમીશન મેળવીને બાકીના રૂપિયા ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી સંજય પટેલ અને કેશિયર પ્રફુલભાઈ પટેલને આપ્યા હતા.
આ આખું કૌભાંડ આ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં...
૧) સંજય પટેલ
૨) પ્રફુલ પટેલ
૩) બિંદેશ પટેલ
૪) મનુભાઈ પટેલ
૫) નજીર અહેમદ શેખ
૬) અકબર શેખ
૭) સંજય રાજપૂત
૮) રાજુ ઉર્ફે તરબૂચ શાહ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે