ગુજરાત પર મોટો ખતરો મંડરાયો, 1 થી 3 એપ્રિલ સુધી 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે
Rain Alert In Gujarat : ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં આવ્યો પલટો.. બદલાતા વાતાવરણના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન જવાની ભીતિ.....3 દિવસ ગાજવીજ અને પવન સાથે માવઠું આવી શકે છે
Trending Photos
Heatwave Alert By IMD : વાતાવરણનું કાળ ચક્ર એવું ફર્યું છે કે ભર ઉનાળે વાદળા બંધાયા છે. રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, બીજી તરફ, રાજ્યમાં કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી અપાઈ છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં હીટવેવની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે આજે કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી આપી છે. તો પોરબંદરમાં આજે ગરમીનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં ગુજરાતમાં વરસાદની આગાહી આવી છે. પવનોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને માવઠાની આગાહી છે. 2જી એપ્રિલ પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દિવસોમાં 45 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે.
1 એપ્રિલે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી
2 એપ્રિલે કયાં ક્યાં વરસાદની આગાહી
આવતીકાલે 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી
3 એપ્રિલે ક્યાં ક્યાં વરસાદની આગાહી
3 એપ્રિલ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં વાદળો છવાયા
વાતાવરણમાં પલટા વચ્ચે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. એક તરફ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ જેવા સ્થળોએ વરસાદની આગાહી પણ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળ્યું છે. સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની વકી પણ છે.
નવસારીમાં ખેડૂતો પર મોટું સંકટ
રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ છવાયું છે. નવસારીના નવસારી શહેર, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે. આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ (મોરવા) ખરી પડવાની ભીતિ છે. બદલાતા વાતારણને કારણે કેરી પાકમાં અંદાજે 70 થી 80 ટકા નુકશાનની ભીતિ છે.
એપ્રિલમાં આકાશમાંથી અગનગોળા વરસશે
એપ્રિલ મહિનામાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી કરવામાં આવી છે. IMDની આગાહી પ્રમાણે આ એપ્રિલ મહિનામાં ખૂબ જ વધારે ગરમી પડી શકે છે. સાથે જ લૂ વરસાવતા દિવસોની સંખ્યામાં વધારો થઈ જશે. આ વર્ષે એપ્રિલમાં સરેરાશ તાપમાન 1 થી 2 ડિગ્રી વધારે રહી શકે છે. સરેરાશ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. માર્ચ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ દિવસો હીટવેવના રહ્યા હતા. જે સામાન્ય કરતા ઘણા વધારે છે. એટલે એપ્રિલ મહિનામાં પણ હીટવેવના દિવસો વધારે રહી શકે છે. એટલે કે આ મહિને તમારે વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.જે રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની અને હીટવેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે તેમા રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના અને તામિલનાડુના ઉત્તર વિસ્તારોનો સમાવેશ થાય છે.
અંબાલાલ પટેલની આગાહી - એપ્રિલમાં વાવાઝોડું આવશે
અંબાલાલ પટેલે આ સીઝનની સૌથી ખતરનાક આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, 4 થી 11 એપ્રિલ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળાના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. 10 થી 18 મે સુધીમાં આરબ દેશોમાંથી આવતી આંધી તુફાનો થવાની શક્યતા છે. જેની અસરને પગલે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી શક્યતા છે. 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે